AMCની કામગીરી:વરસાદમાં 90 કિમીની લંબાઈના 350 રોડ તૂટ્યા, 15 હજાર ખાડા પૂરવા 6.27 કરોડનું આંધણ કરાયું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રીનગર પાસે રોડ બેસી જતાં તોતિંગ ખાડો પડ્યો હતો અને બીઆરટીએસની બસ ફસાઈ જતાં મ્યુનિ. અધિકારીઓ દોડી આવ્યા હતા અને ચાલુ વરસાદે જ કપચી નાખી ખાડો પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
શાસ્ત્રીનગર પાસે રોડ બેસી જતાં તોતિંગ ખાડો પડ્યો હતો અને બીઆરટીએસની બસ ફસાઈ જતાં મ્યુનિ. અધિકારીઓ દોડી આવ્યા હતા અને ચાલુ વરસાદે જ કપચી નાખી ખાડો પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
  • અધિકારીઓએ સ્ટેન્ડિંગમાં કહ્યું, શહેરમાં હવે માત્ર 214 ખાડા પૂરવાના જ બાકી છે!
  • નવરાત્રી સુધીમાં તમામ ખાડા પૂરી દેવાશે, દશેરા પછી રોડ રિસરફેસિંગ કામગીરી શરૂ થશે

શહેરમાં ચોમાસામાં 90 કિમીની લંબાઇના 350 રોડ તૂટી ગયા છે, તેના રિપેરિંગ પાછળ અત્યાર સુધીમાં મ્યુનિ.એ રૂ. 6.27 કરોડનું આંધણ કર્યું છે. સૌથી વધારે રોડ પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં તૂટ્યા છે. શહેરના રોડ પર અત્યાર સુધી પડેલા 16056 ખાડામાંથી 15842 ખાડા પૂર્યા હોવાનો મ્યુનિ.એ દાવો કર્યો છે. હજુ 214 ખાડા પુરવાના બાકી છે.

શહેરમાં સામાન્ય વરસાદમાં જ 350 રોડ તૂટી જતાં તેમજ અનેક રોડ નાના મોટા અસંખ્ય ખાડા પડી જતાં સ્થિતિની સમીક્ષા માટે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન મહાદેવ દેસાઇએ મ્યુનિ.ના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં હાજર તમામ અધિકારીઓ પાસેથી તેમણે શહેરના કેટલા રોડ તૂટ્યા તેની વિગતો મેળવી હતી. જોકે છેલ્લા 3 વર્ષમાં નવા બનેલા એક પણ રોડ તૂટ્યા નહીં હોવાની ખાતરી અધિકારીઓએ પદાધિકારીઓને આપી હતી. આ રોડ ખાડા પુરવા માટે જ મ્યુનિ.એ 20880 મેટ્રિક ટન જેટલો હોટ મીક્સનો ઉપયોગ કરવો પડ્યો છે.

શહેરમાં તૂટેલા તમામ રોડ રિપેર કરવા તેમજ ખાડા તાત્કાલિક પૂરી દેવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વરસાદ બંધ થતાં જ તત્કાલ ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવે. એટલું જ નહીં નવરાત્રિ સુધીમાં શહેરના રોડ ફરીથી યોગ્ય કરી દેવામાં માટે સૂચના આપવામાં આવી છે. દશેરા પછી શહેરના મોટાભાગના રોડ પર રિસરફેસિંગની કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

ડામરને બદલે RCC રોડ બને તો લાંબો સમય ટકે
શહેરમાં હાલ મોટાભાગના રસ્તાઓ ડામરના બની રહ્યા છે. તેને બદલે જો આરસીસીના બને તો તેનું ટકાઉપણું ડામરના રસ્તા કરતાં અનેક ગણું વધારે હોય છે. તેમજ વરસાદમાં પણ તેને નુકશાન થવાની શક્યતા ઓછી હોય છે. જો ડામરનો રસ્તો સંપૂર્ણપણે તોડીને ફરીથી આરસીસી રસ્તો બનવાવાનો થાય તો થોડો ખર્ચ વધી શકે છે.

ઝોનવાર તૂટેલા રોડ અને રિપેરિંગ ખર્ચ

ઝોનરસ્તાની સંખ્યાતૂટેલારોડની લંબાઇ (કિ.મી.)ખર્ચ (લાખમાં)પડેલા ખાડા
પશ્ચિમ491280.371917
ઉ.પશ્ચિમ6613101.013172
દ.પશ્ચિમ361080.841627
પૂર્વ7929.61198.22685
દક્ષિણ7017.5974.42340
મધ્ય121.1711.331309
ઉત્તર386.3581.532729

રસ્તાનો પ્રકાર (20 ફૂટ X 1 કિ.મી)

ખર્ચ (રૂ.લાખમાં) અંદાજિત

ડામરથી બનતો રોડ

46

આરસીસીથી બનતો રોડ

60

દિવાળી સુધીમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 98 નવા રોડ બનશે
દિવાળી સુધીમાં તમામ ઝોનમાં નવા રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ પૂર્ણ થતાં જ આ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આ‌વશે.

225 કરોડના ખર્ચે 225 કિ.મી.ના રોડ બનશે
2022ની ચૂંટણીને ધ્યાનમાં લઇને મ્યુનિ.એ અલગ અલગ ઝોનમાં રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં 225 કિમીના રોડ નવેસરથી બનાવવા પાછળ 225 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

1 ચોમી ખાડો પૂરવા રૂ.800 ખર્ચ થાય છે
શહેરમાં અનેક રોડ પર ખાડા પડી ગયા છે. ત્યારે એક ચો.મી. બાય એક ચો.મી.નો ખાડો જો હોટમીક્સથી પૂરવાનો હોય તો તેની પાછળ મ્યુનિ.ને રૂ.800 જેટલો ખર્ચ થતો હોય છે. નોંધનીય છેકે, રોડ પર પડેલા ખાડા પુરવામાં પણ જો મોટો ખાડો હોય તો તેમાં વધારે માલ વપરાતો હોય છે. જો કે મ્યુનિ. દ્વારા આપવામાં આવતા હોટમીક્સથી આ ખાડા પુરવામાં આ‌વે છે. ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં 95844 મેટ્રિક ટન જેટલો હોટ મિક્સને ઉપયોગ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં મસમોટ ખાડા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...