અમદાવાદમાં કોરોનાનો કહેર:10 દિવસમાં 5,634 કેસ છતાં કાર્યક્રમો ચાલુ, એક જ દિવસમાં ભાજપના 40 નેતા-કાર્યકરો પોઝિટિવ આવતાં કાર્યક્રમો રદ કર્યાં

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં આ વખતે કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે. મ્યુનિ.એ હવે ટેસ્ટિંગ વધારી દીધું છે. - Divya Bhaskar
પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં આ વખતે કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે. મ્યુનિ.એ હવે ટેસ્ટિંગ વધારી દીધું છે.
 • 18 દિવસમાં જ કોરોનાના કેસમાં 100 ગણો ઉછાળો આવ્યો, 19 ડિસેમ્બરે માત્ર 18 કેસ હતા
 • લોકો માટે 400ની મર્યાદા પણ સંત સંમેલનમાં ભાજપના 16 હજાર કાર્યકર ભેગા થયા હતા

છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ 5,634 કેસ નોંધાયા હતા. આમ છતાં સરકાર વાઈબ્રન્ટ, ફ્લાવર-શો, કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમ બંધ રાખવા અંગે એક શબ્દ પણ બોલતી ન હતી. જો કે, ભાજપના 40 નેતા-કાર્યકર પોઝિટિવ આવતાં એકાએક તમામ કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ પર મંગળવારે યોજાયેલા સંત સંમેલનમાં ભાગ લેનારા શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, શહેર ભાજપ ઉપપ્રમુખ દર્શન ઠાકર તેમજ અન્ય કાર્યકર મળી 40ને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમિત શાહ અને ભૂષણ ભટ્ટે રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેમને ફરીથી કોરોના થયો છે. હાલ બંનેને એસવીપીમાં દાખલ કરાયા છે. પ્રસંગોમાં માત્ર 400 લોકોને ભેગા થવાની મર્યાદા છે પરંતુ સંત સંમેલનમાં ભાજપના 16 હજારથી વધુ કાર્યકરો એકઠા થયા હતા.

છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 1835 કેસ નોંધાયા છે. માત્ર 18 દિવસમાં કોરોનાના કેસમાં 100 ગણો વધારો થયો છે. 19 ડિસેમ્બરે માત્ર 18 કેસ હતા.ગુરુવારે નોંધાયેલા કેસમાંથી 1400થી વધુ પશ્ચિમના વિસ્તારોમાંથી આવ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, જૂન પછી પહેલીવાર 541 દર્દી સાજા થયા છે. શહેરમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધી નોંધાયેલા ઓમિક્રોનના 93 કેસમાંથી 75 દર્દીને રજા આપી દેવામાં આવી છે.

સાણંદમાં 15 સહિત જિલ્લામાં વધુ 27 કેસ
અમદાવાદ જિલ્લામાં સાણંદના 15 સહિત કોરોના કુલ 27 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 7134 થયો છે. અત્યાર સુધીમાં 96 મોત થયા છે. ગુરૂવારે નોંધાયેલા કેસમાં સાણંદ બાદ દસ્ક્રોઇમાં 7, માંડલ 1, વિરમગામમાં 4 કેસ નોંધાયા છે. રોજના 1500થી વધારે આરટીપીઆર ટેસ્ટ થાય છે. સાથો સાથ સર્વેલન્સની કામગીરી પણ વધારી દેવાઇ છે. જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક કક્ષાએ હજી પણ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. બાળકોને રસી આપવાના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ફોટા પડાવવા પહોંચી જતા હોવાથી તેનો પણ વિરોધ થયો છે. જિલ્લામાં 15થી 18 વર્ષના નોંધાયેલા 1,05,568માંથી ગુરૂવારે 11 હજારને વેક્સિન અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ 60 હજાર કિશોરને વેક્સિન અપાઇ છે. 7 જાન્યુઆરીના રોજ વિવિધ સ્કૂલો, જાહેર સ્થળોએ બાળકોના વેક્સિન માટે મેગા ડ્રાઇવ યોજાશે.

આ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા

 • અમિત શાહ (શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ મેયર)
 • દર્શન ઠાકર (શહેર ભાજપ ઉપપ્રમુખ)
 • ભૂષણ ભટ્ટ (શહેર મહામંત્રી, પૂર્વ ધારાસભ્ય)
 • પરેશ લાખાણી (શહેર ભાજપ મહામંત્રી)
 • મહેશ ઠક્કર (શહેર ભાજપ કોષાધ્યક્ષ)

કન્ટેઈનમેન્ટમાં મુકાયેલા 16માંથી 10 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના
કેસની સમીક્ષાને આધારે ગુરુવારે 16 વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યા છે. જેમાં ઉ.પશ્ચિમ ઝોનના 2 વિસ્તાર, પશ્ચિમ ઝોનના 3 અને ઉ.પશ્ચિમ ઝોનના 5 વિસ્તારો મળી કુલ 10 વિસ્તાર તો માત્ર શહેરના પશ્ચિમના વિસ્તારોના છે. માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાંથી લોકો બહાર ન આવે, યોગ્ય પાલન કરે તે માટે મ્યુનિ. ત્યાં ટીમ મુકશે. જેથી માઇક્રો કન્ટેઇન્ટમેન્ટના નિયમોનો કોઇ ભંગ ન કરે. કન્ટેઈનમેન્ટમાં મુકાયેલા વિસ્તારમાંથી કોઈ બહાર ફરતો પકડાય તો મ્યુનિ. હવે પોલીસ ફરિયાદ કરે છે. સોસાયટીમાં જો મકાન, ફ્લેટ, કોમ્પ્લેક્સ માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવે તો સભ્યો તેની ગાઇડલાઇન અનુસરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

મણિનગરના બે વિસ્તાર પણ કન્ટેઈનમેન્ટમાં મુકાયા

 • સન સાઉથ પાર્ક, સોબો સેન્ટર, જોધપુર, 6 ઠ્ઠો માળ
 • કવિશા પેનોરમા, સરખેજ, બી બ્લોક 801-804, ડી બ્લોક,601થી 604
 • સોનારિકા એપાર્ટમેન્ટ, નવરંગપુરા બી1 થી3
 • અયોધ્યાનગર સોસાયટી, ઉસ્માનપુરા ઇ 5 થી7
 • આદિત્ય અત્રીક્ષ, ચાંદખેડા, બી 101 થી 104
 • મૃદુલ સીટાડેલ, વસ્ત્રાપુર, બંગલા નં.11 અને 12
 • ગોયલ પાર્ક રો હાઉસ, બોડકદેવ ઘર નં. 114,115
 • મેપલ ટ્રી, થલતેજ, 3 થી 5 માળ ડી બ્લોક
 • આર્યન ઓપ્યુલન્સ, બોપલ 5,12,17 અને 20મો માળ બી બ્લોક
 • શાલીગ્રામ પ્લસ, બોડકદેવ 1 થી 5 માળ બી બ્લોક
 • શિલાલેખ, શાહીબાગ, 8મો માળ કે બ્લોક
 • સુરોહી ડુપ્લેક્સ-3, ભવાની ચોક, નિકોલ, ઘર નં. 49 થી 52
 • દર્શન બંગલોઝ, શ્રીરામ પાર્ક, નિકોલ, ઘર નં. 9,10, 18 અને 19
 • અનુપમ એવન્યુ, શ્રીનગર સોસાયટી, ભૈરવનાથ રોડ, મણિનગર
 • નૂર એપાર્ટમેન્ટ, કાંકરિયા, મણિનગર એ1 થી4
 • સ્પંદન ફ્લેટ, પ્રાણશંકર હોલ પાસે કાંકરિયા, 1 થી10
અન્ય સમાચારો પણ છે...