ચેરિટી ઈવેન્ટનું આયોજન:ફાસ્ટ ફૂડ પર 18 ટકા GST નાખો અને બાળકોને ડ્રગ્સની જેમ તેનાથી દૂર રાખો, AMAમાં યોજાયેલી ચેરિટી ઈવેન્ટમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખનું સૂચન

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પગ ગુમાવનારાઓએ ટ્રસ્ટની સહાય અને અનુભવ અંગે વાત કરી હતી. - Divya Bhaskar
પગ ગુમાવનારાઓએ ટ્રસ્ટની સહાય અને અનુભવ અંગે વાત કરી હતી.
  • ટ્રસ્ટે પગ ગુમાવનાર 107ને મદદ કરી, આ વર્ષે 500ને પગભર કરવાનો લક્ષ્યાંક

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચેરિટી ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ અને મુખ્ય અતિથિ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, ફાસ્ટફૂડ પર 18 ટકા જીએસટી લાગુ કરવો જોઈએ જેથી લોકો તેનાથી દૂર થાય. માતા-પિતાએ ફાસ્ટફૂડની જેમ ડ્રગ્ઝ અને આલ્કોહોલ બાબતે પણ કડક બનવાની જરૂર છે.

મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી શ્રદ્ધા સોપારકરે જણાવ્યું કે, પગ અને શરીરના નીચેના અંગો ગૂમાવનાર લોકોને પોતાના પગ પર ઊભા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આવા લોકોને બોજ સમજવાને બદલે અમે તેમને સમાજ અને અર્થતંત્રમાં યોગદાન આપનાર ગણીએ છીએ. અત્યાર સુધીમાં 107 લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવી શક્યા છીએ અને અમારૂં લક્ષ્યાંક આ વર્ષે 500 વ્યક્તિઓ સુધી પહોંચવાનો છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિક સાગર પટેલ, ડો. દર્શના ઠક્કર, મીહિર પરીખની સાથે પૂર્વ મેયર બિજલ પટેલ, ડો. શિલ્પા અગરવાલ અને ડો. જયપ્રકાશ વ્યાસ પણ હાજર રહ્યા હતા.

‘બાળકોને મોબાઇલ અને ફાસ્ટફૂડની દૂર રાખો’
બાળરોગ નિષ્ણાત ડો.જયપ્રકાશ વ્યાસે જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય માટે ફાસ્ટ ફૂડ અને મોબાઈલ ફોનથી દૂર રહેવું જોઈએ. બાળકોમાં સારી ખાણીપીણીની આદતો સુધારવી જરૂરી છે. પ્રતિક્ષા લહેરીએ જણાવ્યું હતું કે, આપણી આસપાસ બાળકોના આરોગ્ય અંગે ઘણી માહિતી ઉપલબ્ધ છે, પરંતુ માતા-પિતા બાળકને પૂરતો સમય અને તંદુરસ્ત આહાર આપી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...