પહેલા નોરતે જ મેઘ આગમન:નવરાત્રિના પહેલા દિવસે જ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, મંડપ પલળી ગયા, ગ્રાઉન્ડમાં પાણી ભરાયા

17 દિવસ પહેલા
  • બે વર્ષ બાદ ગરબાની મંજૂરી મળી પણ વરસાદના કારણે ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ
  • અમદાવાદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો

નવરાત્રિના એક દિવસે અમદાવાદમાં વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. અમદાવાદમાં છેલ્લા એક કલાકમાં ગોતા, સાયન્સ સીટી, એસજી હાઇવે, ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઈન્કમટેક્સ, દુધેશ્વર, શાહીબાગ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં નવરાત્રિ માટે તૈયાર કરેલા મંડપ પલળી ગયા છે. તેમજ સોસાયટીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ મળી રહ્યો છે.

ગરબાની મંજૂરી મળતા જ ખેલૈયાઓ ખુશખુશાલ હતા
ગત વર્ષે પણ કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી કરવામાં નહોતી આવી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે માત્ર શેરી ગરબાની મંજૂરી આપી હતી. ગરબાની મંજૂરી મળતા જ ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસમાં લાગી ગયા હતા. તેમજ બજારોમાં પણ ભીડ જામી હતી. પરંતુ બે દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલના કારણે ખેલૈયાઓ નિરાશ થયા છે. શહેરના અનેક વિસ્તારો તેમજ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા નવરાત્રિના પહેલા નોરતે જ ગરબાનું આયોજન અટકી શકે છે.

જમાલપુર, રાયખડ, લાલદરવાજા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ
જમાલપુર, રાયખડ, લાલદરવાજા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ

ગઈકાલે વીજળી પડતા 1 વિદ્યાર્થિનીનું મોત થયું હતું
ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. અડાલજમાં માણેકબા કન્યા હાઇસ્કૂલના દરવાજે વીજળી પડતા બે વિદ્યાર્થિનીઓ પૈકી એકનું મૃત્યુ થયું છે, અને બીજીની હાલત અત્યંત ગંભીર છે. આ બંને છોકરીઓ સ્કૂલના દરવાજે રિક્ષાની રાહ જોઈ રહી હતી જે દરમિયાન વીજળી પડી હતી.

ગુજરાતમાં સીઝનનો 95 ટકા વરસાદ પડ્યો
નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 95 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 798.7 મીમી (31 ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાંથી 426.21 મીમી (16 ઇંચ) એકલા સપ્ટેમ્બરમાં નોંધાયો છે. સપ્ટેમ્બરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાયા
વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાયા

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ
સ્ટેસ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં 130 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 111.7 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 512.96 મીમી સાથે કુલ 71.59 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ 83.65 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 93.05 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો 62.58 ટકા વરસાદ પડ્યો છે જ્યારે ડાંગમાં 67.86 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...