મોર્નિંગ ન્યૂઝ બ્રીફનડિયાદમાં NIAનું સર્ચ-ઓપરેશન:ગુજરાતમાં 300 યુનિટ વીજળી ફ્રી સહિતના રાહુલ ગાંધીના ચૂંટણી વાયદા, હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યા

19 દિવસ પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર, તારીખ 6 સપ્ટેમ્બર, ભાદરવા સુદ અગિયારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદમાં કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનો છેલ્લો દિવસ
2) આજે કમલમ ખાતે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં NSUIના 2000થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાશે
3) આજે ગુજરાતના સ્કૂલ સંચાલકોની પડતર પ્રશ્નોને લઈને બેઠક મળશે
4) નડિયાદની ક્રિષ્ના હિંગવાળાની કંપનીમાં NIAએ દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશન સંબંધે કંપની સ્પષ્ટતા કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) અમદાવાદમાં રાહુલ ગાંધી કહ્યું- કોરોના મૃતકોને 4 લાખ આપીશું, 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો બાટલો 500માં આપીશું અને 3000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલીશું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા, અહીં પણ અમે દરેક ખેડૂતોનું 3 લાખનું દેવું માફ કરીશું. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનોને રોજગાર આપીશું. 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો બાટલો 500માં આપીશું અને 3000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલીશું.
વાંચો સમાચાર વિગતવાર

2) નડિયાદની પ્રખ્યાત ક્રિષ્ના હિંગ કંપની અને અસ્મા અબ્દુલાખાન પઠાણ ઘરે ટેરર ફંડિંગ મામલે NIAનું સર્ચ-ઓપરેશન
નડિયાદની ક્રિષ્ના હિંગવાળાની કંપનીમાં NIAએ ટેરર ફંડિંગ મામલે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. સોમવારે સવારથી નડિયાદના અમદાવાદી બજાર સ્થિત અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ-ઓપરેશન હાથ ધરાયું હતું. લગભગ સાડા અગિયાર કલાકથી વધુ ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ કંપનીનાં સૂત્રોએ ઉપરોક્ત તમામ બાબતોને નકારી છે અને મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું જણાવ્યું છે. આ સર્ચ ઓપરેશન કયા કારણોસર કરવામાં આવ્યું તે બાબત પરથી હજુ સત્તાવાર વિગતો બહાર આવી નથી.
વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરામાં શિક્ષક દિને શિક્ષકોએ સ્ટેજ પરથી જ ગ્રેડ-પે અને જૂની પેન્શન યોજનાનો મુદ્દો ઉછાળ્યો, રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું: 'સન્માન સમારોહ, માંગણી સમારોહ થઈ ગયો'
વડોદરામાં શિક્ષક દિને યોજાયેલા શિક્ષક સન્માન સમારોહમાં શિક્ષકોએ સ્ટેજ પરથી ગ્રેડ પે-જૂની પેન્શન યોજના મુદ્દે રજૂઆત કરતા હોબાળો મચ્યો હતો. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓની સાથે તેમની હાજરીમાં શિક્ષકોએ ગ્રેડ-પે તેમજ પગાર મામલે જાહેર મંચ ઉપરથી પોતાના આંદોલન અને માંગણીઓ સંતોષાયા નથી, તેવા જોરદાર ભાષણ કર્યાં છે. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, સન્માન સમારોહ, માંગણી સમારોહ થઈ ગયો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) મહેસાણા IELTS કૌભાંડમાં અમેરિકા પહોંચાડવાના ખેલમાં પોલીસે 45 લોકો સામે ગુનો નોંધ્યો, હવે ગાળિયો કસાતાં ઇમિગ્રેશન ફ્રોડની મોડસ ઓપરેન્ડી બહાર આવશે
IELTS પરીક્ષામાં સેટિંગ કરીને મહેસાણાના 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણ ખોરી કરતા અમેરિકા પોલીસે દબોચી લીધા હતા. આ મામલે મુંબઇ એમ્બેસીએ મહેસાણા SPને તપાસ માટે જાણ કરતા IELTS કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. મહેસાણાની GIDCમાં આ 4 યુવાનોને અમેરિકા પહોંચાડવાના ખેલ ઘડાયો હતો. એજન્ટે યુવાન દીઠ રૂ. 21 લાખ લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલામાં પોલીસે 45 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે ગાળીયો કસાતા વિદેશ મોકલવાની મોડસ ઓપરેન્ડી બહાર આવશે. આ કેસમાં બપોર બાદ મહેસાણા SP પ્રેસ કોંફરન્સ યોજીને વધુ માહિતી આપશે.
વાંચો સમાચાર વિગતવાર

5) "બોલ મારી અંબે, જય જય અંબે"ના નાદ સાથે ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ; અંબાજી તરફના માર્ગો પદયાત્રીઓથી ધમધમ્યાશક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રમાં જગતજનની અંબાનું ધામ જગવિખ્યાત છે. મા અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. આજે જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. આજથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો સંઘો સાથે અને પગપાળા મા અંબાના દર્શનાર્થે અંબાજી આવશે.
વાંચો સમાચાર વિગતવાર

6) ચાઇલ્ડ ટ્રાફિકિંગનું રેકેટ, દિલ્હીથી ખરીદી વડોદરા લવાયેલી બાળકીનું પંજાબ કનેક્શન, અઢી લાખમાં સોદો થયો હતો
વડોદરાના એક દંપતી દ્વારા દિલ્હીથી એક બાળકીને દત્તક લેવા માટે ખરીદી વડોદરા લાવવા મામલે પંજાબ કનેક્શન નીકળ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, બાળકીનો જન્મ પંજાબમાં થયો હતો અને ત્યાંથી તેને દિલ્હી લવાઇ અને વડોદરામાં વેચી દેવાઇ હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) બ્રિટનનાં ત્રીજા મહિલા PM બન્યાં લિઝ ટ્રસ, ભારતીય મૂળના ઋષિ સૂનકને હરાવ્યા; ક્વિન એલિઝાબેથના કાર્યકાળમાં 15મા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે
47 વર્ષનાં લિઝ ટ્રસ બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે. તેમણે ભારતીય મૂળના ઋષિ સુનકને હાર આપી છે. દક્ષિણપંથી લિઝ બોરિસ જોનસનની જગ્યા લેશે. લિઝને બ્રિટનના રાજકારણના ફાયરબ્રાન્ડ નેતા તરીકે પણ ગણવામાં આવે છે. બે મહિનાથી ચાલી રહેલા ઈલેક્શન કૈમ્પેઇનમાં પણ તેમનો અપ્રોચ ક્યારેય પણ ડિફેન્સિવ રહ્યો નહતો. પ્રોગ્રામ જણાવ્યા પ્રમાણે નવા પ્રધાનમંત્રી રિઝલ્ટ જાહેર થયા પછી તરત જ ડાઉનિંગ સ્ટ્રીટ પાસે સંબોધન કરશે. આ એક પરંપરા છે.
વાંચો સમાચાર વિગતવાર

8) હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યો, ઝારખંડ વિધાનસભામાં સોરેને કહ્યું- આંદોલનકારીનો દીકરો છુ, ડરવાનો નથી; ભાજપે વોકઆઉટ કર્યું
સોરેન સરકારે ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. 81 બેઠકોની વિધાનસભામાં સરકારની તરફેણમાં 48 મત પડ્યા હતા. આ દરમિયાન ભાજપે વોકઆઉટ કર્યું હતું. વિશ્વાસ મત પર મતદાન બાદ વિધાનસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં 1) ભાજપે સ્ટિંગ દ્વારા દિલ્હી સરકારનો ભાંડો ફોડ્યો, કેજરીવાલ-સિસોદિયાએ દારૂના કારોબારીઓ પાસેથી મોટી કમાણી કરી 2) ભારે વરસાદથી બેંગલૂરુ પાણી..પાણી..., વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો, વાહન વ્યવહાર બંધ; શેરીઓમાં બોટથી ફૂડ પેકેટ પહોંચાડાયાં 3) વિકિપીડિયામાં અર્શદીપને ખાલિસ્તાન સાથે જોડવામાં આવ્યો, સરકારે અધિકારીઓને નોટિસ મોકલી, કહ્યું- ક્રિકેટરના પરિવારને જોખમ 4) ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત શહેરની આ પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી 5) હળવદની સરકારી માધ્યમિક શાળાની મહિલા આચાર્યે સ્યુસાઇડ નોટ લખી ગાંધીનગરના ઘરે ગળાફાંસો ખાધો 6) સુરતમાં યુવકને નશો કરવાની ના પાડવી મોંઘી પડી, યુવતી અને યુવકે મળીને માર માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ 7) સુરતમાં યોજાનાર નેશનલ ગેમ્સની ચાર ટુર્નામેન્ટ માટે તૈયારી શરુ, સુરતના પ્રભારી થેન્નારશને સ્થળ મુલાકાત કરી 8) હવે યૂથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહનું રાજીનામું, પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા BJPમાં જોડાશે

આજનો ઈતિહાસ
વર્ષ 1965માં આજના દિવસે ભારતીય આર્મીએ વેસ્ટ પાકિસ્તાનમાં આક્રમણ કર્યુ હતુ. તેમણે 3 સાઈડથી આક્રમણ કર્યુ હતુ, જેના કારણે લાહોર શહેરમાં ઘુસી શકાય તેમ હતુ.

આજનો સુવિચાર
સફળતા માટે તમારી દિશા તમારી ગતિથી વધુ મહત્ત્વપૂર્ણ છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...