અમદાવાદ પર તાઉ-તે સંકટ:અમદાવાદમાં તારાજી સર્જીને વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું, જિલ્લામાં 3ના મોત અને શહેરમાં સેંકડો વૃક્ષો ધરાશાયી, અમદાવાદ એરપોર્ટ રાબેતા મુજબ શરૂ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાઉ તે વાવઝોડું સાણંદ પહોંચ્યું છે, ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી
  • શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદને પગલે પાણી તેમજ ગટરો ભરાઈ જવાનાં દૃશ્યો જોવા મળ્યાં
  • સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે

અમદાવાદ શહેર અને જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6થી 8 કલાક મહત્વના છે. શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી તેમજ કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના બની છે. જ્યારે જિલ્લામાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ રાબેતા મુજબ શરૂ કરી દેવાયું છે, અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

જિલ્લામાં 3ના મોત અને 86 વીજથાંભલા ધરાશાયી થયા
અમદાવાદ જિલ્લામાં કુલ 3 લોકોના વાવાઝોડાના કારણે મોત નીપજ્યા છે. સાણંદ શહેરમાં બે ભાઈ બહેનના જ્યારે ધોળકામાં એક માલધારી યુવકનું દીવાલ પડતાં મોત નીપજ્યું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ DivyaBhaksar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં 86 જેટલા વીજળીના થાંભલા પડી ગયા છે. જેને પૂર્વવત કરવાની કામગીરી Pgvcl કરી રહ્યું છે. તમામ નગરપાલિકા વિસ્તારમાં લાઈટો શરૂ થઈ ગઈ છે. કેટલાક ગામડાંઓ છે હજી જ્યાં લાઈટો નથી ચાલુ થઈ જે મોડી રાત સુધી ચાલુ થઈ જશે.

અમદાવાદ ફાયર વિભાગને 200 કોલ મળ્યા
અમદાવાદ ફાયર બ્રિગેડને રેસ્ક્યુ માટે જુદા જુદા પ્રકારના 200થી વધુ ફોન કોલ મળ્યા હતા. જેમાં NID ડિલાઈટ બેકરી નજીક બે વ્યક્તિનું મેડિકલ પ્રોબ્લેમ હોવાથી રેસ્ક્યુ કરાયું હતું. જ્યારે દરિયાપુર લિંબડી ચોકમાં ઝાડની નીચે રીક્ષા દબાઈ જતા એક વ્યક્તિને બચાવાયો હતો. શહેરમાં ઘણા વૃક્ષો, વીજ થાંભલા, હાઈ ટેન્શન ઈલેક્ટ્રિક કેબલ, હોર્ડિંગ્સ, ધરાશાયી થયેલા ઝાડમાં વાહન ફસાવાની ઘટના બની હતી. એવામાં રેસ્ક્યુની આ કામગીરી રાતભર ચાલી શકે છે.

અમદાવાદ તાઉ’તે સંકટ LIVE

* તાઉ-તે વાવાઝોડું અમદાવાદ જિલ્લાથી કડી કલોલ મહેસાણા તરફ વાવઝોડું આગળ વધ્યું.

* અમદાવાદ એરપોર્ટ આજે રાતે 10 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય.

* સરગાશણથી વૈષ્ણોદેવી મંદિર સુધીનો રસ્તો ટેમ્પરરી બંધ કરવામાં આવ્યો.

* ભારે પવન ફૂંકાવાના કારણે યુ.એન મહેતા હોસ્પિટલનું બોર્ડ તૂટીને નીચે પડ્યું.

* તાઉ-તે વાવાઝોડાને પગલે ઇન્કમટેક્સ અન્ડરબ્રિજ બંધ કરવામાં આવ્યો.

* સાંજે 6 વાગ્યા સુધીમાં 250થી વધુ ઝાડ પડ્યા અને 50થી વધુ જગ્યાએ પાણી ભરાયા છે.

* સિંધુભવન રોડ પર મોટું હોર્ડિંગ ધરાશાયી થતા ગાડીઓ અને વાહનોને મોટું નુકસાન.

* અમદાવાદમાં વરસાદની ગતિ ધીમી પડી પણ પવનની ગતિ હજી 45થી 50 કિમી પ્રતિ કલાકની.

* જશોદા ચોકડી, ગોરનાં કૂવા, હાટકેશ્વર સર્કલ, સોલા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા.

* નિકોલ, નવા નરોડા ,ચાંદખેડા, સોલા સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ ગઈ.

* અમદાવાદ શહેરના વાવઝોડાની જોરદાર અસરને પગલે પવનનું જોર વધ્યું.

* રખિયાલમાં ગાડી પર ઝાડ પડતા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

* નારણપુરાના આદર્શનગરમાં વીજળીનો મોટો હાઇપરટેન્શનનો થાંભલો તૂટી પડ્યો.

* તાઉ તે વાવઝોડું સાણંદ પહોંચ્યું છે, ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી

* વાવાઝોડાની આંખ અમદાવાદને સ્પર્શી, હવે થોડીવારમાં ભારેથી અતિભારે પવન ફૂંકાશે

* અમદાવાદથી એકાદ કલાકમાં પસાર થઈ 5 વાગ્યા પછી મહેસાણા પહોંચશે.

* અમદાવાદના સાઉથ બોપલમાં વાવાઝોડાના લીધે નુકસાન, રહીશોમાં ભયનો માહોલ

* રિવર ફ્રન્ટ પર લોકોએ જાતે ઝાડ હટાવીને રસ્તો ખોલવાની ફરજ પડી છે

* અમદાવાદ શહેરના મધ્ય વિસ્તારમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે

* વાવાઝોડાના કારણે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન ના પતરા ઉડી ગયા

* એરપોર્ટ સર્કલથી શાહીબાગ સુધીના રોડ પર ઝાડ પડતા અડધો રસ્તો બંધ થયો

* અમદાવાદ એરપોર્ટને સાંજે 7.30 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યું

* રિવર ફ્રન્ટ પર અનેક ઝાડ પાડ્યા અને ઠેર ઠેર પાણી ભરાયાં

* બાપુનગર, અસારવા, શાહીબાગ, રખિયાલમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં

વાવાઝોડા અને વરસાદના કારણે ભાઈ બહેનના મોત
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં વાવાઝોડા અને વરસાદના કારણે બે ભાઈ બહેનના મોત નીપજ્યા છે. સાણંદ શહેરમાં જોરદાર વાવાઝોડાની અસરના કારણે પવન ફૂંકાઇ રહ્યો છે. દેવીપૂજક વાસમાં રહેતા વિષ્ણુભાઈ ચુનારા અને મંજુબેન ચુનારા નામના બે ભાઈ બહેન ઘર પાસે હતા. પવનના કારણે પતરું ઉડી અને વીજળીના લાઈવ વાયર પર પડ્યું હતું. પતરું બંને ભાઈ-બહેનના પર પણ પડતાં તેઓને કરંટ લાગ્યો હતો. જેથી બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અમદાવાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદથી છાપરાઓ અને કાચા મકાન પણ ધરાશાયી થયાં હોવાના અહેવાલ મળ્યાં છે.

અમદાવાદના મેયરે કંટ્રોલરૂમની મુલાકાત લીધી
અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂત રિવરફ્રન્ટ હાઉસ ખાતે આવેલા મુખ્ય કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. સ્ટેન્ડીગ ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા મુજબ 60 જેટલા મોટા ઝાડ પડવાની ફરિયાદો મળી છે જે દૂર કરવામાં આવી રહી છે. વાસણ બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જેથી પાણી રોકાય નહિ.

આગામી 6થી 8 કલાક અમદાવાદ જિલ્લા માટે અગત્યના
અમદાવાદ કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, આગામી 6 થી આઠ કલાક અમદાવાદ જિલ્લા માટે મહત્વના છે. અમદાવાદના લોકોને અપીલ કે ઘરની બહાર ન નીકળે. ભારે પવન અને વરસાદ થશે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 NDRF ટીમ છે, ધોલેરા અને ધંધુકામાં સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. 35 જેટલા શેલ્ટર હોમની વ્યવસ્થા છે જેમાં લોકોને સ્થળાંતર કર્યા છે. કોવિડ હોસ્પિટલમાં તકલીફ ન પડે માટે PGVCL જાણ કરી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ભારે પવનના કારણે હાઇવે પરના કેટલાક નાના વૃક્ષો પણ પડી ગયા હતા
ભારે પવનના કારણે હાઇવે પરના કેટલાક નાના વૃક્ષો પણ પડી ગયા હતા

અમદાવાદ જિલ્લાના 7095લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા
તાઉ-તે વાવાઝોડાની અસરો દરમિયાન લોકોની સલામતી માટે કટિબદ્ધ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 7095 વ્યક્તિઓનું સલામતીપૂર્ણ આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા કુલ 379 આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 3046 વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના 1389, સાણંદના 503, વિરમગામના 541 , ધોળકા તાલુકાના 369, દશક્રોઇના 315, માંડલ તાલુકાના 404 અને દેત્રોજ 254 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આશ્રય સ્થાનોમાં આશ્રિત તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો અવિરત મળી રહે તે માટે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે.

હાઈવે પર વાવાઝોડાના કારણે વિઝિબિલિટી ઘટી
અમદાવાદ ગાંધીનગર રોડ પર ભારે વરસાદ વરસી રહ્યો છે સાથે જોરશોરથી પવન પણ છે. પવનને કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા છે. રોડ પર વિસિબિલિટી એકદમ ઘટી ગઈ છે, જેના કારણે રોડ પરના દૃશ્યો પણ દેખાતા નથી. વાહન ચાલકો લાઇટ સાથે વાહન ચલાવે છે પરંતુ વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. રસ્તા પર ટુ વ્હીલર ચાલકો ખૂબ જ ઓછા દેખાઈ રહ્યા છે. હજુ પણ વાવાઝોડાના કારણે ભારે વરસાદ અને પવનની શક્યતા છે.

વાવાઝોડા સાથે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી
વાવાઝોડા સાથે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી

અમદાવાદમાં ગઈકાલ રાતથી સતત વરસાદ
‘તાઉ તે’ વાવાઝોડાના ગુજરાતમાં પ્રવેશ બાદ મોટા ભાગના જિલ્લાઓમાં મોડી રાતથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલ રાતથી સતત વરસાદ ચાલુ છે. શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને પગલે પાણી તેમજ ગટરો ભરાઈ જવાનાં દૃ શ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે આજે પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ, ધોળકા, લીબડી અને ધંધુકા જિલ્લામાં 65થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. આગામી બેથી ત્રણ કલાકમાં આ પવનની ગતિ વધશે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

બે-ત્રણ કલાક પછી તાઉ’તે વાવાઝોડું અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા
તાઉ’તે વાવાઝોડું આગામી 3-4 કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે. લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે. કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે લોકોને અપીલ કરી છે.

અમદાવાદ જિલ્લાના 4524 લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડાયા
તાઉ'તે સંભવિત વાવાઝોડાથી સલામતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધંધૂકા, સાણંદ, વિરમગામ અને ધંધૂકા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા છે.

લોકોને સુરક્ષિત રીતે અન્ય સ્થળોએ ખસેડાયા
તાઉ’તે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ અને ધોળકા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ગામોના 4524 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનું અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

વાવાઝોડાના પગલે કયા ઝોનમાં કેટલા ઝાડ પડ્યાં

ઝોનપડેલ ઝાડનિકાલકામગીરી ચાલુ
મધ્ય963
પશ્ચિમ972
પૂર્વ000
ઉત્તર000
દક્ષિણ633
ઉત્તર-પશ્ચિમ330
દક્ષિણ-પશ્ચિમ110

ધંધૂકા તાલુકાના 1123 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરાયા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના 3046 વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના 1123, સાણંદના 8, વિરમગામના 321 અને ધોળકા તાલુકાના 116 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરવામાં આવ્યા છે.
ઉક્ત તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા વિવિધ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. વિગતે જોઇએ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ૩૦૪૬ વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના 1123, સાણંદના 8, વિરમગામના 231 અને ધોળકા તાલુકાના 116 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરવામાં આવ્યા છે.

જિલ્લાનાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ICU ઓન વ્હીલ્સ
અમદાવાદ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની તમામ અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કોઇપણ પ્રકારની આરોગ્ય કટોકટીનો સામનો કરવા અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં 17 એમ્બ્યુલન્સ અને 2 આઇસીયુ ઓન વ્હીલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સનો કાફલો તેમજ ઈમર્જન્સી માટે જરૂરી તમામ સુવિધા તહેનાત કરી દેવામાં આવી છે.