ચોમાસાનો વિધિવત્ પ્રારંભ:અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘમહેર, 43 જગ્યાએ પાણી ભરાયાં, ઉત્તર ઝોનમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ પડ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ નીચે વરસાદનું પાણી ભરાયું.
  • સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ
  • મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં 1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. હાલમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલમા ધીમી ધારે વરસાદ વરસ્યો છે.

શહેરમાં 43 જગ્યાએ પાણી ભરાયા છે. સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોનમાં પડ્યો છે. નરોડા, કોતરપુર, મેમકો, સૈજપુર, સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ ઉત્તર ઝોનમાં 14 અને પૂર્વ ઝોનમાં 10 જગ્યાએ પાણી ભરાયા છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

હાટકેશ્વર સર્કલ પર આવેલ ખોડિયાર મંદિર(વાવ) સકુંલમાં પાણી ભરાયા
હાટકેશ્વર સર્કલ પર આવેલ ખોડિયાર મંદિર(વાવ) સકુંલમાં પાણી ભરાયા

ખોખરાથી સીટીએમ રોડ પર વરસાદને લઈને વાહનોની કતારો લાગી છે. સીટીએમના કુશાભાઉ ઠાકરે હોલ સામેના રોડ પર એક-બે ફૂટ સુધી પાણી ભરાયાં છે, સાથે જ કેનાલ પાસેની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં છે. પુનિતનગર રેલવે-ફાટક પાસે પણ વરસાદી પાણી ભરાયાં છે. એક ઇંચ વરસાદમાં હાટકેશ્વર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વાહનચાલકોના વાહનો બંધ પડી જતા હાલાકી ભોગવવી પડી છે. દર વર્ષે હાટકેશ્વર સર્કલ પાસેના વિસ્તારમાં એક ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન થાય છે.

આશ્રમ રોડ પર વરસાદની તસવીર.
આશ્રમ રોડ પર વરસાદની તસવીર.

24 કલાકમાં 15 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(મિમી)
સુરતઉમરપાડા88
સુરતમાંગરોળ78
ભરૂચઅંકલેશ્વર65
ભાવનગરમહુવા63
ભરૂચહાંસોટ60
મહીસાગરલુણાવાડા51
ભરૂચવાલિયા46
બનાસકાંઠાડીસા43
મહીસાગરવીરપુર41
પાટણચાણસ્મા37
ભરૂચનેત્રંગ36
સુરતમાંડવી35
મહેસાણાવીસનગર34
ભરૂચવાગરા32
પાટણસરસ્વતી30

રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન 36 ડીગ્રીથી નીચે નોંધાયું

સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદ‌ળિયું વાતાવરણ સર્જાયા બાદ બપોરના 12.30 કલાકની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, ત્યાર બાદ દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.4 ડીગ્રી ગગડીને 31.3 ડીગ્રી અને લઘુતમ તાપમાન 2.3 ડીગ્રી ગગડીને 25.1 ડીગ્રી નોંધાયું હતું. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો, જેને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન 36 ડીગ્રીથી નીચે નોંધાયું હતું.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. એ ઉપરાંત દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ 60 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.

ઇસ્કોન ક્રોસ રોડ ખાતે વરસાદની તસવીર.
ઇસ્કોન ક્રોસ રોડ ખાતે વરસાદની તસવીર.

રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 એમએમ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 3.91 ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતાં ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 3.40 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 3.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 3.01 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.