તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ખાનગી સ્કૂલ સંચાલકો ટ્યૂશન સિવાયની ફી ઉઘરાવી નહીં શકે: ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારને ટ્યૂશન ફી મુદ્દે પરિપત્રમાં ફેરફાર કરવા આદેશ
  • વાલીઓને સરળ હપતે ફી ચૂકવવાની વ્યવસ્થા કરી આપવા સંચાલકોને ટકોર
  • શિક્ષકો તમારાં બાળકોના બીજા વાલી છે, ઓનલાઇન ભણાવવાના પરિશ્રમને ન અવગણો : કોર્ટ

ખાનગી સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ખાનગી સ્કૂલોને ટ્યૂશન ફી લેવાની જ મંજૂરી આપી છે. જ્યારે સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી ટ્યૂશન ફી સિવાયની ફી નહીં વસૂલવા ખાનગી સંચાલકોને તથા શિક્ષકોના હિતને ધ્યાનમાં લઈ વાલીઓને ફીના સરળ હપતાની વ્યવસ્થા કરી આપવા આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારને ટ્યૂશન ફી મામલે પરિપત્રમાં સુધારો કરવા આદેશ કર્યો છે.

વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ વતી એડવોકેટ વિશાલ દવેએ દલીલ કરી હતી કે, લૉકડાઉનના 3 મહિના સુધી વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. આવા સંજોગોમાં સ્કૂલો પણ બંધ હોવા છતાં સંચાલકો ફી ભરી દેવા દબાણ કરે છે. સરકારે આ મામલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ખંડપીઠે તેમના ચુકાદામાં ઠેરવ્યું છે કે, સરકાર અને સ્કૂલ ફેડરેશન ફરીથી ખુલ્લા મગજ સાથે ફીના મામલે ચર્ચા કરીને શિક્ષકો અને વાલીઓ બંનેના હિતને ધ્યાનમાં લઈને ઉકેલ લાવવો જોઈએ.

વર્તમાન સંજોગોને ધ્યાને લઈ સ્કૂલ સંચાલકો નફો લેવાનું બંધ કરે: હાઈકોર્ટ
ખંડપીઠે તેમના અવલોકનમાં ઠેરવ્યું છે કે, વર્તમાન સંજોગોમાં અનેક વાલીની નોકરી ગઈ છે. ધંધા-વ્યવસાય બંધ છે. આવામાં તેઓ બાળકોની ફી ચૂકવી શકવા સમર્થ ન હોય તે સ્કૂલ સંચાલકોએ સમજવાની જરૂર છે. વાલીઓ દર મહિને હપતેથી ફી ચૂકવે તે માટે સ્કૂલોએ તૈયાર થવું પડશે. સંઘર્ષ કરતા વાલી મજબૂરીમાં સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડી લે તેવી સ્થિતિ ન બનવી જોઈએ. હાલની સ્થિતિ જોતાં સ્કૂલો બિન-નફાકારક અભિગમ કેટલાક મહિના સુધી અપનાવે.

ઓનલાઈન એજ્યુકેશન માટે શિક્ષકોને તેમના કલાકો મુજબ પગાર ચૂકવો
છેલ્લા 4 મહિનાથી જીવનની ગાડી પાટા પરથી ખડી ગઈ છે. આવા સંજોગોમાં આપણાં બાળકોને નોર્મલ લાઇફ આપવાની જવાબદારી શિક્ષકોની છે. તેઓ બાળકોના બીજા વાલી સમાન છે. ઓનલાઇન એજ્યુકેશન માટે શિક્ષકોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. તે માટે તેમને પગાર પણ મળવો જોઈએ. શિક્ષકોની મહેનતને નજરઅંદાજ કરી શકાય નહીં. ઓનલાઇન એજ્યુકેશન માટે તેમના કલાકો મુજબ તેમને પગાર ચૂકવવો જોઈએ.

ફી મુદ્દે ટૂંક સમયમાં સ્કૂલ સંચાલકો સાથે બેઠક થશે: શિક્ષણમંત્રી
ગાંધીનગર : શાળાઓમાં હાલ શિક્ષણ પ્રક્રિયા બંધ છે ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓના સંચાલકોનું હિત સચવાય તે રીતે ફી સંબંધિત ઉકેલ આવવો જોઈએ તેવો આ નિર્દેશ છે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ફી મુદ્દે શિક્ષણ વિભાગ આગામી થોડા દિવસોમાં જ સંચાલકો સાથે બેઠક યોજશે. હાઇકોર્ટે તેના આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...