મોર્નિંગ બ્રીફ:અમદાવાદ સહિત અનેક સ્થળોએ વરસાદ પડી શકે, લેઉવા-કડવા પાટીદારો ફરી આવશે એક મંચ પર, 100 દિવસ બાદ કોરોનાના 500થી ઓછા કેસ અને 9નાં મોત

4 મહિનો પહેલા

નમસ્કાર!
બે મહિના બાદ ભક્તો માટે અંબાજી મંદિર ખૂલશે. રાજ્યની તાલુકા અદાલતથી લઈ હાઇકોર્ટ સુધીની અદાલતોમાં મેગા લોક અદાલત યોજાશે... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,474.76174.29
ડોલરરૂ.73.070.01

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

50,600200

આ 4 ઘટના પર રહેશે નજર
1) અમદાવાદ, આણંદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે.
2) કાગવડના ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારોના આગેવાનો વચ્ચે મિલન કાર્યક્રમ
3) કોરોનાને કારણે 13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર બે મહિના બાદ ભક્તો માટે ખૂલશે, દર્શનાર્થીઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહીં દેવાય.
4) રાજ્યની તાલુકા અદાલતથી લઈ હાઇકોર્ટ સુધીની અદાલતો, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રિયલ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) લેઉવા-કડવા પાટીદારો ફરી આવશે એક મંચ પર, કાગવડના ખોડલધામ ખાતે બેઠક, મોટી રાજકીય ઊથલપાથલના સંકેત!

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે 15 જૂને બેઠક યોજાવાની છે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે, પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલાં એક મોટો સંયોગ થવા જઈ રહ્યો છે. 12મી જૂને ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાવાની છે. આ બેઠકને પગલે અનેક રાજકીય તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યમાં 100 દિવસ બાદ કોરોનાના 500થી ઓછા 481 કેસ, 76મા દિવસે એક્ટિવ કેસ ઘટીને 11657 થયા, 72મા દિવસે દૈનિક મૃત્યુઆંક સિંગલ ડિજિટમાં
રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 100 દિવસ બાદ નવા કેસ ઘટીને 481 થયા છે. અગાઉ 4 માર્ચે 480 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં 1 હજાર 526 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને 9 દર્દીનાં મોત થયાં છે. લગભગ અઢી મહિના એટલે કે 72 દિવસના અંતે દૈનિક મૃત્યુઆંક 9 થયો છે, તો રિક્વરી રેટ સુધરીને 97.36 ટકા થયો છે. સતત ત્રીજા દિવસે એકેય જિલ્લા કે શહેરમાંથી 100થી વધુ કેસ નોંધાયા નથી.
વાંચો સમાચાર વિગતવાર

3) કાગદડીના મહંત આપઘાતકેસ, આરોપીએ યુવતી સાથે બાપુનો વીડિયો ઉતારી કહ્યું'તું- ચાલો વીડિયો ઊતરી ગયો
રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાતકેસ પરથી પોલીસે પડદો ઊંચકાયો છે. મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકીએ જ હનીટ્રેપમાં ફસાવવા માટે યુવતીનો ઉપયોગ કર્યો હતો. મહંતનો યુવતી સાથેનો આપત્તિજનક વીડિયો સામે આવ્યો છે. આ આપત્તિજનક વીડિયોમાં મહંતની ભત્રીજીની ભૂમિકા હોવાની પણ શંકા સેવાય રહી છે. વીડિયો બન્યા બાદ આરોપીએ કહ્યું હતું કે ચાલો, વીડિયો ઊતરી ગયો છે, હવે નીકળો.
વાંચો સમાચાર વિગતવાર

4) દક્ષિણ ગુજરાતમાં જમાવટ કરી મધ્ય અને ઉત્તર તરફ આગળ વધ્યું ચોમાસું, આગામી 5 દિવસમાં 21 જિલ્લામાં વરસાદ પડી શકે
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દિન-પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 16 જૂન સુધી રાજ્યના 21 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરામાં કોરોનાને કારણે વેપારીઓ ભાડું ન ભરી શક્યા, કોર્પોરેશને 31 દુકાનો સીલ કરતાં વેપારીઓ રડ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારીમા વેપારીઓને સહકાર આપવા અપીલ કરી છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 18 ટકા વ્યાજ સાથે દુકાનોનું ભાડું ન ભરનાર કારેલીબાગ સ્થિત ખાણીપીણીના રાત્રિબજારની 42 પૈકી 31 દુકાનોને સીલ મારી ખાલી કરાવી હતી. કોરોનાને કારણે દોઢ વર્ષથી ભાડુ ન ભરી શકતા દુકાનો ખાલી કરવાનો વખત આવતાં દુકાનદારો રડી પડ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...