વિશેષ ટીપ્પણી:દારુબંધીની ‘સ્વઘોષિત રાષ્ટ્રીય ઉપલબ્ધિ’ ખુલ્લી પડી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ રવાળા, રોજિદાનો માતમ... સરકાર તમે છુપાવી નહીં શકો. આ ઘટનાએ દારૂબંધીની તમારી ‘સ્વઘોષિત રાષ્ટ્રીય ઉપલબ્ધિ’ને ઉઘાડી પાડી દીધી છે. મોતના આ ભયાવહ ખેલ માટે માત્ર અને માત્ર તમારી સરકાર જવાબદાર છે, તમારું પોલીસ તંત્ર જવાબદાર છે. આ ઘટના અચાનક નથી બની. મહિનાઓ, વરસોથી મીડિયા વારંવાર તમને જણાવે છે કે જુઓ, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પણ તમે એને કેવી રીતે જુઓ છો? રાજ્યમાં દારૂનો વેપલો 25થી 27 હજાર કરોડ રૂપિયાનો થઈ ચૂક્યો છે.

20 લાખ લોકો દારૂના બંધાણી છે. શરાબના કારણે જ બે દિવસ પહેલા એક પિતાએ સગા પુત્રના ટુકડે ટુકડા કરી દીધા હતા. આ તમામ ઘટનાઓ તમારા સુધી પહોંચી જ હશે. પણ પોતાની દરેક ભૂલ, ખામીને વિરોધ પક્ષનું કાવતરું કે મીડિયાનો એજન્ડા ગણાવી દેવાની તમને લત છે. જે સાચું બોલે એને તમે અને તમારા મંત્રી ગુજરાતના વિરોધી કહેવા લાગે છે. ગુજરાત છોડીને જતા રહેવાનું કહેવાય છે. આખરે ક્યાં સુધી સત્યથી દૂર ભાગતા રહેશો. 48 કલાક પહેલાં જ્યારે તમારી જ પાર્ટીના એક જિલ્લા અધ્યક્ષ નશામાં ધૂત થઈને લથડિયા ખાઈ રહ્યાં હતા, મહિલા મંત્રીની પીઠ પર હાથ મારી રહ્યા હતા ત્યારે તમે શું કર્યું? માત્ર તેનું રાજીનામું માગી લેવાયું. શું આટલું પૂરતું હતું? આવા અગણિત સમાચારો તમારી પાસે આવે છે જે દર્શાવે છે કે કેવી રીતે દારૂના ગેરકાયદે ધંધામાં નેતાઓ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સામેલ છે. પણ તમે ક્યારેયપગલાં ભર્યાં?

નાનામાં નાની વાતે ટ્વીટ કરીને શ્રેય લેવાવાળા તમારા ટ્વિટરબાજ મંત્રી અટલી મોટી ઘટના પર કેમ ચૂપ છે? શું આવી ઘટના બિન-ભાજપ શાસિત રાજ્યમાં ઘટી હોત તો તમે આવું જ મૌન રાખતા? બે મંત્રીઓને ગામમાં ફરવા મોકલી દેવા, બચાવ માટે પોલીસને આગળ કરી દેવી, દેખાડો કરવા માટે બે-પાંચ લોકોની ધરપકડ કરવી અને થોડા રૂપિયાનું વળતર જાહેર કરવું એટલો જ તમારો રાજધર્મ છે? હવે ગુજરાત તમારી પાસે દારૂના આ ગેરકાયદે ધંધા વિરુદ્ધ એક્શનની અપેક્ષા રાખે છે, દેખાડાની નહીં. તૂટી પડો આવા સમાજદ્રોહીઓ પર. કાર્યવાહી કરો. જનહિતમાં ઉઠાવવામાં આવેલા દરેક પગલાંમાં દિવ્ય ભાસ્કર તમારી પડખે રહેશે.

અન્ય સમાચારો પણ છે...