સુવિધા:રેલવેએ અમદાવાદમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કર્યો, રોજ 160 KLD શુદ્ધ પાણીની બચત કરશે

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
  • ટ્રેન ધોયા બાદ વેસ્ટ પાણીને ટાંકીમાં ભેગું કરી ફાયટો રેમિડિએશન સિસ્ટમથી ચોખ્ખું કરાય છે

ભારતીય રેલવેમાં પહેલીવાર અમદાવાદ ડિવિઝન દ્વારા કાંકરિયા યાર્ડમાં 200 કેએલડી (કિલો લિટર પ્રતિ દિવસ)ની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કર્યો છે. ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ટ્રેનના કોચ ધોવા માટે કરાશે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફાયટો રેમિડિએશન સિસ્ટમથી પાણી ટ્રીટ કરી રોજના 160 કેએલડી ફ્રેશ પાણીની બચત કરવામાં આવશે.

અમદાવાદ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મેનેજર (પર્યાવરણ) ફેિડ્રક પેરિયતે જણાવ્યું કે, અમદાવાદમાં રોજની 200થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. આ તમામ ટ્રેનો અમદાવાદ યાર્ડમાં પહોંચે ત્યારે તેને ધોવામાં આવે છે. આ ટ્રેનો ધોવા માટે રોજ 160 કેએલડીથી વધુ પાણીની જરૂર પડે છે. ટ્રેન ધોવા માટે અત્યાર સુધી ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક વાર ટ્રેન ધોયા બાદ પાણી ગટરમાં વહી જતાં પાણીનો બગાડ થતો હતો. પાણીની બચત થાય તેમજ પર્યા‌વરણ જળવાઈ રહે તે માટે યાર્ડમાં જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.

પાણી આ રીતે શુદ્ધ કરવામાં આવે છે
યાર્ડમાં ટ્રેન ધોયા બાદ વેસ્ટ પાણીને પાઈપલાઈનથી ફરી એક ટાંકીમાં ભેગું કરાય છે. જ્યાં ટાંકીમાં જતાં પહેલા પાણીમાંથી ઘનકચરો જાળી દ્વારા બહાર કાઢી લેવાય છે.
6 ટાંકીમાંથી પાણીને તબક્કાવાર પસાર કરાય છે. આ તમામ ટાંકી પર છોડ લગાવવામાં આવ્યા છે જે પાણીમાં રહેલો નાઈટ્રોજન ખેંચી લે છે. જેના કારણે છોડનો પણ સારો ઉછેર થાય છે.
આ પાણી પાંચ ટાંકીમાંથી પસાર થયા બાદ સેમી ફિલ્ટર થતાં છઠ્ઠી ટાંકીમાં જાય છે. ત્યાંથી મોટર દ્વારા પાણીને પહેલા કાર્બન ફિલ્ટર બાદ સોન્ડ (રેતી) ફિલ્ટરમાંથી પસાર કરાય છે.
છેલ્લે પાણીને યુવી (અલ્ટ્રા વાયોલેટ) યુક્ત પાઈપ લાઈનમાંથી પસાર કર્યા બાદ પાણી શુદ્ધ થતાં તેને ટાંકીમાં ભરી ફરી કોચ ધોવા માટે ઉપયોગમાં લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...