આશ્રમ રોડ ખાતેની એક કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનો વિશ્વાસ કેળવી ત્રણ વ્યક્તિઓએ રોકાણ પહેલા પ્રોસેસિંગ ફી પેટે રૂ.56.36 લાખ મેળવી લીધા હતા. બાદમાં આ ત્રણેયે કંપનીમાં રોકાણ ન કરી પ્રોસેસિંગ ફી પેટે લીધેલા પૈસા પરત ન ચૂકવી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. આ મામલે કંપનીના ચીફ ફાઈનાન્સ ઓફિસરે ક્રાઈમ બ્રાંચમાંં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડામાં રહેતા અને આશ્રમ રોડ પાસે આવેલા રીદ્ધિ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ કંપનીમાં ચીફ ફાઈનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસ પહેલા મોહમ્મદ સદન અંસારી નામના યુવકે કંપનીમાં ફોન કરીને ઈન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી હતી. બાદમાં મોહમ્મદ સદન અંસારીએ તેના માણસ પ્રશાંત કુલક્ષેત્ર તથા રાહુલ નામના યુવકને કંપનીમાં રૂબરૂ મળવા માટે મોકલ્યા હતા. તેમણે કંપનીની શરતો સમજાવતા તેઓએ કંપનીમાં રોકાણ કરવા સંમતી દર્શાવી હતી, એટલું જ નહીં નાણાં રોકતા પહેલા પ્રોસેસિંગ ફી પેટે રૂ.56.36 લાખ અમને ચૂકવવા પડશે તેમ જણાવીને તેમણે મોહમ્મદ સદન સાથે વાત કરવા જણાવ્યું હતુ. જેથી મોહમ્મદે પણ મોટું રોકાણ કરવાની વાત કરી હતી અને રોકાણ પહેલા પ્રોસેસિંગ ફી આપશો ત્યાર પછી અમે રોકાણ કરીશું તેમ કહ્યું હતું.
જેથી હાર્દિક ભાવસાર તથા કંપનીના ડાયરેક્ટરે અલગ અલગ ટ્રાન્જેક્શન તથા આરટીજીએસ મારફતે કુલ રૂ.56.36 લાખ રૂપિયા પ્રોસેસિંગ ફી પેટે ચૂકવ્યા હતા. જે પછી મોહમ્મદ અંસારીએ એક ચેક આપ્યો હતો, જે બેંકમાં ભરતા ચેક રિર્ટન થયો હતો. જેથી તેઓએ કંપનીના શેર ખરીદવા તથા રોકાણ કરવાનું કહેતા ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા. રૂ.56.36 લાખ પરત માગતા ત્રણેય પૈસા પરત આપ્યા ન હતા. આ મામલે મોહંમદ સદન અંસારી, પ્રશાંત કુલક્ષેત્ર અને રાહુલ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.