અમદાવાદ:JEE અને NEETની પરીક્ષાનો વિરોધ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 50 કાર્યકરોની અટકાયત

અમદાવાદએક વર્ષ પહેલા
મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી
  • 1 સપ્ટેમ્બરથી શરૂ થતી પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવામાં કોંગ્રેસની માગણી

JEE અને NEETની પરીક્ષા મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસંધાને આજે રાજ્યના અમદાવાદ, સુરત સહિત મુખ્ય શહેરોમાં કોંગ્રેસ અને NSUIના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે સવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત NSUIના 50 જેટલા કાર્યકરો બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા NSUIના નેતા અને કાર્યકરોની અટકાયત કરવામા આવી હતી.

કાર્યકર્તાઓની ટિંગાટોળી કરવામાં આવી હતી
કાર્યકર્તાઓની ટિંગાટોળી કરવામાં આવી હતી

જમાલપુરના કોર્પોરેટર સહિત 50ની અટકાયત
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિત 50 કાર્યકરોની અટકાયત કરી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેઓની સામે કાર્યવાહી કરવા મામલે પોલીસ અમે NSUI કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી અને NSUIએ પોલીસ સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ માગણી કરી રહી છે કે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ 1 સપ્ટેમ્બરથી શરૂ થતી પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કાર્યકરોની અટકાયત કરાઈ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કાર્યકરોની અટકાયત કરાઈ

પરીક્ષા જરૂરી પણ વિદ્યાર્થીના જીવથી વધારે નહીં
કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે પરીક્ષા લેવી જરૂરી છે પરંતુ વિદ્યાર્થીઓના જીવથી વધારે જરૂરી નથી. વડાપ્રધાન મોદીએ પોતાના મનની વાત કરી હતી, જેને દેશના લોકોએ સાંભળી હતી. હવે વિદ્યાર્થીઓ પોતાના મનની વાત કરી રહ્યા છે તેને તંત્ર સાંભળવા માટે તૈયાર નથી. કોંગ્રેસ વિદ્યાર્થીઓના મનની વાતને સમર્થન કરે છે. કોંગ્રેસ પાર્ટી સરકારને વિનંતી કરે છે કે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. અમે પરીક્ષા લેવાની ના નથી કહી રહ્યા પરંતુ હાલ તેને મોકૂફ રાખવાની માગ કરીએ છીએ. જેથી વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ન ઊભું થાય.

અન્ય સમાચારો પણ છે...