નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 10 મે, વૈશાખ સુદ- નોમ (સીતા નવમી)
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાહુલ ગાંધી ગુજરાતમાં, દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે 2) આજે મુંબઈ એરપોર્ટ 6 કલાક માટે બંધ રહેશે, રનવેના સમારકામ માટે નિર્ણય લેવાયો 3) અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડીગ્રીને પાર જશે, હવામાનની આગાહી
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સેશન્સ કોર્ટે પાટીદાર આંદોલન સમયે થયેલો કેસ પાછો ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી મંજૂર કરી: હાર્દિક પટેલ સહિત 21ને રાહત
હાર્દિકના પટેલ સામે રામોલમાં નોંધાયેલ ફરિયાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. અગાઉ 25મી એપ્રિલના રોજ આ કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હવે હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને અરજી પાછી ખેંચવાથી રાહત મળી છે, હવે હાર્દિક પટેલ સામે માત્ર રાજદ્રોહનો એક કેસ પેન્ડિંગ છે.
2) રાધનપુરથી અલ્પેશ ઠાકોરનો હુંકાર:'હું ચૂંટણી લડવાનો જ છું અને જો નહીં લડું તો મારો વિરોધ કરનારાને પણ નહીં લડવા દઉં'
વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની શક્યતાઓ છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો છે. રાધનપુર-સાતલપુર ક્ષત્રિય ઠારોરના સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 'અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે જ અને જો નહીં લડું તો મારો વિરોધ કરનારા ભૂલી જ જાય કે તમે ચૂંટણી લડશો. જે લોકો ડખો કરે છે તેમને હું ચૂંટણી નહીં લડવા દઉં'.
3) કેશોદમાં આહીર સમાજના ડાયરામાં એક કરોડથી વધુ રૂપિયા ઊડ્યા, કલાકારે ગાવાનું બંધ કર્યું છતાં નોટોનો વરસાદ ચાલુ રહ્યો
કેશોદ ખાતે આહીર યુવા મંચ દ્વારા સમાજવાડી બનાવવા માટે ગઈકાલે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાત્રે માયાભાઈ આહીર, બિરજુ બારોટ તેમજ ઉર્વશી રાદડિયાનો લોકડાયરો યોજાયો હતો. એમાં આહીર સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરમાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા.
4) ફેનિલને ફાંસીની સજા બાદ ગ્રીષ્માના ભાઈએ હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો, લખ્યું- આરોપી એક જ વાર મરશે, પણ પરિવાર પુત્રીની યાદમાં ઝૂરતો રહેશે
સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં થયેલી હત્યામાં દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ત્યારે ફેનિલને સજા બાદ ગ્રીષ્માના ભાઈ ધ્રુવે સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથે લખ્યું છે કે આરોપીને ફાંસીની સજા થઈ...એક જ વાર મરશે, પરંતુ પરિવાર રોજ પુત્રીની યાદમાં આંસુઓ સાથે ઝૂરશે.
5) નરાધમોને દંડવામાં ગુજરાત ફાસ્ટટ્રેક પર, છેલ્લા 4 મહિનામાં 47ને ફાંસીની સજા, ગ્રીષ્માની હત્યાથી લઈને 6 વર્ષની માસૂમને પીંખનારને મળી સજા-એ-મોત
તાજેતરમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે ત્યારે દિવ્ય ભાસ્કર છેલ્લા 94 દિવસ એટલે કે 1 ફેબ્રુઆરીથી 5 મે સુધીમાં વિભિન્ન ગુનાઇત કૃત્યોમાં કુલ 47 નરાધમને થયેલી ફાંસી અંગે આ મન્ડે મેગા સ્ટોરીમાં જણાવી રહ્યું છે. ગુજરાતમાં એક તરફ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે તો ક્રાઇમ અટકાવવા પોલીસે ગુનો ઉકેલવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. એને કારણે કેટલાક ગુનાઓમાં તો બનાવ બન્યાના 90 દિવસની અંદર આરોપીને સજા ફટકારવામાં આવી છે. અનેક જઘન્ય કૃત્યોમાં ઝડપથી ચુકાદાઓ આપીને રાજ્યને ક્રાઈમ સ્ટેટ બનતું અટકાવવા દાખલો બેસાડતા ચુકાદા આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે 2016થી 2021 સુધીનાં પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં કુલ 15 આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
6) VIDEOમાં નિર્મલાનો કેરિંગ નેચર, NSDLના MDએ પાણી માંગ્યું, તો નાણાં મંત્રી પોતે ગ્લાસ લઈને પહોંચી ગયા; તાળીઓથી ગુંજી ઉઠ્યો હૉલ
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાણાં મંત્રી એક કાર્યક્રમમાં પોતાની સીટ પરથી ઉઠે છે અને કાર્યક્રમને સંબોધિત કરી રહેલાં NSDLના MD પદ્મજા ચુંદરુને પાણીનો ગ્લાસ આપતાં જોવા મળે છે. નિર્મલા સીતારમણના આ વ્યવહારની સોશિયલ મીડિયામાં લોકોએ ઘણી પ્રશંસા કરી છે.
7) અંગ્રેજોના સમયનો દેશદ્રોહને લગતો કાયદો બદલવામાં આવશે, કેન્દ્રએ SC સમક્ષ કહ્યું- કલમ 124Aની ફરી તપાસ કરશુ
સરકારે દેશમાં અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા કોલોનિયલ કાયદા અંગે ફેરવિચારણા કરવાનો નિર્ણય કર્યો છે. આ પુનઃવિચારણા અંતર્ગત દેશદ્રોહ કાયદાની માન્યતા અંગે પણ સરકારે સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ કર્યું છે કે તેમને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 124Aની તપાસ અને કાયદામાં સુધારા કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે, જે એસજી વોમ્બટકેરે વિરુદ્ધ ભારત સંઘના કેસ સાથે જોડાયેલ છે.
8) શ્રીલંકાના PM રાજપક્ષેનું રાજીનામું,વિપક્ષના દબાણ હેઠળ ઝૂક્યા, દેશના અનેક વિસ્તારોમાં હિંસા-અથડામણનું જોખમ વધ્યું
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણ સામે રાજીનામું આપી દીધું છે. ગત સપ્તાહે મુખ્ય વિપક્ષી નેતા સિરિસેનાએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી, જેમાં નક્કી થઈ ગયું હતું કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે રાજીનામું આપશે. એ બાદ વચગાળાની સરકાર બનશે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગુજરાતભરના કર્મચારીઓનું સત્યાગ્રહ છાવણી ખાતે શક્તિપ્રદર્શન 2) સુરતમાં AAPના કાર્યકર્તાઓને માર મરાયાના CCTV, પોલીસ સ્ટેશનમાં આખી રાત સૂઈ વિરોધ કર્યા બાદ BJPના 6 કાર્યકાર સામે ગુનો નોંધાયો 3) અમદાવાદ સિવિલમાં વેલેટ પાર્કિંગની સુવિધા શરૂ કરાઈ, હવે દર્દીઓ કે તેના પરિજનોને પાર્કિંગની જગ્યા શોધવા ભટકવું નહીં પડે 4) સુરતની લોકમાન્ય શાળાએ પ્રિન્સિપાલનું રાજીનામું લઈ લેતાં સ્ટુડન્ટ્સનું વિરોધપ્રદર્શન, આચાર્યને પરત ન લેવાય તો LC લેવાની ચીમકી 5) સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ APMCમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય મળશે 6) આમિર લિયાકતના ત્રીજી વખત તલાક પાકિસ્તાન સાંસદને શેતાન કહીને 31 વર્ષ નાની પત્નીએ તલાક સાથે માગ્યાં 15 કરોડ-ઘર અને દાગીના 7) દાઉદના ઓળખીતાઓને ત્યાં NIAના દરોડા, માહિમ અને હાજી અલી દરગાહના ટ્રસ્ટી સહિત ત્રણની અટકાયત, 12 જગ્યાએ રેડ
આજનો ઈતિહાસ
વર્ષ 1857માં આજના દિવસે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઈ હતી.
અને આજનો સુવિચાર
સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.