ટ્રાફિક મેમોથી પ્રેમ પાંગર્યો:એક્ટિવા ડિટેઇન થયા બાદ પરિણીતાની PSI સાથે લવસ્ટોરી લગ્નમાં પરિણમી, 6 મહિનામાં જ ઝઘડા અને મારામારી થતાં ફરિયાદ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીએ પતિ સાથે છૂટાછેડા લઈ PSI સાથે લગ્ન કર્યા, છ મહિનામાં જ ઝઘડા અને મારામારી કરી
  • યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સાગર આચાર્ય સહિતનાં સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

એસજી હાઇવે પર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI અને યુવતી વચ્ચે ટ્રાફિક મેમોથી શરૂ થયેલી લવસ્ટોરી અને લગ્નજીવનમાં 6 મહિનામાં જ કકળાટ શરૂ થઈ ગયો છે. PSI પતિએ પત્નીને કપડાં પહેરવાથી લઈને દારૂ પી મારઝૂડ કરતો હતો. PSIના પ્રેમમાં મહિલાએ અગાઉના પતિને છૂટાછેડા આપી બીજા લગ્ન કર્યા અને PSIએ લગ્નના 6 મહિનામાં મહિલાને રિવોલ્વરથી જાનથી મારવાની ધમકી આપી હતી, જેના પગલે યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સાગર આચાર્ય સહિતનાં સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ સાસુ-સસરા સહિતના સામે ફરિયાદ નોંધાવી
ગોતા- જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી ખાતે વૃંદાવન ફ્લેટમાં રહેતી 34 વર્ષીય સ્મિતા (નામ બદલેલું છે)એ PSI પતિ સાગર આચાર્ય, સાસુ શારદાબેન, સસરા બાબુલાલ અને નણંદ ગાયત્રીબેન વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લોકડાઉન સમયે PSIએ એક્ટિવા ડિટેઈન કર્યું હતું
પોલીસ ફરિયાદમાં જણાવ્યું અનુસાર, 20 જૂન 2019ના રોજ સાંજે 6.30 વાગ્યે એસજી હાઇવે પર કારગિલ પંપ પાસે PSI સાગર આચાર્યએ કોઈપણ ડોક્યુમેન્ટ માગ્યા વગર સ્મિતાનું એક્ટિવા ડિટેઈન કર્યું હતું. પરિણીતાએ PSIને નામ પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. તેણે PSIનો ફોટો પાડતાં સ્ટાફે ધ્યાન દોરતાં PSIએ તેના મોબાઇલમાંથી ફોટો ડિલિટ કરાવ્યો હતો. ટ્રાફિક મેમોમાં ભૂલ હોવાથી સ્મિતા બીજા દિવસે ફરી સ્થળ પર ગઈ હતી. એ સમયે PSI સાગરે પોતાનો મોબાઈલ નંબર આપી RTO દંડ ભરવામાં કોઈ તકલીફ થાય તો ફોન કરવા જણાવ્યું હતું.

બંને વચ્ચે પ્રેમ પાંગરતાં પરિણીતાએ છૂટાછેડા લઈ PSI સાથે લગ્ન કર્યા
બંને વચ્ચે ફોન પર હાય-હલ્લોથી મિત્રતા અને પછી પ્રેમ પાંગર્યો હતો. PSI સાગર આચાર્યએ સ્મિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો અને જણાવ્યું કે તું તારા પતિથી છૂટાછેડા લઈ લે, જેથી સ્મિતાએ તેના પતિ રોહિત ચૌહાણથી 13 ફેબ્રુઆરી 2020માં રોજ છૂટાછેડા લીધાં હતાં અને 30 જૂન 2020ના રોજ સાગર આચાર્ય સાથે લગ્ન કર્યા હતા.

PSI સાથે લગ્ન કર્યાના બીજા દિવસે પરિણીતાને તેને બાળક હોવાની ખબર પડી
લગ્નના બીજા દિવસે સ્મિતાને ખબર પડી કે પતિ સાગરના પણ અગાઉ લગ્ન અને છૂટાછેડા થયા હતા. પહેલી પત્નીથી તેને એક સંતાન પણ છે. જોકે સ્મિતાએ બહુ વાંધો ઉઠાવ્યો નહીં. લગ્નના 20 દિવસમાં કપડાં પહેરવા બાબતે સ્મિતાને પતિ સાથે મોટો ઝઘડો થયો હતો.

PSI પતિ દારૂ પીને પરિણીતાની મારઝૂડ કરતો
લગ્ન બાદ લાજ કાઢવા બાબતે અન્ય બાબતે સાસુ-સસરા તકરાર કરતા હતા. પતિ દારૂ પીને ઘરે આવી સ્મિતા જોડે મારઝૂડ કરતો નણંદને વાત કરતા તે ગણકારતી ન હતી. સાસરિયાએ સ્મિતાને ઘરમાંથી કાઢી મુકતા તે પતિએ ભાડે રાખેલા અમદાવાદના મકાને આવી ગઈ હતી. જ્યાં સાસુએ પતિ સાથે આવી માથાકૂટ કરી હતી અને પતિએ રિવોલ્વરથી મારવાની ધમકી આપી હતી. અમદાવાદના મકાનનો સામાન પણ લઈ જઇ સાસરિયાંએ સ્મિતાને ઘર ખાલી કરવા અને છૂટાછેડા આપી દેવા દબાણ કર્યું હતું. આખરે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં સ્મિતાએ ફરિયાદ નોંધાવી હતી.

પતિએ રિવોલ્વરથી મારી નાખવાની ધમકી આપી
ગત 6 ડિસેમ્બરના રોજ પીએસઆઈ પતિ સાગર અને સાસુ શારદાબેને મહિલા સાથે ઝઘડો કરી તેની પર પૈસાની ચોરીનો આક્ષેપ કર્યો હતો. મહિલાએ ચોરીનો ઈન્કાર કરતાં પતિએ તને રિવોલ્વરથી મારી નાખવાનું મન થાય છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સાસુએ પણ ગળું દબાવી દીધું હતું
મહિલાને જાનથી મારી નાખવાની ધમકી મળતાં તેણે 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કર્યો ત્યારે આવેલા મહિલા કાઉન્સિલર સાથે પીએસઆઈ સાગર આચાર્યએ અયોગ્ય વર્તન કર્યું હતું. પાંચ દિવસ બાદ તેની સાસુઅે મહિલાનું ગળું દબાવી દીધું હતું અને પતિએ મોબાઈલના ચાર્જરથી માથામાં માર માર્યો હતો. જો કે તે સમયે પીએસઆઈના બે મિત્રોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.