કોમર્શિયલ ટેક્સ પેયરનો શો વાંક?:અમદાવાદના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોંઘીદાટ ગાડીઓ ડૂબી, AMCએ મદદ કરવાને બદલે 'હાથ ઊંચા' કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
સહજાનંદ કોમ્પ્લેક્સમાંથી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે.
  • મદદ માગી તો AMCએ કહ્યું, 'કોમર્શિયલ બિલ્ડિંગને મદદ નથી કરતા'

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં હજુ બેઝમેન્ટમાંથી વરસાદી ઓસર્યા નથી. બે દિવસ થયા છતાં એની એ જ સ્થિતિ છે. એક તરફ, જ્યાં વિવિધ વિસ્તારોની સોસાયટીમાં કોર્પોરેશન મદદરૂપ સાબિત થવામાં ઊણું ઊતર્યું છે, ત્યારે કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ કોર્પોરેશનના વલણને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રહલાદનગર પાસેના રાહુલ ટાવર સામે સહજાનંદ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે વીજપુરવઠો પણ નથી. આ કોમ્પ્લેક્સમાં 8 જેટલી હોસ્પિટલ અને ક્લિનિક કાર્યરત છે, જેના કારણે અહીં આવતા દર્દીઓ પણ પરેશાન થયા.

કોમ્પ્લેક્સમાં 8 હોસ્પિટલ સહિત 63 યુનિટ
અમદાવાદ શહેરમાં ન માત્ર રહેણાક સોસાયટીઓએ, પરંતુ કોમર્શિયલ બિલ્ડિંગોએ પણ કૉર્પોરેશનના વલણને કારણે પારાવાર મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરના પોશ અને અતિવ્યસ્ત ગણાતા એવા પ્રહલાદનગર પાસેના રાહુલ ટાવર સામે અને ગોપી રેસ્ટોરન્ટના બિલ્ડિંગના સહજાનંદ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વરસાદી પાણી યથાવત્ છે. આ કોમ્પ્લેક્સમાં 63 યુનિટ છે, જે પૈકી 8 હોસ્પિટલ અને નાનાં ક્લિનિકનો સમાવેશ થાય છે. કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિસિટી ન હોવાના કારણે અહીં આવતા દર્દીઓ અને દુકાનદરોએ પરેશાન થવાનો વારો આવ્યો છે.

એક છોટા હાથી અને BMW પાણીમાં ગરકાવ
સહજાનંદ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં 10 જેટલી ગાડીઓ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયેલી છે, જેમાં એક BMW કારનો સમાવેશ પણ થાય છે જ્યારે એક છોટાહાથી પ્રકારનું વાહન પણ પાણીમાં ડૂબેલું છે.

મદદ ન કરો તો કોમર્શિયલ ટેકસ શેના માટે વસૂલો છોઃ શૈલેષ પટેલ
કોમ્પ્લેક્સના ચેરમેન શૈલેષભાઈ પટેલે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, કોર્પોરેશનને પાણીના નિકાલ માટે રજૂઆતો કરી છે, પરંતુ કોઈ હકારાત્મક ઉત્તર મળ્યો નથી અને કહેવામાં આવ્યું કે કોમર્શિયલ બિલ્ડિંગને અમે મદદ કરતા નથી, જેથી બિલ્ડિંગમાં વસવાટ કરતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે કોઈ મદદ ન મળી શકે તો કોમર્શિયલ ટેકસ શેના માટે વસૂલવામાં આવે છે.

આ રીતે અનેક રજૂઆતો છતાં કોર્પોરેશન તરફથી કોઈ મદદ ન મળવાને કારણે અંતે કોમ્પ્લેક્સના સ્થાનિકોને પાણીના નિકાલ માટે ત્રણ જેટલાં ફાઈટર મશીન ખરીદવાની ફરજ પડી છે. જે લાવ્યા બાદ તેમને પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

વ્રજ વિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું
રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. એની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેને પગલે પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...