રેલવે યાત્રીઓનો સમય બચાવશે:અમદાવાદ-મુંબઈ રૂટ પર 160 કિમીની ઝડપે ટ્રેન દોડશે, દિલ્હી રૂટની ટ્રેનની ઝડપ પણ વધારાશે

અમદાવાદ9 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • અમદાવાદ-દિલ્હીની ટ્રેનની ગતિ વધારીને 130 કિમી પ્રતિ કલાક કરાશે

ટ્રેન મારફતે અમદાવાદથી મુંબઇ અને દિલ્હી પ્રવાસ કરતા મુસાફરો માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં રેલવે વિભાગે ટ્રેનની ગતિ વધારવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે અમદાવાદ ડિવિઝનની અમદાવાદ-મુંબઇ અને અમદાવાદ-દિલ્હીની ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવશે. જે માટે ટ્રેક સ્પીડને અનુરૂપ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદથી મુંબઈ-દિલ્હીની ટ્રેનોની ઝડપ વધારાશે
અમદાવાદ રેલવે ડિવિઝનલ મેનેજર તરુણ જૈન દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે કે, 'આવનાર દિવસોમાં અમદાવાદથી દિલ્હી અને મુંબઇ જતા પ્રવાસીઓ માટે પ્રવાસના રૂટનું અંતર કાપવાના સમયમાં ઘટાડો જોવા મળશે. કારણ કે અમદાવાદ ડિવિઝન રૂટ પરની ટ્રેનની ગતિ વધારશે. હાલ અમદાવાદ-મુંબઇ ટ્રેનની ગતિ 130 પ્રતિ કિલોમીટર કલાક છે, જે વધારીને 160 પ્રતિ કિલોમીટર કરવામાં આવશે. જ્યારે અમદાવાદથી દિલ્હી ટ્રેનની સ્પીડ 110 છે તે વધારીને 130 કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવશે.

હાલ અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં 7.30 કલાક થાય છે
હાલ ટ્રેન મારફતે અમદાવાદથી મુંબઈ જવા માટે અંદાજે 500 કિલોમીટર અંતર કાપવું પડે છે, જે માટે 7.30 કલાક જેટલો સમય થાય છે. ઉપરાંત દિલ્હી જવા માટે પણ ટ્રેન મારફતે 733 કિલોમીટરનું અંતર થાય છે, જે માટે 13 કલાક જેટલો સમય લાગતો હોય છે. તેવામાં હવે ટ્રેનની ગતિ વધવાથી પ્રવાસીઓ સરળતાથી અને સમયની બચત સાથે દિલ્હી અને મુંબઇ પહોંચી શકશે.

રૂટના ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ
આ ઉપરાંત અમદાવાદ ડિવિઝનના મોટાભાગના રૂટ પર ઇલેક્ટ્રિફિકેશન કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વર્ષ 2021માં 392 કિલોમીટર રેલ ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ ડિવિઝનને ગયા વર્ષે પાંચ હજાર કરોડથી વધારેની આવક થઇ હતી.

અમદાવાદ અને પટણા વચ્ચે ઉનાળામાં ખાસ ટ્રેન ચાલશે
મુસાફરો અને તેમના માંગ પૂરી કરવા માટે અનુકૂળતા માટે, પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટણા વચ્ચે વિશેષ ઉનાળામાં ખાસ ટ્રેન ચલાવવા માટે નિર્ણય લીધો છે. ટ્રેન નં 09417/09418 અમદાવાદ-પટના-અમદાવાદ અઠવાડિક વિશેષ ટ્રેનની કુલ 14 ટ્રીપ દોડાવાશે. આ ટ્રેન 16 મે થી 29 જૂન, 2022 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિન્દુઆ સિટી, ભરતપુર, મથુરા, કાસગંજ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી સ્ટેશનો વચ્ચે દોડશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા હશે. ટ્રેનનં 09417 માટે બુકિંગ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર 12 મે, 2022 થી શરૂ થશે જે વિશેષ ભાડાથી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...