હાલમાં કોરોના સંક્રમણને પગલે કેનેડા જતી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ હોવાથી લોકોને નાછૂટકે અન્ય દેશમાં થઈને કેનેડા જવાની ફરજ પડી રહી છે. મોટી સંખ્યામાં લોકો દોહા થઈને કેનેડા જાય છે પરંતુ 2 ઓગસ્ટથી કતાર સરકારે દોહા જતા તમામ લોકો માટે 10 દિવસ હોટેલમાં ફરજિયાત ક્વોરન્ટાઈનનો આદેશ કર્યો છે. જેના કારણે ગુજરાતમાંથી કેનેડા જતા લોકોની હાલાકી વધવાની સાથે આર્થિક ભારણ પણ વધશે.
હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટો બંધ હોવાથી વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો કેનેડા જવા માટે વિશ્વના અન્ય દેશોમાં થઈ મુસાફરી કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધી કેનેડા જવા માટે દોહાનો રૂટ સૌથી સસ્તો હતો. પરંતુ હવે કતાર સરકારે નિયમોમાં ફેરફાર કરતા તમામ પેસેન્જરોને આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ હોવા છતાં દોહામાં 10 દિવસ હોટલમાં ક્વોરન્ટાઈન રહેવું ફરજિયાત છે. જેના કારણે હવે લોકોનો ખર્ચ વધશે. અત્યાર સુધી દોહા થઈ કેનેડા જવા 1.25 લાખથી 1.50 લાખ રૂપિયા સુધી ખર્ચ થતો હતો. જે વધીને હવે ડબલ એટલે કે, 3 લાખ સુધી થશે.
એજ રીતે મેક્સિકો થઈને જવા માટે લોકોને 5 લાખ સુધી, અલ્બેનિયા થઈ જવા માટે 4.50 લાખ સુધીનું તેમજ વાયા માલદીવ થઈને કેનેડા જતા લોકોને લગભગ 3.50 લાખ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે. દોહા સહિત અન્ય એરપોર્ટ પર ભારતની વેક્સિનને માન્યતા ન હોવાથી અનેક લોકો સ્પેશિયલ ફ્લાઈટ બુક કરી વાયા બેલગ્રેડ થઈ કેનેડા જવું પડે છે.
કેન્દ્ર તેમજ કેનેડા સરકારને રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રીને મોકલેલા પત્રમાં જણાવાયું છે કે, કોરોનાના કારણે ઓગસ્ટ સપ્ટેમ્બર 2021માં કેનેડા અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ જઈ શક્યા નથી. ત્યાં અભ્યાસક્રમો શરૂ થઈ ગયા છે ત્યારે ત્રીજા દેશમાં થઈને જવું પડે છે જ્યાં 7થી 10 દિવસ હોટલમાં ક્વોરન્ટાઈન રહેવાની સાથે ત્યાં આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ મેળવ્યા બાદ કેનેડા જવા મળે છે. જેના પગલે ખર્ચ વધીને 5 લાખ સુધી થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પર આર્થિક અને માનસિક બોજ ન પડે તે માટે કેનેડિયન સરકાર સાથે જરૂરી કાર્યવાહી કરી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવાની માગણી કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.