• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Quickly Seal Off Buildings That Do Not Enforce Fire Safety, There Is No Space For Feelings And Emotions In Compliance With Law: Gujarat High Court

સરકારને HCની ટકોર:ફાયર સેફ્ટીનો અમલ ન કરતી ઇમારતોને ઝડપથી સીલ કરો, કાયદાના પાલનમાં લાગણીઓ અને ભાવનાઓને અવકાશ નથીઃ ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ(ફાઇલ તસવીર)
  • રાજ્ય સરકાર અને રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને હાઇકોર્ટની ટકોર કરી
  • ફાયર સેફટી વગરની અને બી.યુ. વગરની ઇમારતો સીલ કરવામાં આવેઃ ગુજરાત હાઇકોર્ટ
  • કાયદાના કડકાઇથી પાલન કરવામાં રાજ્યમાં ઘણા સ્થાનો પર ઘર્ષણની સ્થિતિ થશેઃ એડવોકેટ જનરલ

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટ અમલવારી અને BU પરમિશન મુદ્દે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને ટકોર કરી છે કે, BU અને ફાયરસેફ્ટી NOC વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદાનું પાલન ન કરતી ઇમારતોને સીલ કરવાની કામગીરી પણ ઝડપથી કરવામાં આવે.

કાયદામાં લાગણીઓને અને ભાવનાઓને અવકાશ નથી
જસ્ટિસ એન.વી. અંજારીયાની ખંડપીઠે મહત્વપૂર્ણ અવલોકન કરતાં કહ્યું હતું કે, ફાયર સેફ્ટી વગરની અને BU પરમિશન વિનાની તમામ ઇમારતોને સીલ કરવી જોઈએ. સાથે સાથે કોર્ટે એ પણ નોંધ કરી કે, કાયદાના શાસનમાં લાગણીઓને અને ભાવનાઓને અવકાશ નથી. એટલે કે, કાયદાની અમલવારી જરૂરી છે. લાગણીઓ અને ભાવનાઓને ફરજ પાલનમાં ન લાવવી જોઈએ.

રાજ્યમાં ઝડપથી ફાયર સેફ્ટીનો કડકાઇથી અમલ થાય તે જરૂરી છે
મહત્વપૂર્ણ વાત એ છે કે, કોર્ટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે જ 8 જુલાઇ-2022 સુધી ફાયર સેફટીના અમલીકરણ માટેના સમય આપવાની અરજી ફગાવી દીધી હોય તો, હાઈકોર્ટ તેનાથી ઉપરવટ કેમ જઈ શકે? રાજ્યમાં ઝડપથી ફાયર સેફ્ટીનો કડકાઇથી અમલ થાય તે જરૂરી છે.

રાજ્ય સરકાર અને રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને હાઇકોર્ટની ટકોર કરી
રાજ્ય સરકાર અને રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને હાઇકોર્ટની ટકોર કરી

9 ઓકટોબરે આગામી સુનાવણી હાથ ધરાશે
આ મામલે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે, કાયદાના કડકાઇથી પાલન કરવામાં રાજ્યમાં ઘણા સ્થાનો પર ઘર્ષણની સ્થિતિ થશે. જેને લઇને કોર્ટે ટકોર કરી કે, સુપ્રીમ કોર્ટના હુકમ બાદ કોઈ અવકાશ નથી, જેથી ફાયર સેફ્ટીની બાબતમાં બધાએ ગંભીર બનવાની જરૂર છે હવે આ મામલે આગામી 9 ઓકટોબરે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.

એક મહિના પહેલા સરકારે સોગંદનામું રજૂ કર્યું હતું
ગુજરાતની અનેક હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓ સંદર્ભે ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે એક મહિના પહેલા સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકાર તરફથી પોતાના સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો કે, ઘણા સમયની કામગીરીથી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં શાળા અને હોસ્પિટલોમાં અગાઉની સરખામણીએ સ્થિતિમાં સુધારો આવ્યો છે. 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 1024 એકમોને ફાયર NOC આપવામાં આવી છે. રાજ્યની અલગ-અલગ મહાનગરપાલિકાએ કરેલી કામગીરી દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓ પણ પડી છે. પરંતુ. તેમ છતાં મહાનગરપાલિકાના વિસ્તારોમાં હોસ્પિટલોને 670, શાળાઓને 141 બહુમાળી બિલ્ડીંગને 196 અને અન્યને 17 આમ કુલ 1024 એકમોને ફાયર સેફટી NOC આપવામાં આવી છે.

આગામી સમયમાં NOCની વ્યવસ્થા ઝડપી બનાવાશે
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અગાઉની પરિસ્થિતિએ હાલ શાળાઓ અને હોસ્પિટલોની પરિસ્થિતિમાં સુધાર પણ જોવા મળ્યો છે. આગામી સમયમાં પણ આ વ્યવસ્થા ઝડપી બનાવવામાં આવશે. જેથી તમામ જગ્યાએ NOC અને BU પરમીશનને લઈને કોઈ પ્રશ્ન ઊભો ન થાય.

અન્ય સમાચારો પણ છે...