આસારામ આશ્રમ પાસે સાબરમતી નદીના પટમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દેશી દારૂ બનાવવા માટે વપરાતા 800 લિટર વોશ ભરેલા 25 ડ્રમ કબજે કરી બુટલેગર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. બુટલેગરે આ માણસોને રોજના રૂ.300ના પગારથી દેશી દારૂ બનાવવા માટે નોકરીએ રાખ્યા હતા.
સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નદીના પટમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શુક્રવારે મોડી રાતે અહીં દરોડો પાડ્યો હતો, જ્યાં દિલીપ જયંતીભાઈ ઠાકોર (ઉં.27), ચિંટુ ભરતભાઈ બનોદિયા (ઉં.38), રાજુ રંગાભાઈ ભાભોર (ઉં. 27) નામના ત્રણ યુવક મળી આવ્યા હતા. આ ત્રણેય યુવકોની પૂછપરછને આધારે તેમણે નદીના પટની જમીનમાં દાટેલા 25 ડ્રમમાંથી કુલ 800 લિટર વોશ મળી આવ્યો હતો.
આ જગ્યાએ દિલીપ અને ભોપાભાઈ દેશી દારૂ બનાવતા હતા તથા રાજુ અને ચિંટુને નોકરીએ રાખીને દારૂ ગાળવા માટે રોજનો રૂ. 300 પગાર ચૂકવાતો હતો. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સી. એન. પરમારે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ત્રણેય આરોપીને મુદ્દામાલ સાથે પોલીસને સોંપી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.