વિદ્યાર્થીઓ તૈયાર રહેજો:ગુજકેટ-2021ની પરીક્ષા માટે 23 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે, તારીખ પછી જાહેર થશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ઓનલાઈન ભરી શકાશે

ગુજરાત બોર્ડના ધો. 12ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ www.gseb.org પર મૂકવામાં આવી છે. ચાર દિવસ પહેલા જ ભાસ્કર દ્વારા આ વિશે સ્ટોરી કરી હતી, જેમાં ધો.12 સાયન્સના પરિણામ વિશે વિગતવાર અને GUJCET-JEEની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે સરકાર સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ GUJCET-JEEની પરીક્ષા લેવા પર સરકારને સ્પષ્ટતા કરવા અંગે ભાસ્કરનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

23 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ઉમેદવારો ગુજકેટ-2021ની પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 23 જૂનથી 30 જૂન 2021 સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. આ માટે ઉમેદવારે 300 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. જેને ઓનલાઈન અથવા દેશની કોઇપણ SBI બ્રાન્ચમાં જઈને ભરી શકાશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ગુજકેટની પરીક્ષા ફીમાં માફી આપવા વાલીઓની રજૂઆત
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A ગૃપના વિદ્યાર્થીઓ પાસે 850 અને B ગ્રુપના વિદ્યાર્થીઓ પાસે રૂપિયા 950 પરીક્ષા ફી લેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીનીઓ પાસે ફી લેવામાં આવેલ નથી. વાલીઓની માંગ છે કે બોર્ડ દ્વારા પરીક્ષા ફી લેવામાં આવી છે પરંતુ પરીક્ષા લેવામાં આવી નથી તો હવે ગુજકેટ પરીક્ષા માટે નક્કી કરેલ રૂપિયા 300 ફી રેગ્યુલર વિદ્યાર્થીઓને માફ આપવામાં આવે.

ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરાઈ
ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થી અલગથી પરીક્ષા આપી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રીલિઝ કરેલી અખબારી યાદીમાં જણાવ્યું કે, ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા
તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

ધો.12ના પરિણામ માટે વિષય મુજબ બોર્ડની ગાઈડલાઈન
આ પહેલા શનિવાર(19 જૂન)ના રોજ ગુજરાત બોર્ડે વિદ્યાર્થીઓની સરળતા માટે માધ્યમ પ્રમાણેના વિષયો અને તેની સાથે ધો.10ના કયા વિષયને જોડવામાં આવશે તેની સંપૂર્ણ યાદી આ સાથે જાહેર કરી છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના 20 વિષયો, સામાન્ય પ્રવાહના 29 વિષયો ધો.10ના કયા વિષયોને આધાર તરીકે લેવા તેની સંપૂર્ણ સ્પષ્ટતા પરિપત્રમાં કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને કારણે રાજ્ય સરકારે ધોરણ 10 ઉપરાંત ધોરણ 12માં પણ માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.

કેમિસ્ટ્રી-ફિઝિક્સ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના માર્ક ગણતરીમાં લેવાશે

  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ -એ ના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધો.10માં ગણિતના વિષયમાં મેળવેલા ગુણ ધ્યાને લેવાશે
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-બીના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાને લેવાશે.
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ - એબીના વિદ્યાર્થીઓને ગણિતના ગુણ માટે ધો.10ના ગણિતના ગુણ ધ્યાને લેવાશે. જ્યારે જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાનના ગુણ ધ્યાને લેવાશે.
  • ધો.12 રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન માટેના ગુણ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના સરેરાશ ગુણને ધ્યાને લેવાશે.
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધો.10ની પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધ્યાને લેવાશે.
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

પ્રેક્ટિકલના માર્ક માટે આ ફોર્મ્યુલા
ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના ગુણમાં વિદ્યાર્થીએ ધો.11 અને 12ના વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિ ધ્યાને લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ આપવાના રહેશે.