વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર:સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 36 તાલુકાઓમાં માવઠું થયું, રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે ઉ.ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું.અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 36 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર,બનાસકાંઠા, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્ચો છે.

અમદાવાદના સરખેજ હાઈવે પર લોકોએ ફરીવાર છત્રી અને રેઈનકોર્ટ સાથે ફરવા માંડ્યા
અમદાવાદના સરખેજ હાઈવે પર લોકોએ ફરીવાર છત્રી અને રેઈનકોર્ટ સાથે ફરવા માંડ્યા

સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 36 તાલુકાઓમાં વરસાદ

તાલુકોવરસાદ (મિ.મિ)
કલ્યાણપુર4
જામનગર4
સાયલા3
વડગામ3
માંડલ3
ખેરાલુ3
લાલપુર3
ભાણવડ3
તલોદ3
પોશિના3
પાલનપુર3
બાયડ3

​​​​​​બનાસકાંઠા, પાટણ અને શંખેશ્વર, મહેસાણામાં ઝાપટું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે બુધવારે ઉ.ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં, જ્યારે પાટણ અને શંખેશ્વરમાં હળવું ઝાપટું પડ્યું હતું. બુધવારે દિવસભર ધૂંધળા વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાન સાડાત્રણ ડીગ્રી સુધી વધતાં સવારનું તાપમાન 18 ડીગ્રી, જ્યારે ગરમીનો પારો સાડાચાર ડીગ્રી સુધી ઘટતાં દિવસનું તાપમાન 23થી 24 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો 8થી 10 ડીગ્રી વચ્ચે રહે છે, પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદની સ્થિતિ બનતાં સામાન્ય કરતાં ઠંડીનો પારો 10 ડીગ્રીથી વધુ રહ્યો છે.

માવઠાને કારણે ખેડૂતોનો પાક બગડવાની ભીતિ.
માવઠાને કારણે ખેડૂતોનો પાક બગડવાની ભીતિ.

સૌરાષ્ટ્રમાં બે દિવસ માવઠાંની આગાહી
બુધવારે સાંજના સમયે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જે સતત 5થી 10 મિનિટ સુધી ચાલુ રહ્યાં હતાં, જેને કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને કાલે એમ બે દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી- માળિયા અને કચ્છમાં વરસાદ આવશે. હાલમાં વાતાવરણ બદલાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે
રાજ્યમાં 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તથા 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે, જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આવી સ્થિતિમાં ઘાસચારો અને ખેતીપાક બગડવાની ચિંતા પણ કિસાનોએ જણાવી હતી. તો માંડવી તાલુકાના ગઢશીશા સહિતનાં ગામોમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડયો હતો. દરમિયાન કંડલા બંદરમાં લઘુતમ 18, મહત્તમ 23.1 અને કંડલા એરપોર્ટમાં 18.2 અને 23 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...