રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદના વરસી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં શેકાતા અમદાવાદીઓને વરસાદથી રાહત થઈ છે અને ટાઢક વળી છે. અમદાવાદમાં રવિવારથી માંડી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ આસપાસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
સમગ્ર અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. એસજી હાઇવે, સોલા ,ગોતા, શાહીબાગ, નરોડા, નિકોલ, ન્યુ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, જગતપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પાલડી , ગીતા મંદિર બસ સ્ટેન્ડ, જમાલપુર વિસ્તાર સહિત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
13 જૂને સવારે ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. જોકે મોડી રાતે વરસાદ શરૂ થયો હતો. તો શનિવારે બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાણીપ, એસજી હાઈવે, ઘાટલોડિયા, ગોતા સહિતના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા.
પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખૂલી
અમદાવાદમાં વરસાદ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવે છે, જેની પહેલા જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે. શહેરના સિવિલ 1200 બેડ હોસ્પિટલ ગેટ રોડથી મેઘાણીનગર તરફ જવાના રોડ પર પાણી ભરાઈ ગયું છે. રોડની ફૂટપાથ સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કોર્પોરેશનના વોટર એન્ડ ડ્રેનેજ વિભાગ દ્વારા શહેરમાં કેચપીટ સફાઈના બે રાઉન્ડ કરવામાં આવ્યા હોવાની વાતો વચ્ચે જો માત્ર અડધા ઈંચના વરસાદમાં જ આટલું પાણી ભરાઈ જતું હોય તો બે થી ચાર ઇંચ શહેરમાં વરસાદ પડે તો રોડની હાલત કેવી થાય તે સમજી શકાય છે.
3 માસ પછી ગરમી ઘટીને 40 ડીગ્રી
રાજ્યમાં ચોમાસુ સક્રિય થયું છે, જેને કારણે રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં ગત 13-14મી માર્ચે ગરમીનો પારો 40 ડીગ્રીથી નીચે નોંધાયો હતો. ત્યાર બાદ 12 જૂને એટલે કે 3 મહિના બાદ ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચ્યો છે. છેલ્લાં બે મહિના દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 41થી 45 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. તેમાંય 3 એપ્રિલથી લઇને મેના અંત સુધી ગરમીનો પારો 42 ડીગ્રીથી વધુ રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.