શિક્ષણના ધામમાં ધમાલ:ક્યાંક પેપર ચેકિંગમાં છબરડો, તો ક્યાંક ભરતી કૌભાંડનો આક્ષેપ; એક જ દિવસમાં અમદાવાદ, સુરત અને વડોદરાની યુનિવર્સિટીઓમાં હોબાળો

અમદાવાદ3 મહિનો પહેલા
સુરતમાં પરીક્ષા વિભાગની મોટી બેદરકારી સામે આવતાં વિદ્યાર્થીઓએ ધૂન બોલાવી હતી.
  • વડોદરામાં ભરતીમાં કૌભાંડના આક્ષેપ સાથે સેનેટ સભ્યોએ સભામાં હોબાળો કર્યો
  • અમદાવાદમાં ગુજરાત યુનિ.માં સિન્ડિકેટની બેઠકમાં NSUIના આગેવાનો ઘુસી ગયા

ગુજરાતમાં એક જ દિવસે અમદાવાદ, સુરત તથા વડોદરાની યુનિવર્સિટીઓમાં હોબાળો અને વિરોધની ઘટનાઓ બની છે. ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી તથા સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં NSUI, સેનેટ સભ્યો તથા આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ભરતીમાં કૌભાંડ, એડમિશનની બેઠક વધારવા તથા પેપર ચેકિંગમાં ગોટાળાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો.

સુરતમાં પેપર ચેકિંગમાં છબરડાથી વિરોધ
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા ઉગ્ર રીતે માગણી કરીને હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રી-એસેસમેન્ટને લઈને થયેલા છબરડાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક વિદ્યાર્થીને 8 વિષયોમાં નાપાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે રી-એસેસમેન્ટ કરાયું તો તે તમામ વિષયની અંદર પાસ થયો હતો. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ માટે શરમજનક બાબત એ છે કે, નાની સરખી ક્યારેક કોઈ ભૂલ માનવ સહજ રીતે થઈ જાય એ સ્વીકારી શકાય. આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરીક્ષા વિભાગની મોટી બેદરકારી છે, અને સંબંધિત વ્યક્તિની સામે તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ. CYSS દ્વારા આજે સમગ્ર યુનિવર્સિટીને માથે લેવામાં આવી હતી. કાર્યકરોએ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં એકત્રીત થઈને વાઇસ ચાન્સેલર અને રજીસ્ટારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાત યુનિ.માં સિન્ડીકેટની બેઠકની તસવીર
ગુજરાત યુનિ.માં સિન્ડીકેટની બેઠકની તસવીર

ગુજરાત યુનિ.માં સિન્ડીકેટ બેઠકમાં NSUIનો હોબાળો
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડીકેટ સભ્યોની બેઠક ચાલી રહી હતી. ત્યારે ચાલુ બેઠકમાં NSUIના આગેવાનોએ પહોંચીને હોબાળો કર્યો હતો. બેઠક દરમિયાન NSUIના આગેવાનો પોતાની રજૂઆત લઈને ગયા હતા જે રજૂઆત સીન્ડીકેટ બેઠકમાં હોબાળો કરીને NSUIએ રજુ કરી હતી. ચાલુ સિન્ડીકેટ બેઠકમાં વિરોધ સાથે ગ્રાન્ટેડ કોલેજમાં સીટ વધારવા માંગણી કરી હતી. ઉપરાંત NSUI દ્વારા હોસ્ટેલ રીનોવેશનના કારણે તોડી હોવાથી વિદ્યાર્થીઓને ગેસ્ટ હાઉસમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. તમામ માંગણી ના સ્વીકારવામાં આવે તો અગામી દિવસમાં ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

એમ.એસ યુનિ.માં ભરતીમાં કૌભાંડનો આક્ષેપ
વડોદરામાં એમ.એસ યુનિવર્સિટીની સિન્ડીકેટ સભામાં સભ્યો હંગામો કર્યો હતો. ભરતી કૌભાંડ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સભ્યોએ ચાલુ સભામાં હોબાળો કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એમ.એસ. યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે જણાવ્યું હતું કે, કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં પારદર્શકતા જરૂરી છે. તપાસ દરમિયાન ખોટું થયાનું જણાશે તો કોઈ પણ વ્યક્તિ હશે,તેની સામે પગલા લઇશું.