હવે ભૂલ ભારે પડશે:અમદાવાદ શહેરમાં રૂ. 400 કરોડના રોડ ધોવાણ મામલે AMCના 23 અધિકારીઓ સામે કાર્યવાહી, 4થી6 ઇન્ક્રીમેન્ટ સુધીનો દંડ કરાશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • અધિકારીઓને વધુમાં વધુ 3 લાખ સુધીનો દંડ કરવામાં આવશે
  • અગાઉ એન્જિનિયરિંગ ખાતાના 87 ઇજનેરને નાની-મોટી સજા કરવામાં આવી હતી

વર્ષ 2017માં અમદાવાદ શહેરમાં રૂ.400 કરોડનાં રોડ તુટવાના કૌભાંડ મામલે કુલ 23 અધિકારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ આજે તમામ અધિકારીઓને ફાઇનલ શો-કોઝ નોટિસ ફટકારી છે. 23 અધિકારીઓના 4થી 6 જેટલા ઇન્ક્રીમેન્ટ જેટલી રકમ રોકી તેટલો દંડ કરવામાં આવશે. વધુમાં વધુ 3 લાખ સુધીનો તેઓને દંડ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે અગાઉ એન્જિનિયરિંગ ખાતાના 87 જેટલા ઇજનેરને નાની મોટી સજા કરવામાં આવી હતી. આજે કમિશનર દ્વારા 23 અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

ફાઇનલ શો-કોઝ નોટિસ અપાઈ
રોડ કૌભાંડમાં ત્રણ એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત ચાર ડેપ્યુટી સિટી ઈજનેર, સાત આસીસ્ટન્ટ સિટી ઈજનેર ઉપરાંત નવ આસીસ્ટન્ટ સિટી ઈજનેર મળી કુલ 23 લોકોને ચાર્જશીટ આપવામાં આવી હતી. આ પ્રકરણમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ હતી જે પુરી થઈ ગઈ છે. આ તપાસ પૂર્ણ થયા બાદ તેમનાં સામે કોઈ પગલાં લેવાયા ન હતાં. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો બદલાતાં ફરી આ કૌભાંડ મામલે ચર્ચા બાદ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિમાં આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેઓને આજે દંડની સજા સાથેની ફાઇનલ શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.

ભ્રષ્ટ અને ગેરરીતિ કરતાં અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે
બીજી તરફ કોંગ્રેસ પક્ષના નેતા સેજાદ ખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે અધિકારીઓ સામે માત્ર ઇન્ક્રિમેન્ટ રોકાઈ અને દંડની કાર્યવાહી યોગ્ય નથી આ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. સસ્પેન્ડ અને ફરજ મોકુફી જેવા કડક પગલાં લઇ અને દાખલો બેસાડવો જોઈએ કે આવા ભ્રષ્ટ અને ગેરરીતિ કરતાં અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.

400 કરોડના રસ્તા ધોવાઈ ગયા હતા
સૂત્રો મુજબ વર્ષ-2017ના વર્ષમાં જુલાઈ- ઓગસ્ટ મહિનામાં શહેરમાં ભારે વરસાદ આવતા સાત ઝોનના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને 400 કરોડના બનાવવામાં આવેલા રસ્તા ધોવાઈ ગયા હતા. જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા રોડ તુટવા મામલે જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે કડક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સ તપાસના અંતે જેબટે સમયે ફરજ બજાવતાં ત્રણ એડીશનલ સિટી ઈજનેર સહિત ઈજનેર વિભાગ અને રોડ પ્રોજેકટ વિભાગના કુલ મળીને 23 અધિકારીઓને તેમની બેદરકારી બદલ ચાર્જશીટ આપવામાં આવી હતી.

આ રીતે અધિકારીઓને ચાર્જ સીટ આપવામાં આવતા તેઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ પણ સોંપાઈ ગયો હતો. ત્રણ એડીશનલ સિટી ઈજનેર જેમાં રાખીબહેન ત્રિવેદી ઉપરાંત એચ.ટી.મહેતા અને અમિત પટેલનો સમાવેશ થાય છે એમને એ સમયના મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાહત અપાઈ હતી. આ એડીશનલ સિટી ઈજનેરોને બે લાખ સુધીનો દંડ કરવામાં આવ્યો હતો.પી.એ.પટેલ એડીશનલ સીટી ઈજનેરના ચાર્જમાં હતા એમને પણ દંડ કરવામાં આવ્યો હતો.

ક્યાં ક્યાં અધિકારીઓ સામે કાર્યવાહી

એડિશનલ સીટી ઇજનેર

- હિતેશ કોન્ટ્રાકટર - હરપાલસિંહ ઝાલા - એન.કે. મોદી (નિવૃત્ત)

ડેપ્યુટી સીટી ઈજનેર

- પરેશ પટેલ - સંજય સુથાર - પ્રણય શાહ - મનોજ સોલંકી

આસિસ્ટન્ટ સીટી ઈજનેર

- હિરેન બારોટ - અમિત પટેલ - મહેશ પટેલ - પ્રકાશ વિંઝુડા - મનોજ મજુમદાર - મીનેશ શાહ - મેહુલ એસ ખરાડી

આસિસ્ટન્ટ ઈજનેર

- કૃણાલ ગજ્જર - સુભાષ પટેલ - ભરત વઘાડિયા - પરિમલ પટેલ - દીપેશ ચૌહાણ - પ્રગનેશ પંચાલ - હિમાંશુ પંડ્યા - રોહન મિસ્ત્રી - સુરેશ દત્ત

દોષિત અધિકારીઓ હાઈકોર્ટમાં જઈ શકે
હાલ મ્યુનિ. કમિશનર દ્વારા તમામ 23 ઇજનેરોને તેમના 4 થી 6 ઇન્ક્રીમેન્ટ રોકવાની સજા આપી છે. ત્યારે હવે ઇજનેરો કારણદર્શક નોટિસનો જવાબ આપશે. તેઓ પોતાની સજા ઘટાડવા અથવા તો તેમની સામે થયેલી સજાનો ઇન્કાર કરવા સહિતની જોગવાઇ છે. તેઓ કારણદર્શક નોટિસ સામે કમિશનર સમક્ષ રજૂઆત કરે પછી કમિશનર આખરી હુકમમાં સજા સ્પષ્ટ કરશે.

કમિશનર દ્વારા હાલ આપવામાં આવેલી કારણદર્શક નોટિસમાં જણાવેલા ઇન્ક્રીમેન્ટ કાપી લેવામાં વધારો કે ઘટાડો પણ કરી શકે છે. જો પછી આ સજાથી અધિકારીઓ- કર્મચારીઓ નાખુશ કે નામંજૂર હોય તો તેઓ હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરીને તેમની સજાને પડકારી શકે છે.

નિવૃત્ત અધિકારી પાસેથી રિકવરી આવી શકે
સિટી ઇજનેર તરીકે નિવૃત્ત થયેલા નરેન્દ્ર મોદીને પણ દોષિત ઠેરવી કારણદર્શક નોટિસ અપાઈ છે. ત્યારે તેમના મ્યુનિ.માં બાકી લેણાંમાંથી નાણાકીય કપાત કરી શકાય અથવા તેમને રકમ જમા કરાવવા નિર્દેશ આપી શકાય.

વિજિલન્સ અધિકારી હાજર ન રહ્યા, તપાસ પંચે ક્લિનચીટ આપી, કાર્યવાહી બતાવવા ટોકન સજા
રોડ કૌભાંડમાં અગાઉ નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદીએ તપાસ કરી અહેવાલ 22 સપ્ટેમ્બર 2021ના રોજ કમિશનરને સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જજે પુરાવાના અભાવે તમામ નિર્દોષ હોવાનો રિપોર્ટ કર્યો હતો. જો કે, જજ ત્રિવેદીએ રિપોર્ટમાં એવી પણ નોંધ મૂકી હોવાનું જાણવા મળ્યું છે કે, વિજિલન્સ વિભાગના અધિકારીઓએ 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. જોકે તે ચાર્જશીટ કયા પુરાવાના આધારે તૈયાર કરી તેની જુબાની આપવા માટે તપાસ પંચે વારંવાર બોલાવવા છતાં વિજિલન્સ વિભાગના અધિકારીઓને જુબાની આપવા આવ્યા ન હતા.

વિજિલન્સના તે સમયના તપાસ અધિકારીઓ જવાબ આપવા નહીં આવતા આ તપાસમાં પુરાવા નહીં મળવાને કારણે જજે તમામ ઈજનેર નિર્દોષ હોવાનો અહેવાલ રજૂ કરવો પડ્યો હતો. આ ઘટના જ સ્પષ્ટ કરે છેકે, અધિકારીઓને બચાવવા માટે માત્ર ઉચ્ચ અધિકારીઓ જ નહી પણ રાજકીય પક્ષોએ ભારે રસ દાખવ્યો હતો. જેથી આ વિજિલન્સ અધિકારીઓએ જજ સમક્ષ જુબાની આપવાની તસ્દી લીધી ન હતી. જજના રિપોર્ટને પણ બાજુએ મુકીને આ પ્રકરણમાં કમિશનરે સજા નક્કી કરી છે.

તૂટેલા રોડમાં પણ ઓછો ડામર વપરાયાનું લેબમાં પૂરવાર થયું અને કોન્ટ્રાક્ટરોને પૂરેપૂરું પેમેન્ટ ચૂકવાયું,પણ બોગસ બિલની તપાસ ન થઈ
2017માં ચોમાસામાં શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં મોટાભાગના રોડ તૂટી ગયા હતા. ભારે વિવાદ પછી આ અંગે વિજિલન્સ તપાસ સોંપી હતી. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના તત્કાલીન ચેરમેન જતીન પટેલે ડામરના બોગસ બિલથી બારોબાર કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરાયાના પુરાવા આપ્યા હતા.

બે બોગસ બિલ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. વિજિલન્સે જુદા જુદા રોડમાં વપરાયેલા ડામરના સેમ્પલ લઈ લેબ તપાસ કરાવી હતી. જેમાં રોડમાં ઓછો ડામર વાપર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે 23 સિનિયર એન્જિનિયર સહિતના અધિકારીઓને નોટિસ અપાઈ હતી. પરંતુ આ નોટિસ માત્ર તૂટેલા રોડ સંદર્ભે જ હતી. સવાલ એ છે કે, ડામર ઓછો વપરાયો હતો તો કોન્ટ્રાક્ટરોને ડામરના પૂરેપૂરા બિલ કેવી રીતે ચૂકવાઈ ગયા? આનો સીધો અર્થ એ છે કે, જે રોડ તૂટ્યા તેમાં પણ ડામરના બોગસ બિલો રજૂ થયા હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...