ઉત્તરાયણ અપડેટ:પતંગ બજારમાં ઉત્પાદન 30% ઘટ્યું પણ ભાવ 20% વધતા લેબરમાં 50% વધારો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંગનું લેબર કોસ્ટ 40 રૂ.થી વધીને 100 રૂ. થતાં હોલસેલના ભાવમા 1 હજાર પતંગનો ભાવ 4 હજાર સુધી પહોંચી જતાં પતંગરસિયાઓને ઉત્તરાયણ મોંઘી પડશે

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જમાલપુરની આસપાસના 500 જેટલા નાના-મોટા યુનિટોમાં 10 હજારથી પણ વધુ લોકો પતંગ બનાવવાની તડામાર કામગીરીમાં લાગી ગયા છે. બજારમાં પણ અમદાવાદીઓની ચહેલપહેલ શરૂ થતા સિટી ભાસ્કરે ટંકશાળ,દિલ્હી ચકલા, કાલુુપુર, મણિનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પતંગ બજારના વેપારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, રોજના 5,000થી વધુ પતંગ લે-વેચની શરૂઆત થઇ ચુકી છે.

આ વર્ષે ડિમાન્ડ દરવર્ષની સરખામણીએ ઓછી છે પણ તેમને આશા છે કે છેલ્લા અઠવાડિયે ડિમાન્ડ વધી શકે છે. રાત્રિ કર્ફ્યૂ તેમજ પેટ્રોલના અને કાગળના ભાવ વધારાની અસર આ પતંગના ઉત્પાદન પર પડી છે અને તેનું ઉત્પાદન 30 ટકા ઓછું થયંુ છે. તો બીજી તરફ પતંગના ભાવમાં 20 ટકાનો વધારો થતા મજૂરીમાં 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જેથી પતંગરસિયાઓ માટે ઉત્તરાયણ મોંઘી સાબિત થઈ શકે છે.

પેપર કટિંગ માટે લેબર 40થી વધી 100 રૂ. થયું
પતંગ વ્યવસાય સાથે સંકળાયેલ આ અમારી ચોથી પેઢી છે.પતંગ માટે પેપરમાંથી કટિંગના કામ માટે અગાઉ 40 રૂપિયામાં 1 હજાર પતંગ માટે કટિંગ થતું જે મજૂરી હવે 100 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ બોર્ડર પર લગાવાતી દોરીની મજૂરી જે હજાર પતંગે 250 રૂપિયા હતી એ 500 થઈ છે. જેના લીધે હોલસેલમાં 1 હજાર પતંગનો ભાવ 4 હજાર જેટલો થઈ ગયો છે. જે અગાઉ 3 હજાર હતો. > યુસુફ રંગરેજ, આગેવાન,જમાલપુર પતંગ બજાર

ગાઈડલાઈનને લઈને ઉત્પાદન 30 ટકા ઓછું થાય છે
હાલ કોરોનાની ગાઈડલાઈનને લઈને યુનિટો મોડી રાત સુધી ચલાવી શકાતા નથી અને 10 વાગ્યાથી કામ બંધ કરવાની શરૂઆત કરવી પડે છે. જેને લઈને ઉત્પાદન 30 ટકા ઓછું થાય છે. જો ગાઈડલાઈનમાં પતંગ બનાવતા કારીગરોને છૂટ મળે તો અમે વધારે પતંગોનો ઓર્ડર આપી શકીએ. - શોહેબ શેખ, પતંગ બિઝનેસમેન

મજૂરી 1,500થી વધી 2,500 સુધી થઈ
પહેલા 1 હજાર પતંગ બનાવવા માટે 1,500 રૂપિયા મજૂરી થતી હતી જે હવે 2,500 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. બહેનો હવે વધારે મહેનતાણુ માગે છે જેની અસર જથ્થાબંધ પતંગના બિઝનેસ પર પડી છે. - ઇલ્યાસભાઈ પતંગવાળા, પતંગ બિઝનેસમેન

અન્ય સમાચારો પણ છે...