અમદાવાદમાં એક કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રિના સમયે 9 વાગ્યાથી કડાકાભડાકા સાથે વરસાદ વરસાવા લાગ્યો છે. શહેરના ઘાટલોડીયા, રાણીપ, ન્યુ રાણીપ, મોટેરા, ચાંદખેડા, ગોતા, એસજી હાઇવે, વૈષ્ણવદેવી, સાયન્સ સિટી, શીલજ, બોપલ, ઘુમા, બાકરોલ, નવાપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે દિવસ દરમિયાન રહેલા બફારામાં લોકોને રાહત મળી હતી.
મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન
દિવસભર ભારે બફારા બાદ મધ્ય ગુજરાતમાં મોડી રાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, નડિયાદ, આણંદ સહિત વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને કારણે શહેરોના અનેક વિસ્તારોની વીજળી ડૂલ થઈ ગઈ છે. તો વળી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાવ નહીવત વરસાદે જ સરકારની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.
રાતે 6થી 10 વાગ્યા સુધીનો વરસાદ
તાલુકો | વરસાદ (મિલિમિટરમાં) |
કલોલ | 28 |
નડિયાદ | 25 |
હિંમતનગર | 20 |
મહેસાણા | 19 |
મહેેમદાવાદ | 16 |
ગાંધીનગર | 14 |
કઠલાલ | 13 |
ગુરુવારે પણ વરસાદ પડ્યો હતો
ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યે ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં, જેમાં સરખજે, એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદ વરસ્યો હતો.
શહેર આસપાસના ઘણાં વિસ્તારમાં લાઈટ ડૂલ
વરસાદના કારણે UGVCLની પાવર સપ્લાય શહેર આસપાસના મોટાભાગના વિસ્તારમાં ડૂલ થઈ ગઈ છે. બોપલ, ઘુમા, વિવેકાનંદનગર, બાકરોલ, સનાથલ સહિત આસપાસના વિસ્તારમાં એક તરફ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ લોકોને અંધારામાં ઘરમાં પૂરાઈ રહેવું પડી રહ્યું છે. જેથી લોકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.