ગેસ્ટ એડિટરની કલમે:સમસ્યાઓ ક્યારેય કાયમી હોતી નથી, બસ આપણે એનો સામનો જ કરવાનો હોય છેઃ ભાવિના પટેલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ એડિટર - ભાવિના પટેલ, પેરાલિમ્પિક્સ, રજતચંદ્રક વિજેતા ખેલાડી - Divya Bhaskar
ગેસ્ટ એડિટર - ભાવિના પટેલ, પેરાલિમ્પિક્સ, રજતચંદ્રક વિજેતા ખેલાડી

121 વર્ષના ભારતના ઓલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતીય ખેલાડીઓએ જેટલા ચંદ્રકો પ્રાપ્ત કર્યા નથી એટલા આ વખતે ટોક્યો ખાતે યોજાયેલી પેરાલિમ્પિક્સમાં દિવ્યાંગ ખેલાડીઓએ ચંદ્રકોનો ઢગલો કરીને અભૂતપૂર્વ ઈતિહાસ સર્જ્યો છે. આ ઇતિહાસનો હું એક ભાગ બની એનો મને વિશેષ આનંદ છે. મારે આ માધ્યમ થકી એટલું જ ધ્યાન દોરવું છે કે સમાજે એ વાત સમજવાનો અને સ્વીકારવાનો સમય આવી ગયો છે કે દિવ્યાંગ વ્યક્તિઓને ખરેખર તો સમાજમાં દયાની નજરે નહીં, પણ સન્માનની નજરે જોવાની જરૂર છે. દિવ્યાંગનું પણ આત્મસન્માન હોય છે.

વ્યક્તિ બધી જ રીતે નોર્મલ હોય કે શારીરિક-માનસિક મર્યાદાઓ ધરાવતી હોય પણ દરેકે એ યાદ રાખવાનું છે કે જીવનમાં સંઘર્ષ ક્યારેય કાયમી નથી રહેતો, જ્યારે પણ કોઇ તકલીફ કે આફત આવી પડે એ કંઇક શીખવાડીને જાય છે. આપણો આત્મવિશ્વાસ બુલંદ બનાવીને આવી પડેલી સમસ્યાઓનો બસ! સામનો કરવાનો હોય છે. ઉકેલ તો પછી આપોઆપ જડી આવે છે. પ્રચંડ આત્મવિશ્વાસ એ તમારી દરેક મહત્ત્વાકાંક્ષા કે સિદ્ધિને પ્રાપ્ત કરવાની એકમાત્ર ચાવી છે. મોટાં સપનાં જોતાં ક્યારેય ડરવું ન જોઈએ. આપણા ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડો. એ. પી. જે. અબ્દુલ કલામે સરસ વાત કરી છે કે, ‘જીવનમાં નાનાં સપનાં જોવા એ ગુનો છે, આવો અપરાધ કદી કોઇએ કરવો ન જોઇએ.’

આપણે સહુએ એટલું યાદ રાખવું કે કોઈ પણ શારીરિક ખોડખાંપણ તમારાં દૃઢ મનોબળ સામે તો બહુ જ નાનો અવરોધ છે. દરેક દિવ્યાંગ વ્યક્તિમાં પણ ચોક્કસપણે કંઇક ઉમદા પાસું હોય છે, એટલે તેની દિવ્યાંગતાને ધ્યાનમાં ન લેતાં તેની અંદર રહેલી વિશેષતાને પારખવી જોઈએ. તેનામાં રહેલી ઇશ્વરદત્ત ક્ષમતાને બહાર લાવીએ. તેની ક્ષમતાને વિકસાવવામાં પૂરેપૂરો સાથ સહકાર આપીએ. આવું કરીએ તો તે શારીરિક-માનસિક સીમાડાને વળોટીને સફળતાનાં ઉચ્ચતમ શિખર સુધી પહોંચી શકે છે. પ્રસિદ્ધ મહિલા પર્વતારોહક અને મોટિવેશનલ સ્પીકર અરુણિમા સિંહા જીવનમાં કોઇ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માગતી વ્યક્તિને પાનો ચડે એવી વાત કહે છે, ‘વિકલાંગતા તમારાં શરીરમાં હોય તો ચાલશે પણ વિકલાંગતા તમારી વિચારધારામાં તો ન જ હોવી જોઇએ.’ આપણે ત્યાં જાણીતી ઉક્તિ છે કે, ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો...’

જેમ ઊગતા સૂર્યને સહુ કોઈ પૂજે તેમ સફળતા પ્રાપ્ત કર્યા બાદ વધુ આગળ વધવા તથા ભવિષ્ય અંગેના નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સફળ થયા બાદ ઘણો સહયોગ પ્રાપ્ત થાય છે, પરંતુ હકીકત એ છે કે સફળતા મેળવ્યાં પહેલાં કરેલો સંઘર્ષ ભાગ્યે જ કોઈની નજરે ચડતો હોય છે. આર્થિક સંઘર્ષ દરેક ખેલાડીને આગળ વધવા માટે અવરોધરૂપ બનતો હોય છે. ડગલે ને પગલે આ સમસ્યા સામે લડતાં લડતાં મોટાભાગે એવું બનતું હોય છે કાબેલ ખેલાડી હોવા છતાં પરિસ્થિતિથી આખરે હારીથાકીને તેમણે હથિયાર હેઠાં મૂકી દેવાં પડે છે. આવા સમયે જ ખાસ એ ખેલાડીને મજબૂત સહયોગની જરૂર હોય છે. તેનો અભાવ ભારત દેશમાં ઊડીને આંખે વળગે તેવો છે. આવી વિકટ પરિસ્થિતિનો સામનો ફક્ત મેં જ નહીં પણ સફળતા પ્રાપ્ત કરેલા અથવા તો હિંમત હારી ચૂકેલા દરેક ખેલાડીએ કર્યો છે.

આપણી સરકાર તથા રમતગમત સાથે સંકળાયેલી દરેક સંસ્થા જો આ પ્રશ્નોનાં નિવારણ અંગે વિચારણા કરે તો દેશને હજુ પણ ચેમ્પિયન ખેલાડીઓ પ્રાપ્ત થઇ શકશે. બીજું કે, ભારતમાં જાહેર સ્થળો પર દિવ્યાંગો સરળતાથી હરીફરી શકે તેવી એક્સેસિબિલિટીનો આપણા દેશમાં અભાવ છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આવાં સ્થળો પર એક્સેસિબલિટી ન હોવાથી દિવ્યાંગો એવી જગ્યા પર જવાનું ટાળે છે તથા કામગીરી કરવામાં મુશ્કેલી અનુભવે છે. જો આ પરિસ્થિતિ સુધરે તો દરેક દિવ્યાંગને માટે કરવામાં આવેલા ઉમદા પ્રયાસમાંનો એક પ્રયાસ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...