કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ બને ત્યારે તીસરી આંખ તરીકે CCTV કેમેરા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. લાખો લોકોની અવર-જવર વચ્ચે કોઈપણ વ્યક્તિની ઓળખ કરવી હોય તો CCTV કેમેરાથી તે વ્યક્તિની ઓળખ કરી શકાય છે. સામાન્ય પાર્લર કે દુકાનમાં પણ CCTV લગાવવામાં આવે છે. પરંતુ રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં આવેલા સાબરમતી રેલવે સ્ટેશન સહિત પાંચ રેલવે સ્ટેશન પર એક પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અસારવા રેલવે સ્ટેશન પરથી અમદાવાદ ઉદયપુર બ્રોડગેજ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી એ અસારવા રેલવે સ્ટેશન પર પણ એક પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. આ ખુલાસો દિવ્ય ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં થયો છે. દિવ્ય ભાસ્કરે અમદાવાદના પાંચ રેલવે સ્ટેશન એવા સાબરમતી, સાબરમતી ધર્મનગર, ગાંધીગ્રામ, અસારવા અને મણીનગરનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે.
આ અંગે અમદાવાદ ડિવિઝનના રેલવે PRO જીતેન્દ્ર જયંતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદનું મુખ્ય રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન ઉપર CCTV કેમેરા લાગેલા છે. નાના એવા રેલવે સ્ટેશન જેમકે સાબરમતી, મણીનગર વગેરે રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરની અવરજવર ઓછી હોય છે ત્યારે આવા રેલવે સ્ટેશન પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. જ્યાં પેસેન્જરની સૌથી વધારે અવર-જવર છે એવા સ્ટેશન પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
આ સ્ટેશન પર CCTV તો છોડો સિક્યુરિટી પણ જોવા ના મળી
સાબરમતી ધર્મનગર તરફ આવેલા સાબરમતી રેલવે સ્ટેશન પર અંદાજે રોજની 70થી વધુ ટ્રેનોની અવરજવર થાય છે. ઉત્તર ભારત તરફ જવા માટે આ રેલવે સ્ટેશનનો ઉપયોગ હવે અમદાવાદીઓ કરી રહ્યા છે. ત્યારે કાલુપુર બાદ હવે મુખ્ય સ્ટેશન બનવા જઈ સાબરમતી રેલવે સ્ટેશન પર જ્યારે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે રેલવે સ્ટેશનમાં એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ્યા ત્યારે એકપણ સિક્યુરિટી કર્મચારી હાજર નહોતો. પ્લેટફોર્મ નંબર એક પર તપાસ કરી ત્યારે એક પણ જગ્યાએ CCTV કેમેરા લાગેલા ન હતા સ્ટેશન માસ્ટરની ઓફિસ હોય કે વેઇટિંગ રૂમ હોય ક્યાંય પણ CCTV કેમેરા જોવા મળ્યા ન હતા. માત્ર પ્લેટફોર્મ નંબર એક નહીં પરંતુ પ્લેટફોર્મ નંબર 2, 3 , 4 અને 5 આ તમામ પ્લેટફોર્મ પરથી ટ્રેનો અવર-જવર કરે છે ત્યાં પણ CCTV કેમેરા લાગેલા ન હતા. રેલવે સ્ટેશનના પરિસરમાં પણ ક્યાંય પણ CCTV કેમેરા લાગેલા જોવા મળ્યા ન હતા.
આ સ્ટેશનેથી સૌરાષ્ટ્ર જતા પ્રવાસીઓ સાચવજો
સૌરાષ્ટ્ર તરફ જતી કેટલીક ટ્રેનો સાબરમતી જેલ રોડ તરફના સાબરમતી રેલવે સ્ટેશન પર પણ ઉભી રહે છે ત્યાંથી પણ રોજના હજારો લોકો અવર-જવર કરે છે અને હવે સૌરાષ્ટ્રની મોટાભાગની ટ્રેનો આ સ્ટેશન પર ઉભી રહે છે ત્યારે સાબરમતી રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે બહારની તરફ એન્ટ્રી અને એક્ઝિટમાં CCTV કેમેરા લાગેલા હતા. તો બીજી તરફ સીડીથી લઈ પ્લેટફોર્મ ઉપર જતા અને પ્લેટફોર્મ ઉપર એક પણ જગ્યાએ CCTV કેમેરા લાગેલા નહોતા. બુકિંગ અને ટિકિટ બારી ઉપર પણ તપાસ કરતા ત્યાં પણ ક્યાંય CCTV કેમેરા જોવા મળ્યા ન હતા.
આ સ્ટેશન પર તો કોઈ સીધી જ એન્ટ્રી કરી ગુનો આચરી નાસી શકે
મુંબઈ સહિત દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનો મણીનગર થઈને જાય છે અને મણીનગર રેલવે સ્ટેશન પર રોજની 100 જેટલી ટ્રેનો પસાર થાય છે. જેમાં કેટલીક ટ્રેનો મણીનગર રેલવે સ્ટેશન પર ઉભી રહે છે ત્યારે મણીનગર રેલવે સ્ટેશન પર જ્યારે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે ક્યાંય પણ CCTV કેમેરા જોવા મળ્યા ન હતા. ટિકિટ બારી અને રિઝર્વેશન કાઉન્ટર ઉપર જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં પણ ક્યાંય પણ CCTV કેમેરા લાગેલા ન હતા. મણીનગર રેલવે સ્ટેશનના આખા પ્લેટફોર્મ ઉપર ક્યાંય પણ CCTV કેમેરા લાગેલા જોવા મળ્યા ન હતા. મણીનગર રેલવે સ્ટેશન બહાર આવેલા બસ સ્ટેન્ડ તરફ રેલવે સ્ટેશનની સીડી નીકળે છે, જ્યાંથી લોકો અવર-જવર કરી શકે છે. ત્યારે રેલવે પ્લેટફોર્મ પર સીડી ઉપર પણ ક્યાંય પણ CCTV કેમેરા લાગેલા જોવા મળ્યા ન હતા. રેલવે સ્ટેશનની દિવાલ તૂટેલી છે અને ત્યાંથી કોઈપણ વ્યક્તિ રેલિંગ સુધી અને સીધો રેલવે સ્ટેશનમાં આવી શકે છે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને રેલવે સ્ટેશન પર વ્યક્તિ આરામથી અંજામ આપી શકે તેવી પરિસ્થિતિ છે ત્યારે આવા રેલવે સ્ટેશન પર ક્યાંય પણ CCTV કેમેરા જોવા મળ્યા ન હતા.
PM જે રેલવે સ્ટેશન પર આવ્યા હતા તે સ્ટેશનની હાલત શું છે?
અમદાવાદના અસારવાથી ઉદયપુર વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બ્રોડગેજ લાઈન નાખવામાં આવ્યા બાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદથી ઉદયપુર ટ્રેનને અસારવા રેલવે સ્ટેશન પરથી લીલી ઝંડી આપવામાં આવી હતી. રેલવે સ્ટેશનને ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યું છે અને અહીંથી ઉદયપુર જવા માટેની ટ્રેન ઉપડે છે. રાજસ્થાન જવા માટે હજારોની સંખ્યામાં લોકો આ રેલવે સ્ટેશન પર આવતા જતા હોય છે ત્યારે રીનોવેટ થઈ નવા બનેલા અસારવા રેલ્વે સ્ટેશન પર જ્યારે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે પણ ટિકિટ બારી પર કે પ્લેટફોર્મ ઉપર ક્યાંય પણ CCTV કેમેરા લાગેલા હતા નહીં. પ્લેટફોર્મ નંબર એકથી 2 નંબર પર જવા માટે આવેલી સીડી ઉપર પણ ક્યાંય પણ CCTV કેમેરા જોવા મળ્યા ન હતા. આ ઉપરાંત અસારવા રેલવે સ્ટેશનનું પરિસર ખૂબ જ મોટું આવેલું છે ત્યારે એન્ટ્રી કે એક્ઝિટ કોઈપણ જગ્યાએ ક્યાંય પણ CCTV લાગેલા ન હતા. કરોડો રૂપિયાના ખર્ચે ત્યારે બ્રોડગેજ લાઈન નાખવામાં આવી અને રેલ્વે સ્ટેશનને પણ રીનોવેટ કરવામાં આવ્યું છે ત્યારે ત્યાં CCTV કેમેરા લગાવવાનું તંત્ર ભૂલી ગયું હોય તેમ લાગે છે.
અમદાવાદ-બોટાદ ટ્રેનનું બ્રોડગેજમાં પરિવર્તન કર્યું પણ CCTV ન લગાવ્યા
સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ તરફ જવા માટે વર્ષોથી ચાલતી અમદાવાદ-બોટાદ ટ્રેનનું પણ બ્રોડગેજમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બોટાદ-ભાવનગર સુધીની ટ્રેન શરૂ કરવામાં આવી છે. ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ઉપર પણ જ્યારે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે રેલવે સ્ટેશન પર બુકિંગ અને ટિકિટ કાઉન્ટર જ્યાં આવેલા છે ત્યાં જ ક્યાંય CCTV કેમેરા લગાવેલા નહોતા. રેલવે પ્લેટફોર્મ પર જોયું ત્યારે એક પણ જગ્યાએ CCTV કેમેરા લાગેલા નહોતા આખા પ્લેટફોર્મ ઉપર કોઈપણ જગ્યાએ કેમેરા ન હતા એટલે કે જો કોઈ પણ વ્યક્તિ રેલવે સ્ટેશન પર આવીને જતો રહે તો પણ ખ્યાલ ન આવે તેમ ક્યાંય પણ CCTV કેમેરા જ નહોતા.
શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું ઘોળીને પી ગયું રેલવે તંત્ર
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જ્યાં પણ 10થી વધારે વ્યક્તિ ભેગા થતા હોય એવી બેઠક વ્યવસ્થા કે જગ્યા હોય ત્યાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે અને જો CCTV કેમેરા લાગેલા ન હોય તો આવા વ્યક્તિ સામે જાહેરનામા ભંગ બદલનો ગુનો નોંધવામાં આવે છે. શહેરના નાના પાન પાર્લરથી લઈ અને દુકાનો વગેરે જગ્યાએ હવે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. માત્ર દુકાનો જ નહીં, પરંતુ હવે ઘરની બહાર અને ગલીએ ગલીએ પણ CCTV કેમેરા લગાવવામાં આવે છે, જેનાથી જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો તેને રોકી શકાય અને આવા ચોર અને ગુનેગારોને પોલીસ આસાનીથી પકડી શકે પરંતુ ભારત સરકારનું રેલ્વે તંત્ર આ બાબતે ગંભીર ન હોય તેમ આવા નાના રેલવે સ્ટેશન ઉપર ક્યાંય પણ CCTV કેમેરા લગાવ્યા નથી.
ચોરી જેવી ઘટનાઓ બની ચૂકી છે પણ તંત્ર હજુ ઉંઘમાં છે
શહેરના સાબરમતી અને મણીનગર રેલવે સ્ટેશન પરથી રોજની અનેક ટ્રેનો પસાર થાય છે અને સૌથી વધુ પેસેન્જરની અવરજવર આ બંને રેલવે સ્ટેશન ઉપર જોવા મળે છે ત્યારે આ રેલવે સ્ટેશન ઉપર CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. આ ઉપરાંત સાબરમતી રેલવે સ્ટેશન અને મણીનગર રેલવે સ્ટેશન પર અગાઉ ચોરીના બનાવો બની ચૂક્યા છે અને ત્યાંથી જ અવર-જવર થતી ટ્રેનોમાંથી ચોરીના બનાવો બને છે ત્યારે જો કોઈપણ ચોર કે ગુનેગાર આ ચોરીને અંજામ આપ્યા બાદ સાબરમતી અને મણીનગર જેવા રેલવે સ્ટેશન પરથી ઉતરી જાય અને ત્યાંથી જતો રહે તો પોલીસને કોઈ પણ પગેરું મળી શકે તેમ જ નથી. રેલવે સ્ટેશન પર અનેક ગંભીર ગુનાઓ બની જતા હોય છે ત્યારે આવા રેલવે સ્ટેશન ઉપર CCTV કેમેરા લગાવવા જરૂરી છે તો હવે આ બાબતે તંત્ર કેટલું ગંભીર બને છે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.