સુનાવણી:ખાનગી હોસ્પિ.ને કોરોનાની સારવાર ખર્ચમાં 10 ટકા ઘટાડો કરવા હાઈકોર્ટનો આદેશ, ટેસ્ટિંગ મામલે ICMRને પક્ષકાર તરીકે જોડાવા હુકમ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે.બી. પારડીવાલાની બેંચ સમક્ષ રાજ્ય સરકાર સામેની થયેલી સુઓમોટો અરજી અંગે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને હાઇકોર્ટ કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો-હુકમો કર્યાં છે. ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવારના ચાર્જ 10 ટકા ઘટાડવા આદેશ કર્યો છે. 

ડેડીકેટેડ કોવિડ-19 સિવિલ હોસ્પિ.ની કામગીરીને લઈ સંતોષ વ્યક્ત કર્યો

હાઇકોર્ટે નોંધ્યુ કે, ડેડીકેટેડ કોવિડ-19 સિવિલ હોસ્પિટલ અમદાવાદના સંદર્ભમાં રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા તમામ દિશાનિર્દેશોનું પાલન થયું છે. હાઇકોર્ટ દ્વારા નિમવામાં આવેલી ત્રણ એક્સપર્ટ ડોક્ટરો ડૉ. અમી પરીખ, ડૉ. અદ્વૈત ઠાકોર અને ડૉ. બિપિન અમીનની સમિતિએ રાજ્ય સરકારે લીધેલા પગલાંઓની વિગતો સાથે જે અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કર્યાં તેની પણ હાઇકોર્ટ નોંધ લઇને સંતોષ વ્યકત કર્યો છે.

ટેસ્ટિંગ મામલે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર અંગેના 16 મે 2020ના રોજથી નિયત કરવામાં આવેલા ચાર્જ છે તે પહેલની હાઇકોર્ટે નોંધ લીધી છે અને હાઇકોર્ટે ચર્ચાને અંતે ખાનગી હોસ્પિટલોને આ ચાર્જમાં વધુ 10 ટકા ઘટાડો કરવાના આદેશો આપ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMR(ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે. જ્યારે પરપ્રાંતિય શ્રમિકોના સ્થળાંતર અંગે રાજ્ય સરકારે જે કામગીરી કરી છે તેની હાઇકોર્ટે સકારાત્મક નોંધ લીધી છે. ગુજરાતમાંથી 950થી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા 14 લાખથી વધુ શ્રમિકોને તેમના વતન-રાજ્ય પહોચાડવામાં આવ્યા છે તે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે એમ પણ હાઇકોર્ટે નોંધ્યુ છે. હાલ આ માઇગ્રન્ટ લેબર અંગેની બાબત સુપ્રિમ કોર્ટમાં પડતર હોવાથી હાઇકોર્ટ આ વિષયે રાજ્ય સરકારને કોઇ દિશાનિર્દેશો આપેલા નથી. 

અન્ય સમાચારો પણ છે...