રજની રિપોર્ટર:પૂર્ણેશ મોદી હવે પોતાના કર્મચારીઓના મનની વાત સાંભળે છે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્ગ અને મકાન તથા ટ્રાન્સપોર્ટ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી પૂર્ણેશ મોદીએ એક નવી કવાયત શરૂ કરી છે. તેમના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મનની વાત સાંભળવા માટે તેઓએ હવેથી દર મહિનાની 17 તારીખ અને જો તે દિવસે અનુકૂળ ન હોય તો તેની આગળ-પાછળની કોઇ તારીખે ગાંધીનગર સર્કિટ હાઉસમાં મુલાકાત કરવાનું નક્કી કર્યું છે. મંત્રી આ માટે પોતાનો આખો દિવસ ગાળશે અને તેમના વિભાગોની અલગ-અલગ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ આવીને પોતાના મંતવ્યો, ફરિયાદો અને અન્ય જરૂરી ચર્ચાઓ કરે તે માટે પૂર્ણેશ મોદીએ આ નવો રિવાજ શરૂ કરાવ્યો છે. રાજ્ય સરકારના સૂત્રો કહે છે કે આ અગાઉ મોદીની નીચેના વિભાગના એક અધિકારીએ તેમની વાત માની ન હતી અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે હવે મોદીએ વિભાગની વાત અંદર જ રહે તે હેતુથી આ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે.

સીપી અગ્રવાલની 3 કલાકની પૂછપરછમાં કાંઇ બહાર તો ન આવ્યું પણ બીજા જ દિવસે સહાય પોઝિટિવ આવ્યા!
રાજકોટ પોલિસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં સરકારમાં ભૂકંપ આવી ગયો. સરકારે તપાસ પણ સોંપી દીધી. એડીજીપી કક્ષાના અધિકારી વિકાસ સહાય અહીં તપાસ કરી રહ્યા છે. આ પહેલા અગ્રવાલ ડીજીપી આશિષ ભાટિયાને પણ ગાંધીનગર આવીને મળી ગયા જ્યારે વિકાસ સહાયે અગ્રવાલને ઊલટ તપાસ અને પૂછપરછ માટે ગાંધીનગરની કોઇ કચેરીમાં બોલાવવાને બદલે કોઇપણ વ્યક્તિ પહોંચી ન શકે તેવી કરાઇ નજીક આવેલી પોલિસ ટ્રેઇનિંગ એકેડેમીમાં બોલાવ્યા હતા. પ્રથમ દિવસે જ અગ્રવાલ અને સહાય 3 કલાક સુધી મળ્યા હતા. દરમિયાન વારંવાર ચા-નાસ્તો મગાવવામાં આવ્યો હતો. જો કે બન્ને અધિકારી બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. સરકારના સૂત્રો જણાવે છે કે 3 કલાકની મુલાકાત કહો કે પૂછપરછ પણ કાંઇ બહાર આવ્યું નથી. ઊલટાનું આ એક દિવસ બાદ વિકાસ સહાય પરિવાર સહિત કોવિડ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવી આઇસોલેટ થઇ ગયા છે.

અઢિયાને યોગનિદ્રામાંથી જગાડી સરકારે કામ સોંપ્યું
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ અને ગુજરાત કેડરના રિટાયર્ડ આઇએએસ અધિકારી હસમુખ અઢિયાને ગુજરાત સરકારે રાજ્યની જીએસડીપીમાં વધારો થાય તે માટે બનાવાયેલી એક ટાસ્ક ફોર્સના અધ્યક્ષ બનાવ્યા છે. નાણાં વિભાગના આ હુકમથી સચિવાલયના અધિકારીઓમાં ચર્ચા ચાલી છે કે નોટબંધી અને જીએસટીની દુર્ઘટનાનો શ્રેય અઢિયાને અપાયો તે પછી રિટાયર્મેન્ટ બાદ અઢિયા સરકારની કોઇ વિશેષ કામગીરીમાં સંકળાયા ન હતા, બલ્કે તેમને ક્યાંય સાંકળવામાં આવ્યા ન હતા. તે પછી તેઓ ગુજરાત બહાર અધ્યાત્મિક પ્રવૃત્તિમાં લીન થઇ ગયા હતા. અઢિયા સરકાર સંબંધી કોઇ બાબતમાં સંકળાવા માગતા ન હતા, પણ અચાનક અઢિયાને આ યોગનિદ્રામાંથી ઉઠાડીને ગુજરાત સરકારે આ કામગીરી સોંપી છે. ઘણાં અધિકારીઓને તેમની આ નિમણૂક બાદ શંકા છે કે અઢિયાના સૂચનોને અનુસરીને ગુજરાત સરકારની ગણતરી ક્યાંક ઊંધી ન પડે. જો કે અઢિયાની પાસે ગુજરાતના અર્થતંત્રને વધુ ગતિ આપવાના ઉપાયો શોધવા માટે ત્રણ મહિનાનો સમય છે, ત્યાં સુધી થોભો અને રાહ જુઓ.

રાજીનામા,પાટીલ જૂથને ગોઠવવાનો ગણગણાટ
ભાજપે બોર્ડ-નિગમના ચેરમેન સાથે સભ્યોના પણ રાજીનામા લઇ લેતા ગણગણાટ એવો શરૂ થયો છે કે, મુદત પહેલા રાજીનામાં લઇ લેવા યોગ્ય નથી. રાજીનામા લેવામાં કેટલાક નો તો લાખથી દોઢ લાખનો મહિનાનો પગાર ગયો એટલે સ્વભાવિકરીતે તેમને તકલીફ પડે તે સમજી શકાય તેમ છે. આ સભ્યોએ અંદરખાને એવો અસંતોષ વ્યકત કરી રહ્યા છે કે, મુદત પહેલા રાજીનામાં લેવાથી કઇ રીતે પક્ષને ફાયદો થશે, પણ ભાજપમાં અસંતોષ સપાટી પર ભાગ્યે જ આવતો હોવાથી નારાજ સભ્યો વિશ્વસનીય નેતાઓ સમક્ષ હદયનો ઉભરો ઠાલવી રહયા છે. ભાજપના નેતાઓ હવે એવું કહે છે કે, સીધુ મહા મંત્રી કક્ષાના વ્યકિત જ ફોન કરીને રાજીનામું આપી દેવાનું કહેતા હતા, એટલે તેનો સીધો અર્થ એવો થયો કે હવે પાટીલ જૂથના નેતાઓ બોર્ડ-નિગમમાં ગોઠવાશે અને તેમાં પણ ભાજપના દરેક સમારોહમાં સ્ટેજ પર બિરાજતા એક યુવા નેતાના માણસોને વધારે પ્રાધાન્ય મળશે તેવું ભાજપના નેતાઓ માને છે.

રાજ્ય કક્ષાના મંત્રીઓ બોલાવે, ત્યારે સચિવોને જવાનો કંટાળો કેમ આવે છે
ગુજરાતમાં બાબુઓ જ સરકાર ચલાવે છે તેવું પહેલા કહેવાતું હતું. ભૂપેન્દ્ર પટેલની સરકારે કેટલાંક નિર્ણયો લીધા છે. પણ ગુજરાતના અધિકારીઓ તો તેમાંય પાવરધા છે. રાજ્ય કક્ષાના મંત્રીઓની ફરિયાદ છે કે જ્યારે તેઓ કોઇ કામ અર્થે તેમના વિભાગના સેક્રેટરીને બોલાવે ત્યારે તે અધિકારી મહાશય મળવા આવતા જ નથી. ઊલટાનું તેઓ કયા કામ અર્થે મુલાકાત છે તે જાણી લઇને તેમના તાબા હેઠળના જુનિયર એવા રાજ્ય સેવાના અધિકારીને મોકલી દે છે. જો કે આ અંગે અધિકારીઓ બચાવ કરતા કહે છે કે રાજ્ય કક્ષાના મંત્રી પાસે સામાન્ય એવા કામ માટે જઇએ તો અમસ્તો જ એકાદ કલાક જેટલો સમય જતો રહે છે, તેથી અમે જાતે જવાને બદલે વિભાગના કોઇ એવા અધિકારીને મોકલી દઇએ છીએ જે જે-તે કામ સંભાળતા હોય.

યુ.પી.માં ભલે ઓછા દેખાયા, પરંતુ ગુજરાતમાં રાહુલ ચૂંટણી પ્રચાર કરશે
ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા સિવાય કોઇ જાહેર સભા કરી નથી. ઉત્તર પ્રદેશનો સમગ્ર દારોમદાર પ્રિયંકા ગાંધી ઉપર અત્યાર સુધી છે. ઉત્તરપ્રદેશના પરિણામનો રાજકીય પક્ષોને અંદાજ છે એટલે કદાચ રાહુલ ગાંધીની ઇમેજને વધુ ધક્કો ન પહોંચે એટલે ઉત્તરપ્રદેશમાં તેમને ચૂંટણી પ્રચારમાં સક્રિય રીતે ઉતારવામાં આવ્યા નથી,પણ ગુજરાતમાં એવું બનશે નહીં. ગુજરાતમાં ચાલુ વર્ષે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી તો પ્રચાર પૂરજોરથી કરશે જ, પણ સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાશે. પ્રિયંકાની ચોક્કસ બેઠક પર જાહેર સભાઓ થશે અને રાહુલ સાથે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.

કોણ છે પંકજ કુમારના વહાલા અધિકારીઓ અને કોને કરે છે તે ટાર્ગેટ...?
ગુજરાત સરકારના સચિવોની સમિતિની બેઠક પણ કેબિનેટ બેઠક જેટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. અહીં દરેક વિભાગના સચિવો મુખ્ય સચિવ સામે પોતાના વિભાગનું પ્રેઝન્ટેશન કરે છે. એવું જાણવા મળે છે કે પંકજ કુમાર કમિટી ઓફ સેક્રેટરીઝની બેઠક દરમિયાન અધિકારીઓના પ્રેઝન્ટેશન જોઇને તેમને કેવી રીતે સુધારો લાવવો તે સૂચનો આપે છે, પરંતુ કેટલાંક અધિકારીઓને એવું સતત લાગ્યા કરે છે કે તેમને ટાર્ગેટ કરીને ખખડાવે છે. તેમના વિભાગને લઇને કોઇ ખાસ ફરિયાદ ન હોય તો પણ તેમને ઠપકાં મળ્યા કરે છે, જ્યારે કેટલાંક અધિકારીઓ તેમના વહાલા અને માનીતા છે, તેમના વિભાગમાં કામગીરીને લઇને કોઇ ચૂક કે ઢીલ હોય તો તેમને કડક શબ્દોમાં કહેવાને બદલે પંકજ કુમાર માત્ર સૂચનો આપીને વાત પૂરી કરી દે છે. હવે એ તો પંકજ કુમાર જ જાણે કે ખરેખર તેમના માટે અમુક અધિકારી માનીતા અને અમુક અણમાનીતા છે કે પછી તેઓ અધિકારીઓને ખખડાવતી વખતે તટસ્થ ભાવ જ રાખે છે. એક સિનિયર અધિકારી કહે છે કે એવું બને કે કોઇ અધિકારીને એક બે વાર કરતાં વધુ વખત ઠપકાં મળ્યા હોય એટલે તેમની આ ફરિયાદ હોય, પરંતુ આવી બાબતથી ખોટું માનવાને બદલે પર્ફોર્મન્સ પર ધ્યાન આપવું જોઇએ. આમ પણ કુમાર સાહેબ પાસે હવે ચાર મહિના જેટલો જ સમય છે.

અન્ય સમાચારો પણ છે...