તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સુન પ્લાન પાણીમાં?:અમદાવાદમાં પડેલા વરસાદથી હાથીજણ સર્કલ નજીક અંડરપાસમાં ભરાયેલા પાણીમાં શ્રમિકોને લઈ જતી પીક અપ વાન ફસાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
એસ પી રીંગ રોડ પર હાથીજણ સર્કલ નજીકનો વીડિયો છે.
  • કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર વીડિયો શેર કરીને શહેરની પ્રિ મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો.

અમદાવાદમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં છે. માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મોટી હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં બુધવારે થયેલા વરસાદને લીધે SP રીંગ રોડ પરના સર્કલ નજીકના અંડરપાસમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ ગઈ કાલે રાત્રે થયો હતો પરંતુ 14 થી 15 કલાક બાદ પણ અંડર પાસમાં છાતી સમુ પાણી ભરેલ છે. જેના કારણે પીક-અપ વાન પાણીમાં ફસાતા અનેક શ્રમિકોના જીવ જોખમાં મુકાયા હતા.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર આ બાબતે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં અને પ્રિ-મોન્સુન પ્લાન પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા ભાજપના નેતાઓ-કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં પહોંચી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ટ્વિટર પર અંડરપાસનો વીડિયો પણ શેર કર્યો હતો.

ભારે પવન સાથે શહેરમાં એક ઇંચથી વધુ વરસાદ
અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. જેને પગલે વિવિધ વિસ્તારમાં નીચાણવાળી જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર એક ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કુબેરનગર બંગલો વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. એ સિવાયના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, શીલજ, મેમ્કો, દુધેશ્વર, નરોડા રોડ, જમાલપુર વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરમિયાન નાઉકાસ્ટે આગામી 3 કલાક સુધી ભારે પવન સાથે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડકાભડાકા સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

AMCનો પ્રિ- મોન્સુન પ્લાન
શહેરમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગર પાલિકાએ તેનો પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂકી દીધો છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકાએ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. મહાનગરપાલિકાએ આ ઉપરાંત શહેરમાં ઝોન વાઇસ કંટ્રોલરુમ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. શહેરમાં ચોમાસાની સિઝનના પાણી ભરાવવાની સમસ્યા સામાન્ય બની છે. તેવા સમયે મહાનગર પાલિકાએ આ વર્ષે શહેરના મોટાભાગના વિસ્તારમાં લગાવેલા 1500 થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી સતત મોનીટરીંગ કરવાનું આયોજન કર્યું છે. આ સિટી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે. તેમજ તેમાં 30થી વધારે કર્મચારી કાર્યરત રહેશે.

મહાનગર પાલિકાએ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે ( ફાઈલ ફોટો)
મહાનગર પાલિકાએ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે ( ફાઈલ ફોટો)

31 સ્ટોર્મ વોટર પંપીંગ સ્ટેશનમાં 70 પંપ મુકાવામાં આવ્યા
શહેરમાં લોકોને પાણી ભરાવવાની સમસ્યાથી ઝડપી છૂટકારો મળે તે માટે શહેરમાં 31 સ્ટોર્મ વોટર પંપીંગ સ્ટેશનમાં 70 પંપ મુકાવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં ચોમાસા દરમ્યાન ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોન્સૂન કંટ્રોલ રૂમ સાથે 7 ઝોનના ફાયર બ્રિગેડ, બગીચા ખાતું અને એસટીપી વિભાગ સંપર્કમાં રહેશે. ચોમાસા દરમ્યાન વરસાદ દરમ્યાન અને બાદ પાણી ભરાવવા. ઝાડ પડવા. છત પડવી ભુવા પડવા અને રસ્તા બેસવા જેવી સમસ્યામાં કન્ટ્રોલ રૂમ મદદ રૂપ બનશે. તેમજ સીસીટીવી મારફતે શહેરના અંડર પાસ પર નજર રાખીને શહેરીજનોને સમયસર એલર્ટ કરવામાં આવશે. તેમજ લોકોની માહિતી માટે બે વધારાના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.