કાનૂની લડતમાં તમામ ખર્ચ ઉપાડશે!:વ્યાજખોરોના ત્રાસ અને જુલમ સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજયમાં બેફામ બનેલી વ્યાજખોરીની પ્રવૃત્તિ અને વ્યાજખોરોના દૂષણને લઇ ખુદ સરકાર અને પોલીસના પરિપત્રો કાગળ પર રહી ગયા હોવાથી કડક અમલવારી કરાવવા અને વ્યાજખોર તત્વોની પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલવા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉગ્ર માંગણી કરી છે. સમિતિ તરફથી આજે આ સમગ્ર મામલે રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી સહિતના સત્તાધીશોને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. સાથોસાથ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં નિર્દોષ નાગિરકો પર વ્યાજખોરોના ત્રાસ અને જુલમ સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં 25 હજારથી વધુ ફોર્મ, પત્રિકાઓ અને પોસ્ટર-બેનરો પ્રસિધ્ધ કરાયા છે.

વ્યાજખોરોથી પીડિત નાગરિકો આગળ આવે: મુકેશ પરીખ
આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, સંસ્થાના માધ્યમથી નાગરિકો-ગ્રાહકોને વિનામૂલ્યે નિઃશુલ્ક રીતે ગ્રાહક કોર્ટમાં, પોલીસ સ્ટેશન, ફોજદારી કોર્ટમાં ફરિયાદ કરી આપવામાં આવશે અને તેઓને ઝડપી અને અસરકારક ન્યાય અપાવવામાં આવશે. એટલું જ નહી, કોર્ટ સ્ટેમ્પ ફી, વકીલ ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, ફાઇલ-ટાઇપીંગ અને ઝેરોક્ષ સહિતના તમામ ખર્ચાઓ પણ નાગરિકોના હિતમાં સંસ્થાએ ઉપાડવાની તૈયારી બતાવી છે. આ સંજોગોમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકોએ નિર્ભયતાપૂર્વક આગળ આવવા અને નિસંકોચપણે ફરિયાદ કરવા સમિતિ દ્વારા જાહેર અપીલ કરાઇ છે.

ફરિયાદથી લઇ કોર્ટ કેસ વિનામૂલ્યે લડી આપશે
સમાજમાં આવા વ્યાજખોર તત્વોને ખુલ્લા પાડવાની ઉગ્ર માંગ કરતાં સમિતિ તરફથી જણાવાયું કે, વ્યાજખોરીથી નાગરિકોના મૂળભૂત અધિકાર, ગ્રાહક અધિકાર, માનવ અધિકાર અને માનવ ગૌરવ-ઔચિત્યનો ભંગ થાય છે. વ્યાજખોરી એ સભ્ય સમાજનું કલંક સમાન છે. વ્યાજખોર તત્વો પીડિત પરિવારને એટલી હદે ત્રાસ આપી જુલમ કરે છે કે, ઘરનો મોભી કે વડીલ છેવટે આત્મહત્યા કરી લે છે. જે બાદ વ્યાજખોર તત્વો પીડિત પરિવારની બહેન-દિકરીઓ પર અપહરણ, છેડતી, બળાત્કાર-દુષ્કર્મનો ભોગ બનાવી શારીરિક શોષણ કરતા હોય છે. પરંતુ પીડિત પરિવારોની આવી બહેન-દિકરીઓ ફરિયાદ માટે આગળ આવી શકતી નથી. ત્યારે સમિતિએ આ પહેલ કરી છે અને તેમના વતી ફરિયાદથી લઇ કોર્ટ કેસ વિનામૂલ્યે લડી આપવાની સહાયની જાહેરાત કરી છે.

નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માંગણી
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, વ્યાજખોરો સામે ફરિયાદ કરવા બહાર આવતા નાગરિકોને સરકાર તરફથી રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...