સાંભળો છો 'સરકાર’?:કહેવા માટે પ્રોફેસર, લોકોને લાગે જલસા, પણ કોલેજમાં છોકરા ભણાવવાની સાથે સાથે 50 બીજાં સરકારી કામોનાં વૈતરાં કરવાનાં!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • રાજ્યના અધ્યાપકોના પડતર પ્રશ્નો 20 વર્ષથી પેન્ડિંગ
  • દર મહિને એકવાર રજૂઆત છતાં સરકારના પેટનું પાણી હલતું નથી

રાજ્યના અનેક સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી સરકારથી નારાજ છે. અત્યારે તમામ કર્મચારીઓનો મુખ્ય પ્રશ્ન જૂની પેન્શન યોજનાનો અમલ કરવાનો છે. આ ઉપરાંત અલગ-અલગ વિભાગમાં અલગ પ્રશ્નો અનેક વર્ષોથી પેન્ડિંગ છે, જે અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરાતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને શિક્ષકો પડતર માગણીઓને લઈ અનેક રજૂઆતો કરી રહ્યા છે.

વારંવાર રજૂઆતો છતાં 20 વર્ષથી પ્રશ્નો પેન્ડિંગ
રાજ્યમાં સરકારી સ્કૂલ કોલેજમાં અલગ અલગ મંડળ ચાલી રહ્યાં છે. આ મંડળ દ્વારા શિક્ષકો તથા અધ્યાપકો એક નેજા હેઠળ ભેગા થાય છે અને તેમની સમસ્યા તથા માગણીઓ મૂકે છે, જે તેમના વતી આ મંડળના હોદ્દેદારો સરકાર સુધી રજૂઆત કરે છે, ત્યારે કોલેજમાં અભ્યાસ કરાવતા અધ્યાપકો માટે પણ અલગ અલગ મંડળ છે, જેમાં રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપક મંડળ દ્વારા તમામ અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. એમાં કેટલાક પ્રશ્નો 20 વર્ષથી પેન્ડિંગ છે, કેટલી વખત રજૂઆત કરી છે તથા અધ્યાપકો પાસે શિક્ષણ સિવાયની કઈ કઈ કામગીરી કરવામાં આવે છે જેવા મુદ્દાઓ સમાવી લેવામાં આવ્યા હતા.

અમારા હક માટે રજૂઆત કરીએ છીએ છતાં હક મળ્યો નથીઃ અધ્યાપકમંડળ
આ અંગે ગુજરાત રાજ્ય સરકારી એન્જિનિયરિંગ કોલેજ અધ્યાપકમંડળના મહામંત્રી પંકજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે અમારા પડતર પ્રશ્નોને લઈને વર્ષોથી રજૂઆત કરીએ છીએ છતાં આજ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. અમારી પાસે શિક્ષણ સિવાયની પણ અન્ય કામગીરી કરાવવામાં આવે છે છતાં અમે કરીએ છીએ. સરકાર દ્વારા જે કામ સોંપવામાં આવે એ તમામ અધ્યાપકો કરી રહ્યા છે, પરંતુ અમે અમારા હક માટે રજૂઆત કરીએ છીએ છતાં અમને અમારો હક મળ્યો નથી. રાજ્યના હજારો અધ્યાપકોને સ્પર્શતો પ્રશ્ન છે, જે બાબતે શિક્ષણ વિભાગ તથા સરકારે વિચારવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...