મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો, શેત્રુંજી નદીમાં પૂર આવ્યું

20 દિવસ પહેલા

નમસ્કાર,

આજે બુધવાર છે, તારીખ 8 જૂન, જેઠ સુદ-આઠમ (દુર્ગાષ્ટમી)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

2) કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ માટે આજથી ગુજરાત યુનિવર્સીટીમાં રજિસ્ટ્રેશન શરૂ

3) સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી ત્રણ દિવસ વિયેતનામના પ્રવાસે જશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, શેત્રુંજી નદીમાં પૂર આવ્યું; 8મી જૂનથી દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

વાંચો સમાચાર વિગતવાર

2) સુરતમાં પહેલા મહિલા સાથે મિત્રતા કરી, એકે દુષ્કર્મ આચર્યું અને વીડિયો ઉતાર્યો, પછી બંગલામાં ત્રણ મિત્રોએ માર મારી ગેંગરેપ કર્યો

સુરતમાં ઉમરાની નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધાર જયેશે મિત્રતા કરી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો પણ ઉતાર્યો હતો. પીડિતા સાથેનો દુષ્કર્મનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી હતી. ત્યાર બાદ બંગલામાં બોલાવી હતી, જ્યાં જયેશ અને તેના અન્ય બે મિત્રોએ પણ માર મારી દુષ્કર્મ આચર્યું હતું. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરી બેની ધરપકડ કરી છે.

વાંચો સમાચાર વિગતવાર

3) M.Com., M.Sc. પછીય નોકરીના ઠેકાણા નથી પડતા, અહીં સરકારી યુનિ.માં 5 વર્ષનો કોર્સ, મામૂલી ફી ને 100% કેમ્પસ પ્લેસમેન્ટ

જો તમે સામાજિક સેવાના ક્ષેત્રમાં આગળ વધી કારકિર્દી બનાવવા ઇચ્છો છો તો તમારે દેશના બીજા રાજ્ય કે વિદેશમાં ટોપની કોલેજ શોધવાની જરૂર નથી, કારણ કે ગુજરાતના વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એના ક્ષેત્રની દેશમાં ચોથા નંબરે છે અને એમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ફેકલ્ટીની ખાસિયત એ છે કે એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ 90થી 100 ટકા પ્લેસમેન્ટ મળી જાય છે તેમજ અભ્યાસ માટે AC ક્લાસરૂમ છે.

વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદમાં દલિત સમાજની મહિલાઓએ MLA થાવાણીને પૂછ્યું, બ્રિજનું નામ સંત રોહીદાસ રાખવામાં શું વાંધો છે?

નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનો આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન થવાનું છે. જો કે છેલ્લા એક મહિનાથી બે સમાજના સંતોના નામ પર બ્રિજને લઈને ચાલતા વિવાદ વચ્ચે આજે નરોડા ખાતે આવેલી હોસ્પિટલમાં બલરામ થાવાણી આવ્યા હતા. ત્યાં દલિત સમાજની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. દલિત સમાજની મહિલાઓએ તેઓને પ્રશ્ન કર્યો હતો કે સંત રોહીદાસ ઓવર બ્રિજનું નામ રાખવામાં આવી રહ્યું છે તેનો તમને શું વાંધો છે. બ્રિજના નામકરણમાં બલરામ થાવાણીનો ઘેરાવ કરી અને તેઓને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓ ત્યાંથી રવાના થઇ ગયા હતા.પોલીસ દ્વારા 20 મહિલાઓની અટકાયત કરાઈ હતી.

વાંચો સમાચાર વિગતવાર

5) કાનપુર હિંસા પર શહેર કાજીનું વિવાદિત નિવેદન, કહ્યું- બુલડોઝર ચાલ્યું તો કફન બાંધીને રસ્તા પર ઉતરીશું, અત્યાર સુધીમાં 50 આરોપીની ધરપકડ

કાનપુરના શહેર કાજી મૌલાના અબ્દુલ કુદ્દૂસ હાદીનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે જો પોલીસ એકતરફી કાર્યવાહી કરશે અને અમારા ઘરો પર બુલડોઝર ચલાવશે તો અમે ચૂપ નહીં રહીએ. અમે કફન બાંધીને રસ્તા પર ઉતરી પડીશું. તેમને પોલીસ કમિશનર વિજયસિંહ મીનાને પણ ફરિયાદ કરી છે. તેમનો આરોપ છે કે પોલીસ એક્શનથી એક સમુદાયમાં અસંતોષ છે.

વાંચો સમાચાર વિગતવાર

6) દેશમાં ચોમાસું આગળ વધતું અટક્યું,એન્ટી-સાઈક્લોનની અત્યારની સ્થિતિ સારા સંકેત આપતી નથી

ગયા સપ્તાહે ભારતમાં ચોમાસાનું સમયસર આગમન તો થયું પણ હવે દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો તરફ તે આગળ વધતું અટક્યું છે. આ અગાઉ આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહે તેવી આગાહી કરવામાં આવેલી છે,પણ તેની પ્રારંભિક પ્રગતિની વાત કરવામાં આવે તો તે એકંદરે નબળી રહી શકે છે,તેમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મિટેરિઓલોજી ખાતેના ક્લાઈમેન્ટ બાબતના વૈજ્ઞાનિક રોક્સિ મેથ્યુએ જણાવ્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

7) કાશ્મીરમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ,કનાચકમાં ડ્રોનને તોડીને ટિફિન બોમ્બ જપ્ત કર્યો, કુપવાડા-સોપોરમાં 3 આતંકીઓ ઠાર, આ પૈકી 2 પાકિસ્તાની નાગરિક

જમ્મુ-કાશ્મીરમાં સોમવાર રાતથી ચાલી રહેલી અથડામણમાં 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સોપોર જિલ્લાનાં જાલુરા વિસ્તારમાં રાત્રે 10 વાગે લશ્કર-એ-તૈયબાનો એક અને કુપવાડામાં સવારે 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ત્રણમાંથી બે આતંકવાદી પાકિસ્તાની હતા, જ્યારે એક સ્થાનિક આતંકી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ BSFએ સોમવાર રાતથી જ કનાચકના દયારાનમાં નજરે પડેલા એક ડ્રોનને ફાયરિંગ કરીને તોડી પાડવામાં આવ્યું હતુ.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) 2014 બાદ પ્રથમવાર વડોદરામાં 18 જૂને PMનો રોડ શો, એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રહેણાંક વિસ્તારોમાંથી રોડ શો પસાર થશે

2) પ્રસાર માધ્યમમાં ભ્રામક જાહેરાત સામે ડ્રાફ્ટ પોલિસી તૈયાર, બેથી ત્રણ અઠવાડિયામાં અમલમાં મૂકવામાં આવશે: કેન્દ્ર સરકાર

3) અક્ષયકુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને ગુજરાતમાં કરમુક્તિ આપવાની મુખ્યમંત્રીની જાહેરાત

4) રાજકોટમાં પ્રેમિકા સાથે સંબંધ તૂટતા યુવકે સિવિલ હોસ્પિટલના એક્સ-રે રૂમ પાસે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો

5) ધોરણ 10 બેઝિક ગણિત સાથે પાસ થનાર 12 સાયન્સમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં

6) રાજકોટમાં 'ફૂડ સેફ્ટી ડે'ના દિવસે શિવમ સાઉથ ઇન્ડિયનમાંથી 19 કિલો વાસી ખોરાક ઝડપાયો, 54 ધંધાર્થીને ત્યાં ચેકિંગ

7) BJPએ પક્ષના પ્રવક્તાઓને નૂપુર શર્મા-કાનપુર હિંસા મામલે કોઈપણ નિવેદન ના આપવા કહ્યું, નૂપુરની સુરક્ષા વધારાઈ

​​​​​​​8) બ્રિટિશ PMએ વિશ્વાસ મત જીત્યો,બોરિસ જોનસન વડાપ્રધાનપદે યથાવત્ રહેશે, 359માંથી 211 સાંસદે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો

આજનો ઈતિહાસ
વર્ષ 1948માં આજના દિવસે ભારતની સૌ પ્રથમ વિમાની સેવા એર ઈન્ડિયા દ્વારા ભારત અને બ્રિટન વચ્ચે શરૂ કરવામાં આવી હતી

અને આજનો સુવિચાર
મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...