પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના માળીયા-મિયાણા રૂટ પરના મોરબી ખંડના વધર્વ રેલવે સ્ટેશન પર કાર્યરત રેલવે સ્ટાફે મુસાફરના ટ્રેક પર પડી ગયેલા ફોનને શોધીને પરત કર્યો હતો. આ મુસાફર આલા હઝરત સ્પેશિયલ ટ્રેનથી મુસાફરી રહ્યો હતો. આ દરમિયાન તેનો મોબાઈલ ફોન રેલવે ટ્રેક પર પડી ગયો હતો.
અમદાવાદ મંડળના રેલવે પ્રવક્તાએ આ વિશે માહિતી આપતા કહ્યું કે, તારીખ 20 ઓગસ્ટ 2021 ની સાંજે પંકજ કુમાર મીના ટ્રેન નંબર 04312 આલા હઝરત સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન જ્યારે ટ્રેન વધર્વ સ્ટેશનથી પસાર થઈ રહી હતી. ત્યારે તેમનો મોબાઈલ ફોન રેલવે ટ્રેક પર પડી ગયો હતો. મુસાફર દ્વારા ટિકિટ નિરીક્ષક હરિરામ મીણાને જાણ કરવા પર તેમણે તરત જ સ્ટેશન માસ્ટર રાજેશ કુમારને ફોન પર જાણકારી આપી હતી.
ત્યારબાદ તેમણે સહાયક પરિચાલન પ્રબંધકની નિર્દેશાનુસાર એક સર્ચ ટીમ બનાવી જેમાં રાજેશ કુમાર સ્ટેશન માસ્ટર, સી.એસ. ત્રિપાઠી સ્ટેશન માસ્ટર, સુરેશ જી પ્લેટફોર્મ પોર્ટર અને અજીત કુમાર કોન્સ્ટેબલ (આરપીએફ)ને નોમિનેટ કરવામાં આવ્યા. ટીમ દ્વારા આશરે 20 મિનિટના પ્રયત્નોથી વધર્વ સ્ટેશનની પાસે માળીયા-મિયાણા તરફ મોબાઈલ વર્કિંગ કન્ડીશનમાં પ્રાપ્ત થયો. ત્યારબાદ સંબંધિત મુસાફરનો સંપર્ક કર્યા પછી તરત જ મોબાઇલ સોંપવામાં આવ્યો હતો. સમગ્ર સર્ચ ટીમની તેમની સર્વોત્તમ કામગીરી માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.