મિશન 2022ની તૈયારી:કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણીઓ માટે PROની નિમણૂક કરાશે, નવેમ્બરના અંતમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થઈ શકે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા પ્રભારી હજી બે ત્રણ વખત ગુજરાત આવી કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે
  • કોંગ્રેસના AICC ડેલિગેટ, પ્રદેશ ડેલિગેટ સહિત સંગઠનનાં વિવિધ પદોની ચૂંટણી યોજાશે

ગુજરાતમાં હવે આગામી સમયમાં 10 હજારથી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવા થઈ રહી છે. બીજી બાજુ, 2022માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે રાજ્યમાં બંને મોટા પક્ષોમાં હલચલ વધી ગઈ છે. તાજેતરમાં જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી મામલે દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાત કોંગ્રેસના 25 નેતાએ બેઠક કરી હતી. ત્યારે દિવાળી પહેલાં કોંગ્રેસનાં બંને પદ પર નેતાની પસંદગી કરાશે એવી વાતો વહેતી થઈ હતી, પરંતુ હવે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત નવેમ્બર મહિના બાદ થાય એવી શક્યતાઓ છે. એ પહેલાં કોંગ્રેસમાં આંતરિક સંગઠનની ચૂંટણી માટે પ્રદેશ રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરાશે.

કોંગ્રેસના પીઆરઓની નિમણૂક કરાશે
આગામી સમયમાં સમગ્ર દેશમાં કોંગ્રેસના રિટર્નિંગ ઓફિસરની નિમણૂક થશે. ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રી, જેઓ કોંગ્રેસ પક્ષના સમગ્ર દેશના આંતરિક ચૂંટણી કમિશનર છે તેઓ હવે દરેક રાજ્યમાં કોંગ્રેસના પીઆરઓ (પ્રદેશ રિટર્નિંગ ઓફિસર)ની નિમણૂક કરશે. બાદમાં કોંગ્રેસના AICC ડેલિગેટ, પ્રદેશ ડેલિગેટ સહિત સંગઠનનાં વિવિધ પદો પર ચૂંટણી યોજાશે. 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસમાં સંગઠનની પ્રક્રિયા તેજ બની ગઈ છે.

રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના 25 નેતાએ બેઠક કરી હતી ( ફાઈલ ફોટો).
રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના 25 નેતાએ બેઠક કરી હતી ( ફાઈલ ફોટો).

કોંગ્રેસના પ્રભારી ફરીવાર ગુજરાત આવશે
બીજી તરફ, કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી ડો. રઘુ શર્મા ફરીવાર ગુજરાત આવશે. તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા તેમજ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના પદ માટે ફરીવાર કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. બાદમાં રિપોર્ટ દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરશે. બાદમાં હાઈકમાન્ડમાં ચર્ચાઓ થયા બાદ બંને પદના નવા નેતાઓની પસંદગી કરાશે. રઘુ શર્માએ તાજેતરની ગુજરાત મુલાકાતમાં કોંગ્રેસના કાર્યકરોને સ્પષ્ટ કહી દીધું હતું કે છેલ્લાં 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી બની. જેથી હવે સરકાર બનાવવા માટે જૂથબંધી છોડીને કામે લાગી જાઓ.

ભાજપના પેજ-પ્રમુખોનો મુકાબલો કરવા સંયોજકોની ફોજ
ગુજરાતમાં દિવાળી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી સત્તા સ્થાનેથી દૂર રહેલી કોંગ્રેસ હવે સત્તા મેળવવા ભાજપના રસ્તે આગળ વધી રહી છે. કોંગ્રેસ હવે મારું બૂથ મારું ગૌરવ", "બૂથ જીતીશું, 2022ની ચૂંટણી જીતીશું"ના સૂત્ર સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે. બીજી તરફ ભાજપના પેજ-પ્રમુખોની જેમ જ કોંગ્રેસના સંગઠનમાં પેજ પ્રભારીની નિમણૂક કરાશે. બીજી તરફ, ભાજપના પેજ-પ્રમુખોનો મુકાબલો કરવા કોંગ્રેસે અત્યારસુધીમાં 35 હજાર જેટલા સંયોજકોની નિમણૂક કરી દીધી હોવાનું કોંગ્રેસનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

કોંગ્રેસના ગુજરાત પ્રભારી હજી બે-ત્રણ વખત પક્ષના નેતાઓ સાથે બેઠક યોજશે ( ફાઈલ ફોટો).
કોંગ્રેસના ગુજરાત પ્રભારી હજી બે-ત્રણ વખત પક્ષના નેતાઓ સાથે બેઠક યોજશે ( ફાઈલ ફોટો).

કોંગ્રેસે 35 હજારથી વધુ સંયોજકો બનાવી દીધા
અત્યારસુધીમાં કોંગ્રેસે 35 હજારથી વધુ સંયોજકો બનાવી દીધા છે. તેમને સંયોજકનું આઈકાર્ડ પણ આપવામાં આવ્યું છે. ગુજરાતના જિલ્લા પંચાયતની 1098 બેઠક પર, તાલુકા પંચાયતની 5220, મનપા વિસ્તારમાં 3431 અને નગરપાલિકાઓમાં નિમણુકો આપી તેમને તાલીમ આપવામાં આવી રહી છે. આ સિવાય કોંગ્રેસ રાજ્યના તમામ 52 હજાર બૂથ પર એક પુરુષ અને એક સ્ત્રી જનમિત્રની રણનીતિ તરફ આગળ વધી રહ્યાં છે. સંયોજકો 2021 વર્ષના અંત સુધી તાલીમ સાથે, જ્યારે જનમિત્રોને માર્ચ સુધી નિમણૂક આપી કોંગ્રેસ વધારે સારા સંગઠન સાથે 2022ની ચૂંટણી જીતવા આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...