વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં:જો પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો વિરોધ વિધાનસભા સુધી પહોંચશે, ગૃહમંત્રીના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકવા કહેવામાં આવ્યું છે
  • છતાં વિદ્યાર્થીઓ તેમની ઉપરવટ જઈને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે

સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે ગુજરાતની કોલેજ-યુનિવર્સિટીમાં હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓએ જો પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં કોલેજ કેમ્પસ બંધ કરાશે અને રસ્તા પર આંદોલન તેમજ ABVPના મહામંત્રી પ્રાર્થનાએ પણ માગ સ્વીકારવામાં નહીં આવે તો વિધાનસભા સુધી વિરોધ થશેની ચીમકી આપી છે. હાલમાં ભાજપના કેટલાક સિનિયર નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકવા માટે કહેવામાં આવ્યું છે છતાં પણ વિદ્યાર્થીઓ તેમની ઉપરવટ જઈને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓનાં હિતમાં અમારું સમર્થન: NSUIના મંત્રી
NSUIના મંત્રી સંજય સોલંકીએ જણાવ્યું હતું કે સુરતમાં વિદ્યાર્થીઓ પર દમનની જે ઘટના બની એ નિંદનીય છે. જે પોલીસ અધિકારીએ ખોટી રીતે વિદ્યાર્થીઓને માર્યા હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. નિયમ પ્રમાણે ગરબાની કેમ્પસમાં પરવાનગી આપનાર અને માગનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વિદ્યાર્થીઓના હિતમાં અમારું સમર્થન છે, પરંતુ ક્લાસરૂમ કે ડિપાર્ટમેન્ટ બંધ કરાવવામાં આવે ત્યાં અમારું સમર્થન નથી.

એબીવીપીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભેગા થઈ ઉમરા પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
એબીવીપીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભેગા થઈ ઉમરા પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

કાર્યવાહી નહીં થાય તો વિરોધ વિધાનસભા સુધી પહોંચશે: ABVPના મહામંત્રી
ABVPનાં મહામંત્રી પ્રાર્થનાએ જણાવ્યું હતું કે સુરતમાં 2 દિવસ અગાઉ જે પ્રમાણે વિદ્યાર્થીઓ પર દમન ગુજારવામાં આવ્યું છે એને લઈને અમે રજૂઆત કરી છે. રાજ્યના ગૃહમંત્રી જે વિસ્તારના છે ત્યાં જ આ બનાવ બન્યો છે અને ગૃહમંત્રી દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેથી અમે આજે ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહીવટીકાર્ય બંધ કરાવી રહ્યા છીએ. 2 કલાક સુધી આજે બંધ કરાવીશું, એ બાદ કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે. જરૂર પડશે તો વિધાનસભા સુધી વિરોધ કરવામાં આવશે તેમજ સુરત પોલીસ કમિશનર કચેરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરનો ઘેરાવ કરવામાં આવશે.

જામનગરમાં પણ ABVPના કાર્યકરોએ સૂત્રોચ્ચારો કર્યા
જામનગરમાં સુરતની VNSGUમાં ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની ધરપકડ કરી મારપીટ કરી હોઈ, જે ઘટના અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા પોલીસ કમિશનર દ્વારા આ અંગે માફી માગવા જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ગેટ તાળાબંધી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતાં.

સુરતમાં ભાજપના નેતાઓ ABVPના કાર્યકરોને સમજાવવામાં નિષ્ફળ ગયા.
સુરતમાં ભાજપના નેતાઓ ABVPના કાર્યકરોને સમજાવવામાં નિષ્ફળ ગયા.

મામલો વધુ ઉગ્ર રીતે સમગ્ર રાજ્યમાં પ્રસરી રહ્યો છે
ભાજપના રાજમાં જ એબીવીપીના વિદ્યાર્થીઓને પોલીસે દોડાવી દોડાવીને મારતાં વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ભભૂકી રહ્યો છે. ભાજપના સિનિયર નેતાઓએ દખલગીરી કરીને આ વિષયને તત્કાળ પૂર્ણ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે, પરંતુ રાજકોટ અને અમદાવાદમાં જે પ્રકારે કાર્યકરો કાર્યક્રમ આપી રહ્યા છે એ જોતાં ભાજપની જ વિદ્યાર્થી પાંખ ભાજપની અવગણના કરી રહી છે. સુરત શહેરમાં શરૂ થયેલો આ મામલો વધુ ઉગ્ર રીતે સમગ્ર રાજ્યમાં પ્રસરી રહ્યો છે. જોકે સમગ્ર મુદ્દાને લઈને ભાજપની સ્થિતિ જોવા જેવી થઈ છે. ભાજપની જ પાંખ એબીવીપી તેમના નિયંત્રણ હેઠળ ન હોય એવું દૃશ્ય ઊભું થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...