તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જિલ્લા પંચાયતમાં 90 લાખની ગેરરીતિના વિવાદ બાદ 60 લાખની મોટર ખરીદવાની જોગવાઇ કરાશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ગેરરીતિના તપાસ અંગેનો રિપોર્ટ હજી સુધી સબમીટ કરાયો નથી: નવી મોટરની એક સાથે ખરીદી નહીં કરવાનો નિર્ણય કરાયો

અમદાવાદ જિલ્લા પંચાયતમાં રૂપિયા 90 લાખની મોટર ખરીદીમાં ગેરરિતીના વિવાદ બાદ રૂપિયા 60 લાખની મોટર ખરીદવાની જોગવાઇના નિર્ણયથી વિવાદ સર્જાયો છે. સિંચાઇ વિભાગના અધિકારીએ કહ્યું કે, નવા ભાવ સાથે જુદા જુદા હોર્સ પાવરની મોટર તેમજ મટીરિયલ ખરીદવા માટે રૂપિયા 60 લાખની જોગવાઇ કરાશે. આ વખતે એક સાથે ખરીદી નહીં કરાય. અગાઉ ગેરરીતિના તપાસ અંગેનો રિપોર્ટ હજી સુધી સબમીટ કરાયો નથી. નવી મોટર ની એક સાથે ખરીદી નહીં કરવાનો પણ નિર્ણય કરાયો છે.

અગાઉ સિંચાઇ વિભાગમાં એક સાથે 90 લાખની મોટર અને મટીરિયલ ખરીદાયા બાદ કોંગ્રેસ વિવાદ કર્યો હતો. ભાજપના કેટલાક સભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ બાદ ડીડીઓ અરૂણ મહેશ બાબુએ તપાસ કમિટી રચી હતી. જેમાં ડેપ્યુટી ડીડીઓ કક્ષાના બે અધિકારીઓ અને એક હિસાબીનીશ અધિકારી હતાં. તપાસ દરમિયાન મોટરનું ગોડાઉન સીલ કરી દેવાયું હતું. જોકે ધારાસભ્યોના દબાણ બાદ સીલ ખોલી મોટર સહિત મીટીરિયલની માંગ મુજબ જેતે ગામને વહેંચણી કરાતી હતી.

તપાસના થોડા દિવસ બાદ અધિકારીઓ ગેરરિતીનો દાવો પણ કરતા હતાં. જોકે હજી સુધી તપાસ રિપોર્ટ સબમીટ કર્યો નથી. હવે અધિકારીઓ કહે છેકે, કોઇ ગેરરિતી થઇ નથી. સિંચાઇ વિભાગના અધિકારી એમ.એસ.ભોયાએ કહ્યું કે, અગાઉ 90 લાખની ખરીદીમાં કોઇ ગેરરિતી થઇ જ નહતી. હાલ 60 લાખની મોટર ખરીદી માટે જોગવાઇ કરાશે. ગામની જરૂરિયાત મુજબ ડિલર પાસેથી મોટર મંગાવીને વહેંચણી કરાશે. કોંગ્રેસના પૂર્વ સદસ્ય મનીષ મકવાણાએ કહ્યું કે, 90 લાખની મોટર ચાંઉ થઇ ગઇ. ભંગાર પણ વેચાઇ જાય છે.

આમ છતાં ચાલુવર્ષે 60 લાખની મોટર ખરીદવાનો નિર્ણય\nઆશ્ચર્યજનક છે. ભાજપના સભ્યોએ નામ નહીં આપવાની શરતે કમિટીની રચના થાય નહીં ત્યાં સુધી ખરીદી અટકાવવા માંગ કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, જો સિંચાઇ વિભાગમાં ગેરરિતી થઇ જ નથી તો ડીડીઓએ તપાસનું નાટક કેમ કર્યું. અધિકારીઓએ તપાસમાં ગેરરિતી આચરી સમગ્ર પુરાવાનો નાશ કરી દીધો હોવાનું મનાય છે.

ખરીદીથી ભારે વિવાદ સર્જાયો હતો
ભાજપની સત્તામાં જ સિંચાઇ વિભાગમાં ગેરરિતી થઇ હતી.ગત ટર્મમાં ભાજપની સત્તામાં જ સિંચાઇ વિભાગે રૂપિયા 90 લાખની મોટર અને મટીરિયલની ખરીદી કરતા ભારે વિવાદ સર્જાયો હતો. ડીડીઓએ ત્રણ સભ્યોની તપાસ કમિટી રચી હતી. પ્રાથમિક તપાસમાં મોટરનું ગોડાઉન પણ સીલ કરાયું હતું. આ પછી કમિટીએ ગેરરિતી થઇ હોવાનો દાવો પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...