ચોમાસુ:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં વરસાદ થયો, આવતી કાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ6 મહિનો પહેલા
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 8.14 ઈંચ વરસાદ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 24.64 ટકા વરસાદ થયો
  • આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પરંતુ વરસાદ શહેરમાં સતત ખેંચાતો જાય છે. હજી આગામી ચાર પાંચ દિવસ અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાતી નથી.

આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ,બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 15 મીમી. નોંધાયો છે. તે સિવાય નવસારીના ચીખલીમાં 6 મીમી વરસાદ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં પણ 2 મીમી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં 24.64 ટકા વરસાદ થયો ( ફાઈલ ફોટો)
રાજ્યમાં અત્યારસુધીમાં 24.64 ટકા વરસાદ થયો ( ફાઈલ ફોટો)

રાજ્યમાં 13 ટકા ઓછો વરસાદ
રાજ્યમાં અત્યારસુધીમાં 24.64 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકા ની ઘટ છે. રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. 9 જિલ્લાઓમાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ 24.64 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 26.70 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો 18.93 ટકા, મધ્ય ગુજરાતમાં 20.84 ટકા, સૌરાષ્ટ્રમાં 23.82 ટકા, દક્ષિણ ગુજરાતમાં 24.64 ટકા જેટલો વરસાદ થયો છે. તે ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.14 ઈંચ વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

વાવેતરમાં 1.91 લાખ હેક્ટરનો ઘટાડો
ચોમાસાની સીઝનમાં જે સરેરાશ વાવેતર થાય છે એની સામે કુલ 46.80 લાખ હેક્ટર જમીનમાં એટલે કે 55 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એ ગત સીઝનમાં થયેલા વાવેતરની સામે 1.91 લાખ હેક્ટર વિસ્તાર જેટલું ઓછું વાવેતર થયું છે. ધાન્યની વાત કરીએ તો 26 ટકા, કઠોળ 53 ટકા, કપાસનું 72 ટકા વાવેતર થયું છે.

નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી
નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી

માછીમારોની દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના જળાશયોમાં માત્ર 36 ટકા જ પાણી
ગુજરાતના 206 જળાશયોમાં હાલમાં પાણીનો 201918 MCFT સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 36.22 ટકા છે. સરદાર સરોવર ડેમનું લેવલ હાલમાં 115.16 મીટર છે. જેમાં 4226.69 એમસીએમ પાણીનો જથ્થો છે. 8947 ક્યુસેક પાણીની આવક સામે 8793 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.