અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્કૂલોબોર્ડની પાલડીમાં આવેલી અનુપમ શાળામાં રેઇન વોટર હારવેસ્ટિંગ અને રિચાર્જ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.સૂર્ય શોભા વંદના સંસ્થાને સાથે રાખીને આ પ્રોજેકટ શરૂ કરાયો છે. અમદાવાદની સરકારી શાળામાં સૌપ્રથમ વાર વોટર રિચાર્જિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય, સતત નીચું ઉતરી રહેલું જળસ્તર ઊંચું આવે એવા પ્રયાસના ભાગરૂપે સામાજિક સંસ્થા દ્વારા વોટર રિચાર્જિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.
9 શાળાઓમાં આ પ્રોજેકટ લગાવવામાં આવશે
સ્કુલનાં 5 હજાર સ્ક્વેર મીટરના ધાબા પરનું પાણી સીધું ભૂગર્ભમાં ઉતરશે. વોટર રિચાર્જિંગ સિસ્ટમ સાથે વોટર કેલ્યુલેટર મીટર જોડવામાં આવ્યું છે, કેટલું પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે, તેની માહિતી આ મીટર આપશે. આ વખતે પડેલા વરસાદમાં એક કલાકમાં 5 હજાર લિટરથી વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યું. આ પ્લાન્ટથી આખા વર્ષમાં 2 લાખ લીટર પાણી જમીનમાં ઉતારવામાં આવશે. આગામી દિવસોમાં અન્ય 9 શાળાઓમાં આ પ્રોજેકટ લગાવવામાં આવશે.
આસપાસની 100 સોસાયટીઓમાં પાણી મળી રહેશે
આ પ્રોજેકટ અંગે વધુ વિગત આપતા સંસ્થાના અર્પિતા બેને જણાવ્યું કે રેઇન વોટર હારવેસ્ટિંગ અને રિચાર્જ માટે તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટમાં બે અલગ અલગ ટાંકા બનાવવામાં આવ્યા છે. સ્કૂલના ધાબામાંથી આવતું વરસાદી પાણી ચળાઈ અને ગળાઈને આવે તે માટે એક ટાંકા માં રેતી અને કપચી પાથરવામાં આવી છે. જેથી શુદ્ધ પાણી જમીનમાં ઉતરે. વોટર રિચાર્જિંગ સિસ્ટમની મદદથી પાણી ભૂગર્ભમાં ઉતરશે એટલે આસપાસની 100 સોસાયટીઓમાં પાણી મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.