માવઠાની આગાહી:​​​​​​​બનાસકાંઠા, મહિસાગર સહિત ઉત્તર ગુજરાતમાં 5મી જાન્યુઆરીએ કમોસમી વરસાદની સંભાવના

અમદાવાદ17 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી
  • આગામી 4થી 5 દિવસો શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. આ સાથે જ 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ, રાજ્યમાં 5મી જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એકવાર ખેતીને લઈને થનારા નુકસાનથી ચિંતિત બન્યા છે.

અમદાવાદમાં 8 જાન્યુઆરી બાદ ઠંડી વધશે
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શુક્રવારે મોડી રાત સુધી શહેરમાં ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ, શનિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે, પણ 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

વરસાદથી ઠંડીનો ચમકારો વધશે
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં રાજ્ય સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં હીમ વર્ષાને કારણે ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડી વર્તાઈ હતી. જોકે હવે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે.

ક્યાં કેટલી ઠંડી

  • અમદાવાદ-15.1
  • નલિયા-10.0
  • ડીસા-11.6
  • ભૂજ-13.2
  • કંડલા-13.4
  • વિદ્યાનગર-14.0
  • ગાંધીનગર-14.3
  • સુરેન્દ્રનગર-14.4
  • રાજકોટ-14.7
  • વડોદરા-14.8