તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી ચોમાસું શરૂ:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં મેઘમહેર, આગામી 4 દિવસ માટે સામાન્યથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ21 દિવસ પહેલા
  • ગઈકાલે સૌથી વધુ પંચમહાલના મોરવાહડફ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો
  • હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બરમાં અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરાઈ છે

થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના મોરવાહડફ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં 20 તાલુકામાં અડધાથી 2 ઈંચ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(મિમી)
પંચમહાલમોરવાહડફ55
પાટણસિદ્ધપુર51
બનાસકાંઠાતલોદ50
વલસાડઉમરગામ48
વલસાડવાપી40
પાટણપાટણ39
મહેસાણાઊંઝા36
સાબરકાંઠાપ્રાંતિજ35
તાપીવ્યારા34
બનાસકાંઠાવડગામ33
છોટાઉદેપુરક્વાંટ32
ગાંધીનગરદેહગામ22
ખેડાખથલાલ20
અરવલ્લીમોડાસા19
રાજકોટજેતપુર19
બનાસકાંઠાભાભર18
આણંદઉમરેઠ17
મહેસાણાબેચરાજી16
ડાંગવઘાઈ16
પાટણહારીજ15

31મી ઓગસ્ટ બાદ અનેક વિસ્તારોમાં મેઘમહેરની આગાહી

બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. એટલે કે 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

સપ્ટેમ્બરમાં અમદાવાદમાં સારા વરસાદની આગાહી
રાજ્યમાં 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન હળવોથી ભારે વરસાદ, જ્યારે અમદાવાદમાં એક અઠવાડિયા દરમિયાન 1થી 3 ઇંચ વરસાદ પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.1 ડીગ્રી વધીને 36.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડીગ્રી વધીને 26.6 ડીગ્રી નોંધાયું હતું, જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત્ રહ્યું હતું, પરંતુ હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે
ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે

ચોમાસાની સિઝન પુરી થવામાં દોઢ મહિનો બાકી
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે.

ગઈકાલે જેતપુર અને આસપાસના વિસ્તારમાં લાંબા સમય સુધી વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો
ગઈકાલે જેતપુર અને આસપાસના વિસ્તારમાં લાંબા સમય સુધી વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો

​​​​​ગુજરાતમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી. આ વખતે ઓગસ્ટના 28 દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ઓગસ્ટ માસનો સૌથી ઓછો વરસાદ નોધાયો છે.