સમગ્ર રાજ્યમાં મેઘમહેર:રાજ્યના 251માંથી 217 તાલુકામાં વરસાદ; હિંમતનગર તલોદમાં 4, વિજયનગરમાં 3.5 ઇંચ, પાણીમાં તણાતાં બેનાં મોત

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાં શનિવારે હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના 251 તાલુકામાંથી 217 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં સિઝનનો કુલ 84 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ચોમાસામાં સરેરાશ 850 મીમી વરસાદ નોંધાય છે. અત્યાર સુધીમાં કુલ 711.54 મીમી વરસાદ પડી ચૂક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અનુક્રમે 133.79 ટકા અને 93.28 ટકા મધ્ય-પૂર્વ ગુજરાતમાં સૌથી ઓછો 71.87 મીમી, ઉ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 74.18 ટકા અને સૌરાષ્ટ્રમાં 78.30 ટકા વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સાંજે 6 થી શનિવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 47 પૈકી 45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ તલોદ પંથકમાં પડ્યો હતો. આ ઉપરાંત વિજયનગર, હિંમતનગર અને વિજાપુરમાં સાડા 3 ઇંચ, ભિલોડામાં પોણા 3 ઇંચ, પ્રાંતિજ, પોશીના અને દાંતામાં સવા 2 ઇંચ તેમજ ખેરાલુમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જો કે, શનિવાર દિવસ દરમિયાન વરસાદ સમેટાયો હોય તેમ અડધા ઇંચથી ઓછો વરસાદ રહ્યો હતો. હિંમતનગરના લીખીમાં 52 વર્ષીય આધેડનું અને વિજયનગરના ચિઠોડામાં પાણીમાં યુવક તણાઇ જતાં બંનેના મોત થયા હતા.

ભારેથી અતિભારે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકામાં 100 મીમી કરતા વધુ વરસાદ થયો છે. જ્યારે 13 તાલુકામાં 50 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં સૌથી વધુ 142 મીમી વરસાદ છે. જ્યારે વિજાપુરમાં 116 મીમી, મહેસાણા અને તલોદમાં 107 મીમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, નવસારી, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં 15 અને 16 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 5 દિવસ મોટાભાગના જિલ્લામાં હળ‌વા વરસાદની સંભવના છે.

અન્ય સમાચારો પણ છે...