તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ પહેલા જ એડમિશન:ધોરણ-12ના પરિણામ અગાઉ જ ખાનગી યુનિવર્સિટીઓએ એડમિશન આપવાનું શરૂ કર્યું, બે રાઉન્ડ પૂરા પણ થઈ ગયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • બે રાઉન્ડ પૂરા પણ થઈ ગયા, હાલ ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે હવે અત્યારે સ્કૂલ દ્વારા ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ધોરણ-12ના પરિણામ બનાવવા માટે તૈયારી થઈ પણ નથી થઈ ત્યારે ધોરણ 12 પછી એડમિશન લેવા માટે ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા વાલીઓની સંપર્ક કરવામાં આવી રહ્યો છે.અત્યારે પ્રોવિઝન અને પ્રિ બુકિંગ એડમિશન ન નામે એડમિશન આપવામાં આવી રહ્યા છે.

ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને એડમિશન માટે જાણ કરવા લાગી
ધોરણ-12ની પરીક્ષાના પરિણામ અગાઉ જ એડમિશન માટે ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા અત્યારે વિદ્યાર્થીઓને તથા વાલીઓને સંપર્ક કરીને એડમિશન અંગે જાણ કરવામાં આવે છે અને તેમની યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે જણાવે છે. અત્યારે પ્રોવિઝન એડમિશન આપવામાં આવશે અને બાદમાં પરિણામ આવતા એડમિશન કન્ફર્મ કરવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

‘તમારે એડમિશન લેવું હોય તો નામ નોંધાવી શકો છો’
આ અંગે અમદાવાદના એક વાલીને કર્ણાવતી યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો હતો કે જેમાં વાલીને જણાવવામાં આવ્યું હતું કે કોલેજના એડમિશન શરૂ કરવામાં આવ્યા છે. અત્યારે અમે પ્રોવિઝન એડમિશન આપી રહ્યા છીએ. બે રાઉન્ડ પૂરા થયા અને ત્રીજો રાઉન્ડ હવે ચાલુ છે તો તમારે એડમિશન લેવું હોય તો નામ નોંધાવી શકો છો. જ્યારે વિસનગરની સાંકળચંદ યુનિવર્સિટીમાંથી પણ વાલીને ફોન કરીને BBAમાં એડમિશન લેવું હોય તો અત્યારે મળી જશે તેવું જણાવવામાં આવ્યું હતું. બાદમાં પરિણામ આવતા એડમિશન હાઉસફૂલ થઇ શકે છે.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશથી કોઈ વંચિત નહિ રહે
રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાનું કહેવું છે કે યુનિવર્સિટીનો પ્રયાસ રહેશે કે કોઈ વિદ્યાર્થી પ્રવેશ વિના બાકી નહિ રહે, જો વધુ વિદ્યાર્થીઓ સમાવવાની જરૂર પડશે તોપણ તૈયારી છે. યુનિવર્સિટીમાં ધોરણ 12 પછીના અભ્યાસક્રમ માટે 65,221 વિદ્યાર્થીનો ઇનટેક છે, જેની સામે પાછલા વર્ષે અંદાજે 15 હજાર બેઠક ખાલી રહી હતી. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલ BComમાં 3,11,950, BAમાં 15,971, BScમાં 12,350, BBAમાં 2,200, BCAમાં 2,710 બેઠકનો સમાવેશ થાય છે.

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી 30 હજાર સીટ વધારશે
મધ્ય ગુજરાતમાં ગોધરાસ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ધોરણ 12ની પરીક્ષા ન યોજાવાથી પ્રવેશમાં ઊભી થનારી સ્થિતિને લઈને આગોતરું આયોજન કરી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથે વાતમાં જણાવ્યું હતું કે પહેલા વર્ષ માટે 35 હજાર વિદ્યાર્થીનો ઇનટેક છે. અમે હાલના ઇનટેકની સામે વધારાના 30 હજાર વિદ્યાર્થીને સમાવી શકાય એ માટેની કાર્યવાહી પણ શરૂ કરી છે. યુનિવર્સિટીમાં 5 જિલ્લાની 171 કોલેજ કાર્યરત છે, જેમાં મોટા ભાગની સરકારી અને ગ્રાન્ટેડ છે. આ કોલેજનું ઇન્ક્રાસ્ટ્રકચર મોટું હોવાથી ત્યાં વધારાના વિદ્યાર્થીઓનો સામાવેશ થઈ શકશે.

6.83 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 12માં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે, જેથી તમામ યુનિવર્સિટી અને કોલેજમાં વર્ગ મર્યાદિત હશે. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશમાં મુશ્કેલી આવી શકે છે. હાલની પરિસ્થિતિનો લાભ લઈને ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા અત્યારથી જ એડમિશન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે રાજ્ય સરકારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થી મળીને 6.83 લાખને માસ પ્રમોશન આપ્યું છે.