મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે, નવી સ્ક્રેપ પોલિસી, PMએ કહ્યું, 'જૂના વાહન સ્ક્રેપમાં આપનારને નવા વાહનની ખરીદીમાં રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે

અમદાવાદ2 વર્ષ પહેલા

નમસ્કાર,
આજે શનિવાર છે, તારીખ 14 ઓગસ્ટ, શ્રાવણ સુદ છઠ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા.
2) આજે મહિન્દ્રા XUV700 લોન્ચ થશે, સ્ટાઇલિશ LED લાઇટ્સ અને નવો લોગો જોવા મળશે.
3) રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
4) રાજ્યના વિવિધ સ્થળો પર વન મહોત્સવની ઉજવણી કરાશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) નવી સ્ક્રેપ પોલિસી, PM મોદીએ કહ્યું, 'જે જૂના વાહન સ્ક્રેપમાં આપશે તેને સર્ટિફિકેટ મળશે, આ સર્ટિફિકેટથી નવા વાહનની ખરીદીમાં રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે PM મોદીએ 15 વર્ષ જૂનાં વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી હતી. વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાયા બાદ PM મોદીએ સ્ક્રેપિંગ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે.
વાંચો સમાચાર વિગતવાર

2) વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીથી વાર્ષિક 3 લાખ જેટલા વાહનો રી-સાયકલ થશે; 6 કંપનીઓએ રાજ્ય સરકાર સાથે MoU કર્યા
દેશમાં વાર્ષિક 36 લાખ કાર ઉત્પાદન થાય છે જેમાંથી 12 લાખ જેટલી ગાડીઓ ગુજરાતમાં બને છે. હવે જ્યારે કેન્દ્ર સરકારે વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી છે અને તેમ ગુજરાતે જે પ્રકારે ઇમ્પલિમેન્ટ કર્યું છે તેના કારણે રાજ્ય હવે દેશભરમાં કારનું 'મોક્ષધામ' બની જશે. પોલિસી જાહેરાતની સાથે જ ગુજરાત સરકારે 6 કંપની સાથે ગાડીઓના રી-સાયકલિંગ માટે કરાર કર્યા છે. એક અંદાજ મુજબ આ કંપનીઓ 3 લાખથી વધુ કાર સ્ક્રેપને રી-સાયકલ કરશે.
વાંચો સમાચાર વિગતવાર

3) દાહોદના ડાંગરિયા ગામ પાસેથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા, પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરિયા ગામે કાપડી વિસ્તારમાં રહેતા 3 યુવકોના રોડની સાઈડમાંથી મૃતદેહો મળી આવતા પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળ પરથી બાઈક પણ મળી આવી છે ત્યારે આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો દ્વારા યુવકોની હત્યા કરાઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસે પ્રથમ તબક્કે અકસ્માતનો ગુનો નોંધી નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદમાં પ્રેમી સાથેની અંગતપળો માણવામાં અડચણરૂપ દીકરાની પ્રેમી સાથે મળી દૂધમાં ઝેર પીવડાવી હત્યા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સગી માતાએ પ્રેમીને પામવા માટે દીકરાની હત્યા કરી હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતા 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં ગઇ હતી. જ્યાં સગી માતા અને તેનાં પ્રેમીએ બાળકને ઝેર ભેળવીને દૂધ પીવડાવી દીધું હતું. ત્યાર બાદ બાળક ઘરે આવીને બેભાન થઈ જતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ આ અનૈતિક સબંધ માટે રચાયેલા ષડયંત્રમાં માસૂમ યુવીનું મોત નીપજ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) તાલિબાનના કબજામાં અફઘાનિસ્તાન, હેરાતના પૂર્વ ગવર્નર અને ભારતના ખાસ મિત્ર ઈસ્માઈલ ખાનનું સરન્ડર
તાલિબાને 7 દિવસમાં અફઘાનિસ્તાનના બીજા મોટા શહેર કંધાર સહિત અત્યાર સુધી 13 રાજ્યો પર કબજો કરી લીધો છે. તાલિબાન સામે લડનાર દરેક લોકો સરન્ડર કરવા લાગ્યા છે. અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતના ગર્વનર રહેલા ઈસ્માઈલ ખાન પણ આ વખતે તાલિબાનના કબજામાં છે. તેઓ તાલિબાન સામે લડનાર મુખ્ય લોકોમાં સામેલ હતા, પરંતુ હવે તેમણે હવે તાલિબાન આગળ સરન્ડર કરી દીધું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવાથી રાહુલ નારાજ, કહ્યું- ટ્વિટરે મારા 1.9 કરોડ ફોલોઅર્સનો હક ઝૂંટવ્યો, આ લોકશાહી પર હુમલો છે
રાહુલ ગાંધીએ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવા બાબતે નારાજગી વ્યક્ત કરતાં વિડીયો જાહેર કર્યો છે. તેને ટાઇટલ આપવામાં આવ્યું છે ટ્વિટરનો ખતરનાક ખેલ... રાહુલે કહ્યું છે કે 'મારુ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરીને રાજકીય પ્રક્રિયામાં દખલગીરી કરી રહ્યું છે. આ દેશની લોકશાહી પર હુમલો છે. આ ફક્ત રાહુલ ગાંધી પર હુમલો નથી. મારા 19 થી 20 મિલિયન ફોલોઅર્સ છે. તમે આનાથી મારો અભિપ્રાય જણાવવાનો હક ઝૂંટવી રહ્યા છો.
વાંચો સમાચાર વિગતવાર

7) હવે ઉત્તરાખંડના જોશીમઠ-બદરીનાથ નેશનલ હાઈ-વે પાસે ભૂસ્ખલન, ઘણાં વાહન ફસાયા
હવામાનમાં સતત ફેરફારો અને વરસાદના કારણે આંતરે દિવસે પહાડોનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હિમાચલના કિન્નૌર પછી હવે ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીના મુખ્ય હાઈવે પાસે ભૂસ્ખલન થયું છે. અહીં ચમોલી જિલ્લાના જોશીમઠ-બદ્રીનાથ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનના કારણે અહીં ઘણાં વાહનો ફસાયા છે. આખા રસ્તા પર કાટમાળ પથરાયો હોવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે ઘણાં વાહનો ફસાઈ ગયા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી, ગોંડલમાં રસ્તાઓ પાણી પાણી, ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા જાગી
2) સુરતમાં લવ-જેહાદ, મુકેશ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા, 3 વર્ષે પત્નીને જાણ થઈ કે પતિ મુસ્લિમ, પરિણીત અને ચાર સંતાનનો પિતા છે
3) ધોરાજીના સુપેડીમાં રૂરલ SOGએ 75 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો પકડ્યો, 2 શખસની ધરપકડ.
4) અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંક વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને બહાર કાઢવા 3 હજાર સૈનિકો મોકલ્યા.
5)ટ્વિટરના ટોપ મેનેજમેન્ટનાં ફેરફાર,ટ્વિટર ઈન્ડિયાના MD મનીષ મહેશ્વરીને હટાવી નવી જવાબદારી સાથે અમેરિકા મોકલાયા.

આજનો ઈતિહાસ
વર્ષ 1987માં આજના દિવસે ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ બિન-ભારતીય બન્યા હતા.

અને આજનો સુવિચાર
આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...