ગુજરાતીઓ માટે હવે રાહુલ ગાંધીની ‘રેવડી’:કોરોના મૃતકોને 4 લાખ આપીશું, 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો બાટલો 500માં આપીશું અને 3000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલીશું

અમદાવાદએક મહિનો પહેલા
  • ભાજપે ખેડૂતોના હક છીનવ્યા એ માટે ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઊતર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યા છે. સરકાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP, RSS અને મોદીએ બનાવી છે. સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતા એ ખેડૂતોના હિત માટે નીકળતા હતા. તેમના વિના અમૂલ ઊભું ના થાત.એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે. કોંગ્રેસ પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવાં માફ કર્યા છે. અહીં પણ અમે દરેક ખેડૂતનું 3 લાખનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું? કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનને રોજગાર આપીશું.

આશ્રમની મુલાકાતથી હંમેશા પ્રેરણા મળે છેઃ રાહુલ ગાંધી
આશ્રમની મુલાકાતથી હંમેશા પ્રેરણા મળે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી સભા સ્થળેથી સીધા સાબરમતી આશ્રમ ગયા હતા. તેઓ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતા. તેમને ગાંધી આશ્રમની પ્રતિકૃતિ રૂપે ચરખો ભેટમાં અપાયો હતો. અશોક ગેહલોતે કહ્યું હતું કે ગાંધી આશ્રમથી રાહુલ ગાંધીએ ભારત જોડો આંદોલનની શરૂઆત કરી છે અને હવે આખા ભારતમાં આ પ્રકારે ભારત જોડો કાર્યક્રમ કરશે.

ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે
સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. BJP એક તરફ સૌથી મોટી મૂર્તિ બનાવે છે, જે વસ્તુ માટે સરદાર જીવ્યા તેના વિરુદ્ધ જ BJP કામ કરે છે. ભાજપ 3 કાળા કાયદા લાવ્યો. ભાજપે ખેડૂતોના હક છીનવ્યા, જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઊતર્યા છે. આજે સરદાર પટેલ હોત તો તેઓ કોનું દેવું માફ કરત- ઉદ્યોગપતિઓનું કે ખેડૂતોનું. હું આ સવાલ તમને પૂછી રહ્યો છું. તેઓ ક્યારેય આવું કરત નહીં. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે. તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે. કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફતમાં શિક્ષણ આપીશું. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીશું. ચૂંટણી નજીક છે, હું તમને કહું છું કે તમે લડો, ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.

ભાજપે 5 વર્ષમાં ગુજરાત માટે કાંઈ નથી કર્યું
ગુજરાતના યુવાઓનું ભવિષ્ય નષ્ટ કરી નાખે છે છતાં કોઈ પગલાં નથી લેતા. ગુજરાતના ગરીબ હાથ જોડીને થોડી જમીન માગે તો કશું નથી મળતું. ઉદ્યોગપતિઓને જમીન આપી દેવામાં આવે છે. લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ .ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે. સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીની ગણતરી જ નથી થતી. નાના વેપારીઓની કોઈ મદદ થતી નથી. GSTથી નુકસાન છે છતાં GST ભરવો પડે છે. મોટા 4થી 5 ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. એરપોર્ટ, ટેલિકોમ સહિતના તમામ પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓ પાસે છે. શું સરદાર પટેલે અંગ્રેજો પાસે આંદોલન કરવા પરમિશન લીધી હતી? ભાજપે 5 વર્ષમાં ગુજરાત માટે કાંઈ નથી કર્યું. ગુજરાતની જનતાને બધું દેખાય છે. તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે.

ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે સંવાદ
ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદા વ્યવસ્થાની સ્થિતિ, ડ્રગ્સના બેફામ કારોબાર સહિતના મુદ્દે પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવશે. આગામી ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બૂથના યોદ્ધાઓને સંબોધન કરશે. ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. આ અગાઉ રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એ પછી સાબરમતી ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપશે.

કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઊતરશે
આ કાર્યક્રમોને લઈ પ્રદેશ નેતાઓ, પ્રભારી ડો. રઘુ શર્માએ સ્થળ પર જઈ આગોતરી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસનાં સૂત્રો કહે છે કે વિધાનસભાની ચૂંટણીને લઈ આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી ચૂંટણીપ્રચાર માટે ગુજરાત આવશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે મોડી સાંજે છ કલાકે ઉમેદવાર પસંદગી પક્રિયાની કામગીરી શરૂ થશે. કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના પ્રવાસથી બૂથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. જગદીશ ઠાકોરના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઊતરી છે.

સાબરમતી આશ્રમમાં ગાંધીજીને નમન કરી રહેલા રાહુલ ગાંધી.
સાબરમતી આશ્રમમાં ગાંધીજીને નમન કરી રહેલા રાહુલ ગાંધી.
અન્ય સમાચારો પણ છે...