સન્ડે બિગ સ્ટોરીજુઓ આ હસીનાઓને, જે ચલાવે ડ્રગ્સ નેટવર્ક!:રહેનુમા.. હરપ્રીત.. સોલિયા.. સેલવી.. પૂજા.. અમીના..! લિસ્ટ લાંબું છે, યુવક-યુવતીઓનો આ રીતે કરે છે શિકાર

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત

"મારું નામ.. અયાન..(નામ બદલ્યું છે) પેલી સા...એ બે મહિનામાં જ મારી જિંદગી બરબાદ કરી નાંખી. હજી બે મહિના પહેલાં જ સિંધુભવન રોડ પર હું મારા દોસ્તોની સાથે બેઠો હતો ત્યાં મને પહેલાં સોશિયલ મીડિયા પર 'Hi Handsome..' લખીને એક રિક્વેસ્ટ આવી. રિક્વેસ્ટ મોકલનાર છોકરીનો ડીપી જોઈને હું તો મોહી જ પડ્યો. રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા પછી અમારી કેઝ્યુઅલ વાતો થઈ. અચાનક ત્રીજા દિવસે જ તેનો મેસેજ આવ્યો કે 'મૈં તુમારે સિટી મેં હી હું... ચલો શામ કો કહીં મિલતે હૈ..' મેં હા પાડી અને અમે કેફેમાં મળ્યાં. બસ.. અહીં જ તેણે કેફેમાં મને શું ખવડાવ્યું કે હું તેનો દીવાનો થઈ ગયો.. અઠવાડિયા સુધી અમે નિયમિત મળતાં અને રોજ હું પેલી પાસેથી ગોળી લેતો.. અઠવાડિયા પછી તેણે મારી પાસે ગોળીના હિસાબના 10 હજાર માગ્યા ત્યારે મને ખબર પડી કે હું ડ્રગ એડિક્ટ થઈ ચૂક્યો છું. બસ, અહીંથી મારી જિંદગી નર્કાગાર બનવાની શરૂ થઈ ગઈ.."

ગુજરાતમાં દારૂ કરતાં ડ્રગ્સ સહેલાઈથી મળી જાય
અયાનની આ કાંઈ એકલાની વાત નથી. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં ડ્રગ્સના જે મોટા-મોટા કન્સાઈન્મેન્ટ પકડાયા છે તે તો પાશેરાની પહેલી પૂણી સમાન છે. અત્યારે ગુજરાતમાં દારૂ કરતાં ડ્રગ્સ સહેલાઈથી મળી જાય છે તેવું કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી. અમદાવાદ અને ગુજરાતના યુવા ધનને રીતસર ડ્રગ્સની ચુંગાલમાં ફસાવી તેમની પાસેથી લાખો પડાવવાનું રીતસર ષડ્યંત્ર ચાલી રહ્યું છે. એટલું જ નહીં, ડ્રગ્સની લત પૂરી કરવા આ છોકરા-છોકરીઓ પાસે પરાણે સેક્સ કરાવાય છે અને તેના પણ વીડિયો ઉતારી તેમને વધુ બ્લેકમેઈલ કરાય છે.

હસીનાઓ અને ફુટડા યુવાનોનો પેડલર તરીકે ઉપયોગ
અમદાવાદ જેવા મોટાં શહેરોમાં ડ્રગ્સના રેકેટની મોટાપાયે માયાજાળ ફેલાઈ રહી છે. આ માયાજાળ ફેલાવવા ડ્રગ્સ ડીલરોએ આખી મોડસ ઓપરેન્ડી બદલી છે. યુવાનોને ફસાવવા તેઓ હસીનાઓનો અને યુવતીઓને ફસાવવા ફૂટડા યુવાનોનો ડ્રગ ડીલર તરીકે ઉપયોગ કરે છે. અયાનની જેમ ઘણા મધ્યમ તથા ઉચ્ચ મધ્યમવર્ગના છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ ડ્રગ્સની ચુંગાલમાં ફસાઈને પેડલર બની રહી છે. હજી હાલમાં જ અમદાવાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) રહેનુમા નામની એક લલનાને ડ્રગ્સના રેકેટમાં ઝડપી હતી. રહેનુમાએ જે રીતે પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

બોમ્બેની રહેનુમાએ હુશ્ન પાથરી ડ્રગ નેટવર્ક બનાવ્યું
બોમ્બેની હસીના એવી રહેનુમાની મોડસ ઓપરેન્ડી કોઈ ક્રાઈમ થ્રિલરથી કમ નથી. પહેલી નજરે જુઓ તો કોઈ માસૂમ કોલેજિયન ગર્લ જેવી જ ગ્લેમરસ દેખાતી રહેનુમાના મનસૂબા કેટલા ખતરનાક છે તેનો ખ્યાલ જ ન આવે. આ એ રહેનુમા છે જે ડ્રગ્સનું નેટવર્ક પાથરીને કરોડો કમાવા ખાસ મુંબઈથી ડ્રગ્સ ડીલર બનીને મહિના પહેલાં અમદાવાદ શિફ્ટ થઈ ગઈ હતી. અહીં જુહાપુરામાં એક મકાન ભાડે રાખીને રહેનુમા રહેતી હતી. મકાનમાલિકને તો એમ જ કહ્યું હતું કે, તે એક કોલ સેન્ટરમાં નોકરી કરે છે. આ રહેનુમાની શિકાર શોધવાની અને તેને ટ્રેપ કરવાની રીત પણ સાવ નવી અને અલગ જ હતી.

રહેનુમાને જોઈને કોઈ એમ જ કહે.. આ તો હિરોઈન છે!
રહેનુમા સૌથી પહેલાં તો ફિલ્મની હિરોઈનની જેમ બની-ઠનીને મોંઘી કારમાં રોજ રાત્રે એસ જી હાઈવે અથવા સિંધુભવન રોડ પરની ફાઈવસ્ટાર હોટેલ અથવા ફેન્સી કેફેમાં જતી હતી. અહીં જ પોતાની અદાઓ દ્વારા યુવકોને મોહિત કરીને પોતાના દીવાના કરી દેતી હતી. પહેલા દોસ્તી, પછી થોડીક શારીરિક છૂટછાટ અને ત્રીજા દાવમાં તો પેલા યુવકને ચારોખાને ચિત કરી દેતી હતી. મિત્રતા વધારીને રહેનુમા પેલા યુવકની આર્થિક સ્થિતિનો ચિતાર મેળવી તેને તે પ્રમાણે ડ્રગ્સના ડોઝ આપતી. શરૂમાં ડ્રગ્સના ડોઝનું ઈન્વેસ્ટમેન્ટ કરીને જેવો પેલો યુવક એડિક્ટ થઈ જાય એટલે તેને ખંખેરવાનું શરૂ કરતી હતી રહેનુમા. તેની સુરક્ષા માટે તેણે બે મિત્રોને પણ સાથે રાખ્યા હતા.

યુવકને પહેલાં મજા કરાવતી, પછી પેડલર બનાવતી
પેલો યુવક બરાબર તેની ચુંગાલમાં આવી ગયો છે એવું રહેનુમાને લાગતું કે તો તેણે શરૂમાં ડ્રગ્સ ખરીદવા પૈસા આપ્યા. પરંતુ અઠવાડિયામાં ડબલ પૈસા પાછા માંગ્યા અને તે વખતે જ તેના બે સાથી યુવકો અચાનક પ્રગટ થયા હતા. હવે આ યુવક બરાબર રહેનુમાના સકંજામાં આવી ગયો હતો અને તેની પાસે પેમેન્ટના પૈસા નહોતા. તો રહેનુમાએ તેને એક વીકમાં ડ્રગ્સ સેલિંગનો ટાર્ગેટ આપ્યો હતો અને સાથે તે કહે તે યુવતી કે મહિલા સાથે સેક્સ કરવાની પણ ફરજ પાડતી હતી. પોલીસે જ્યારે રહેનુમાને પકડી અને પૂછપરછ કરી તો તેણે જે કહ્યું તે સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી. તેણે કબૂલ્યું હતું કે, અત્યાર સુધીમાં આ રીતે તેણે એકલા અમદાવાદમાં જ 100થી વધુ કસ્ટમર કમ પેડલર બનાવી દીધા છે. તે એસજી હાઈવે, સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ પર ફરીને યુવકોને ટાર્ગેટ કરતી હતી.

એક વર્ષમાં 5 મહિલા ડ્રગ ડીલર પકડાઈ
ગુજરાત બે વર્ષથી ડ્રગનું એપીસેન્ટર બનતું જઈ રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં મોટા પરિવારનાં યુવક-યુવતીઓ આ રીતે જ ડ્રગ્સ ડીલરોના સોફ્ટ ટાર્ગેટ બન્યાં છે. એક ડ્રગ ડીલર પકડાય ત્યારબાદ તેની આખી લિંક પકડાય છે અને આ લિંકમાં ડ્રગ્સ લેનારામાં સૌથી વધુ યુવકો અને યુવતીઓ સામેલ હોય છે. ડ્રગ્સનું સૌથી મોટું નેટવર્ક આ રીતે વેચનારાનું હોય છે અને તેઓ ખૂબીપૂર્વક નિર્દોષ યુવક-યુવતીઓને ફસાવીને આ રેકેટ ચલાવે છે. અમદાવાદ શહેરમાં એક વર્ષમાં જ પાંચ મહિલા ડ્રગ્સ ડીલર પકડાઈ છે, જે એક નવી મોડસ ઓપરેન્ડી તરફ ઈશારો કરે છે. આ મહિલા ડીલરો યુવા વર્ગને ટાર્ગેટ કરીને રૂપિયા કમાય છે.

ડ્રગ્સનું નેટવર્ક ચલાવતી હરપ્રીત કૌર અને રહેનુમા
ડ્રગ્સનું નેટવર્ક ચલાવતી હરપ્રીત કૌર અને રહેનુમા

કોલેજિયન જેવી દેખાતી હરપ્રીત પણ ડ્રગ્સ ડીલર
રહેનુમાની જેમ જ અમદાવાદમાં ડ્રગ્સનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતી હરપ્રીતકૌર હરપાલસિંહ સહોતા નામની 32 વર્ષની યુવતીની પણ SOGએ ધરપકડ કરી છે. હરપ્રીત ચાંદખેડા પાસે એક મકાનમાં રહેતી હતી અને ત્યાં જ તે ડ્રગ્સ લેતી હતી. મૂળ પંજાબની અને ત્યાં જ ડ્રગ્સના રવાડે ચઢ્યા બાદ ત્યાંના ડીલરે તેને અમદાવાદની બીટ આપી હતી. અહીં ડ્રગ્સ લેવા સાથે પૈસા કમાવાની તક જોઈને હરપ્રીત આવી ચઢી હતી. રહેનુમાની જેમ તે પણ પૈસાદાર નબીરાને જ ટાર્ગેટ કરવા રોજ મોડી રાતે એસજી હાઇવે પર કાર લઈને નીકળતી હતી. પોતાના ટાર્ગેટ લોકોને એટલે કે અગાઉથી નક્કી કરેલા યુવકોને ડ્રગ સપ્લાય કરતી હતી. SOGએ હરપ્રીતને પકડી ત્યારે તેની કારમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. હરપ્રીતની ખાસિયત એ હતી કે તે પહેલી નજરે તો કોઈ કોલેજિયન ગર્લ જ લાગે અને ફાંકડું અંગ્રેજી બોલતી હતી.

ડ્રગ્સનું નેટવર્ક ચલાવતી રહેનુમા અને કફસિરપના જંગી જથ્થા સાથે નાઝિયા શેખ ઝડપાઈ
ડ્રગ્સનું નેટવર્ક ચલાવતી રહેનુમા અને કફસિરપના જંગી જથ્થા સાથે નાઝિયા શેખ ઝડપાઈ

અમદાવાદ પાસેના ફાર્મહાઉસોમાં થતી રેવ પાર્ટીઓ
હવે તો મુંબઈ કે દિલ્હી અને પંજાબ જ નહીં, પરંતુ દક્ષિણના તમિળનાડુ ઉપરાંત રાજસ્થાન-મહારાષ્ટ્રથી પણ ડ્રગ્સ ડીલરોએ જાણે અમદાવાદમાં ધામા નાંખ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોના ધનિક લોકોના ફાર્મહાઉસમાં અત્યાર સુધીમાં ઘણી ડ્રગ પાર્ટીઓ થઈ ગઈ છે. આ હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં પૈસાદાર પરિવારોની યુવતીઓ જ નહીં, પણ સાથે-સાથે નામી બિલ્ડરો અને માલેતુજારો પણ સામેલ થયા હતા. પરંતુ કોઈ કારણસર આ પાર્ટીઓમાં પોલીસના દરોડા જ ન પડ્યા અને અમુક તપાસ રીતસર ખોરંભે ચઢી ગઈ હતી. આ અંગે છેક ગૃહ મંત્રાલયમાં જાણ થતાં અમદાવાદના પૂર્વ વિસ્તારના બિલ્ડરોની સામેલગીરી જણાઈ અને છેલ્લે તેની પણ તપાસ અટકી ગઈ હતી.

દરિયાપુરની અમીનાનું સૌથી જૂનું ડ્રગ્સ નેટવર્ક
અમદાવાદમાં ડ્રગ્સનું સૌથી જૂનું કોઈનું નેટવર્ક હોય તો તે દરિયાપુરની રહેવાસી અમીનાબાનુનું છે. અમીનાએ જ અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ સપ્લાય કરવા તેણે અનેક પેડલર બનાવ્યા હતા. દરિયાપુરમાં પોતાનું આખું સામ્રાજ્ય બનાવનારી અમીનાની SOGએ ધરપકડ કરી ત્યારે તેના નેટવર્કનો પણ પર્દાફાશ થયો હતો. વૈભવી ઠાઠથી જીવવાની શોખીન અમીના પોતાના મોજશોખની આવક ઊભી કરવા યુવાનોને ફસાવતી હતી. ત્યારબાદ તેમને ડ્રગ એડિક્ટ બનાવી તેમની મારફતે ડ્રગ સપ્લાય કરાવતી હતી. ત્યાંથી ડ્રગ એડિક્ટોને ડ્રગ્સ સપ્લાય કરવાના બદલે ડ્રગ્સનો ડોઝ મળતો હતો. આ રીતે તેણે અનેક યુવકોને પણ ડ્રગ્સ પેડલર બનાવી દીધા હતા. તે ઘણી વખત યુવકોને બહારગામ ફરવા લઈ જવાના બહાને કે રૂપિયા આપવાના બહાને પણ ડ્રગ સપ્લાય કરાવતી હતી. પોલીસે તેની ધરપકડ કરીને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

લતીફ પાસેથી ધંધો શીખી, ડ્રગ્સનું નેટવર્ક ફેલાવ્યું: વેબસિરીઝની સ્ક્રિપ્ટ જેવી ગુજરાતની 'ડ્રગ્સ-ક્વીન' અમીનાબાનુની લાઇફ, બેરોજગારોને ફસાવી પેડલરોની ફોજ ઊભી કરી!

તમિળનાડુથી ગાંજો વેચવા આવતી મહિલા ત્રિપુટી
અમદાવાદમાં માત્ર ડ્રગ્સ જ નહીં પરંતુ નશાનો બીજો માલ પણ માગો ત્યારે મળી જાય છે. હાલમાં જ SOGએ તમિળનાડુની ત્રણ મહિલાની અમદાવાદમાં 40 કિલો ગાંજા સાથે ધરપકડ કરી હતી. એટલું જ નહીં, પૂછપરછના આધારે પોલીસે સાત લોકોને ઝડપી લીધા હતા. આ ગાંજાનો મહિલાઓ દ્વારા જ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવાનો હતો. આ ત્રણ મહિલાઓમાં સોલિયા મુરુગન સુબ્રમણ્યમ (40), સેલવી મુરુગન નાયડુ (35) તથા પૂજા ગોયલનો (50) સમાવેશ થતો હતો. આ ત્રણેય મહિલાઓ અન્ય રાજ્યમાંથી આવીને ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવા માટે પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે સમયે જ SOGએ તેમને ઝડપી લેતાં આખા રેકેટનો પર્દાફાશ થયો હતો.

પહેલાં બહારથી ડ્રગ્સ આવતું, હવે અહીંથી જ સપ્લાય
અમદાવાદ SOGએ ડ્રગ્સ સામે ડ્રાઇવ ચલાવી છે અને નાનામાં નાના જથ્થામાં ડ્રગ્સ રિકવરીનો પણ કેસ કરાય છે. પરંતુ જે રીતે અમદાવાદ જેવાં શહેરોમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા અન્ય રાજ્યના ડ્રગ ડીલરો ગુજરાતમાં મોટું બજાર હોય તેમ માનીને ડ્રગ્સનો વેપાર કરવા આવી રહ્યા છે તે નક્કી છે. ખાસ કરીને પહેલાં ડ્રગ્સ મહારાષ્ટ્ર બોર્ડરથી લક્ઝરી બસમાં આવતું હતું પરંતુ હવે મહારાષ્ટ્રના ડ્રગ્સ ડીલર ગુજરાતમાં આવીને અહીંથી જ સપ્લાય કરી રહ્યા છે અને યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે. અમદાવાદમાં તેમણે મોડસ ઓપરેન્ડી બદલી છે અને હસીનાઓને રાખી તેમના દ્વારા નેટવર્ક ચલાવાય છે. આ સુંદર યુવતીઓ હોટલ કે ભાડે મકાન રાખીને આ ડ્રગ્સને રોજ રાતે બજારમાં ઠાલવવા નીકળે છે.

સિન્ડિકેટ-ડીલર-પેડલર-ટાર્ગેટનું આખું ડ્રગ્સ નેટવર્ક
આ આખું ડ્રગ્સ નેટવર્ક એક સિન્ડિકેટ ચલાવે છે જેમાં તેના પેડલરને ડ્રગ્સ કઈ કિંમતે વેચવું તે તમામ બાબતો ડીલરો દ્વારા નક્કી કરી આપવામાં આવે છે. આ ડ્રગ પેડલરો અમદાવાદના ચોક્કસ પોકેટમાં પોતાના ટાર્ગેટ શોધે છે અને સોફ્ટ ટાર્ગેટ મળ્યા બાદ તેને ધીમે ધીમે મફત ડ્રગ્સ આપે છે. એક વાર મફત ડ્રગ્સના રવાડે ચઢાવ્યા બાદ યુવક-યુવતીઓને તેઓ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરીને ડ્રગ્સ આપવાની શરૂઆત કરે છે. જે યુવક કે યુવતી આ ચક્કરમાં એક વાર ફસાય ત્યારબાદ તે ડીલરોના ઇશારે જ કામ કરવા લાગે છે. ત્યારબાદ તે પોતે ડ્રગ્સ પેડલર બની જાય છે અને નવા ટાર્ગેટ શોધવાની જવાબદારી તેને આપવામાં આવે છે.

ધનિકોને ડ્રગ્સ, ગરીબોને કફસિરપનો કરાવાતો નશો
ડ્રગ્સ ઉપરાંત ગાંજો અને હવે તો કફસિરપનો પણ માદક દ્રવ્યો તરીકે ઉપયોગ કરાય છે. હાલમાં જ SOGએ નઝિયા શેખ નામની 50 વર્ષની મહિલાને કફસિરપના જંગી જથ્થા સાથે ઝડપી લીધી હતી. નઝિયા અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં કફસિરપની ડિલિવરી કરતી હતી. તે પોતે જ દારૂની જેમ જ કફસિરપના નશીલા દ્રવ્ય તરીકે વેચાણનું આખું રેકેટ ચલાવતી હતી. તે કફસિરપનો મોટો જથ્થો લઈને જવાની છે તેવી બાતમીના આધારે SOGએ તેને ઝડપી લીધી હતી. તે મોટાભાગે ગરીબ વિસ્તારમાં નશેડીઓને શોધતી હતી અને છોકરાઓને સિરપની બોટલો વેચતી હતી.

સોશિયલ મીડિયા કઈ રીતે ડ્રગ ડીલરોને મદદ કરે?
ડ્રગ્સનું કોઈ પણ રેકેટ માલેતુજાર પરિવારના નબીરાઓ વિના ચાલી ન શકે કારણ કે તેના પૈસા તો આ ધનિકો જ આપી શકે. આ માલેતુજાર પરિવારના નબીરાઓને ટાર્ગેટ કરવાનું સૌથી આસાન માધ્યમ કોઈ હોય તો તે સોશિયલ મીડિયા છે. ડ્રગ્સનું રેકેટ આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર ચાલે છે. સોશિયલ મીડિયા પર કેટલીક ડ્રગ્સ પેડલર મહિલાઓ નવા-નવા મિત્રો બનાવીને ડ્રગ્સના ડોઝ સુધી પહોંચાડે છે. આ ઉપરાંત આવા નબીરાઓને બીજાં રાજ્યોમાં થતી રેવ પાર્ટી સુધી પણ લઈ જાય છે. જ્યારે કેટલાક યુવાનો કોમન ફ્રેન્ડના મારફતે યુવતીઓને ટાર્ગેટ કરે છે અને ડ્રગ્સ નેટવર્કમાં ખેંચી લાવે છે. ઘણી એવી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે જેમાં ડ્રગ્સની ચેટ થાય છે અને તે ચેટ 24 કલાકમાં ડિલીટ થઈ જાય છે. એટલે આવા યુવકો કે આવું ગ્રુપ આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો જ ઉપયોગ કરે છે.

ડ્રગ્સમાં ફસાયેલાં યુવક-યુવતીઓ અમારી પાસે આવેઃ પોલીસ
અમદાવાદ SOGના DCP જયરાજસિંહ વાળાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, યુવક-યુવતીઓએ અજાણ્યા ગ્રુપમાં જવાનું ટાળવું જોઈએ. તેમજ કોઈની પાસે ડ્રગ્સની માહિતી હોય તો અમારી સાથે શેર કરવી. અમે તેમની સંપૂર્ણ ગુપ્તતા જાળવીશું. જે યુવક-યુવતીઓ આ ડ્રગ્સની ચુંગાલમાંથી બચવા માગતાં હોય તેઓ અમારો સંપર્ક કરે. અમે તેમને બચાવીશું. અમદાવાદમાં બે વર્ષમાં પાંચ મહિલાઓ ડ્રગ્સના રેકેટમાં એટલે કે ડ્રગ્સ સપ્લાયમાં પકડાઈ ચૂકી છે. આ આખી નવી મોડસ ઓપરેન્ડી તરફ ઈશારો કરે છે. યુવાનોએ પોતે અને પોતાના વર્તુળને આ દૂષણથી દૂર રાખવું જરૂરી છે. પોલીસ તમારી તમામ મદદ કરશે અને ગુપ્તતા જાળવવા માટે પણ તમામ પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...