ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એવામાં હવે વધુ આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર તથા મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગામી 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, જુનાગઢ તથા પોરબંદર જિલ્લાઓમાં રવિવારથી મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એવામાં અમદાવાદ શહેરનું તાપમાન આગામી 3 દિવસો સુધી નીચે ગગડીને 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. જ્યારે ગઈકાલે શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી જેટલું નોંધાયું હતું.
ગઈકાલે 23 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
નોંધનીય છે કે, ગઈકાલે જ રાજ્યના 23 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ કેરળમાં ચોમાસાનું આગમાન થઈ ચૂક્યું છે અને ઝડપથી તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચ્યું હતું. આ કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અપેક્ષા મુજબ રહ્યું. તે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું હતું. તેના કારણે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. ચોમાસાની આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે. તે મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે. ગુજરાતમાં 20 જૂન પહેલા ચોમાસુ પહોચે તેવી સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
જિલ્લો | તાલુકો | વરસાદ મિલીમીટરમાં |
ડાંગ | ડાંગ (આહવા) | 38 |
ડાંગ | દેવગઢ બારિયા | 20 |
ડાંગ | સુબિર | 20 |
અરાવલી | મેઘરજ | 14 |
ડાંગ | મોડાસા | 13 |
પંચમહાલ | મોરવા હડફ | 11 |
સાબરકાંઠા | ઈડર | 8 |
અમરેલી | અમરેલી | 8 |
પંંચમહાલ | હાલોલ | 8 |
ભાવનગર | પાલિતાણા | 8 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.