ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં શનિવારે પણ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘઉં, જીરુ, ચણા, સરસવ સહિતના પાકને માતબર નુકસાન થયું હતું. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં ઠેરઠેર કરા વરસ્યા હતા. દેશનાં કુલ 18 રાજ્યોમાં વરસાદ નોંધાયો હતો.
દેશભરમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદ
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિતનાં શહેરોમાં પણ દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ હળવો વરસાદ પડ્યો હતો. દેશભરમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, બટાકા સહિતના પાકને 25 ટકા સુધી નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં ખેતરોમાં કાપીને તૈયાર રાખવામાં આવેલા પાક પર પાણી ફરી વળ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જ્યાં કરા વરસ્યા છે ત્યાં પાકને 50 ટકા સુધી નુકસાન થયું છે. ચણાના પાકને થયેલા નુકસાનને કારણે ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.
દેશભરમાં વાતાવરણમાં પલટો યથાવત્ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ ગુજરાત સહિત દેશનાં 18 રાજ્યમાં વરસાદ અને કરા પડી શકે છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
શહેરોમાં રસ્તા પર પાણી, ખેતરોમાં મહેનત પર પાણી
ખેડૂતો હમણાં વાવેતર, સિંચાઈ કરવાનું ટાળે: IMD
કમોસમી વરસાદ અને કરાને કારણે આગામી થોડા દિવસ સુધી વાવેતર નહીં કરવાની ભારતીય હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે. હવામાન વિભાગે ખાસ કરીને પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના ખેડૂતો માટે આ સૂચના જારી કરી હતી. સાથે જ ખેતરમાં પાણીનો વધુ ભરાવો થાય નહીં એ માટે સિંચાઈ પણ અટકાવી દેવા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.